મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. તેમની લથડતી તબિયત સુધારવા માટે તેમને સ્વાસ્થ્યને લગતા કારણના આધાર પર આ જામીન આપવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી બગડી રહી છે. ગઈ કાલે ગુરુવારે તેઓ તિહાડ જેલના વોશરૂમમાં બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ તેને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં તેમના જામીન અંગેની અરજીની સુનાવણી દરમિયાન EDએ વિરોધ નોંધાવ્યો હતો. ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં જેલ અને આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે, તેથી LNJP હોસ્પિટલના રિપોર્ટ પર વિશ્વાસ કરી શકાય નહીં. અમે માંગ કરીએ છીએ કે AIIMSના તબીબોનું એક સ્વતંત્ર મેડિકલ બોર્ડ તેમના સ્વાસ્થ્યની તપાસ કરે અને તેના આધારે જો તેમને લાગે કે તેમને જામીન આપવામાં આવે તો કોર્ટ તેનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
ED તરફથી હાજર રહેલા વકીલને સાંભળ્યા બાદ કોર્ટે સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા.
સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું કે, આજે હું માત્ર સ્વાસ્થ્યના આધારે જામીનની માંગ કરી રહ્યો છું. તેઓ 1 વર્ષથી જેલમાં છે, તેમની તબિયત બગડી રહી છે. તિહાડના તમામ કેદીઓને LNJPમાં જ તપાસવામાં આવે છે.
કોર્ટે સત્યેન્દ્ર જૈનને જામીન આપતા કહ્યું કે અમે સ્વાસ્થ્યના આધારે જામીન આપી રહ્યા છીએ. 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન. તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે. જામીનની શરતો નીચલી અદાલતે નક્કી કરવાની રહેશે. સત્યેન્દ્ર જૈન કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશો નહીં. કોર્ટની પરવાનગી વિના દિલ્હીની બહાર ન જવું. જે સારવાર થઈ રહી છે તેનો રિપોર્ટ પણ સુપ્રીમ કોર્ટને આપવો. તેમના કેસની આગામી સુનાવણી 10 જુલાઈએ થશે, તેમજ પ્રેસ કે મીડિયાને કોઈ નિવેદન ન આપવું