Homeઉત્સવસત્યમેવ જયતે: કારણ કે નોટ પર લખ્યું છે ને!

સત્યમેવ જયતે: કારણ કે નોટ પર લખ્યું છે ને!

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

આપણા રાષ્ટ્રીય જીવનમાં ‘સત્યમેવ જયતે’ એક મહોર અથવા મુદ્રા છે. તમે એને સરકારી મહોરથી લઈને ચાની દુકાન પર સજાવટના નામે ચોંટાડેલા આદર્શ સૂવાક્યો સુધી ગમે ત્યાં જોઈ શકો છો. બે હજાર રૂપિયાથી લઈ દસ રૂપિયાની ચલણી નોટો પર લખાયેલું હોવાથી દરેક ભારતીયની નજર આ મહોર પર ઘણી વાર જાય છે. પછી એ નોટ ભલેને સાચી મહેનતની કમાણી હોય કે પછી લાંચ, ચોરી અથવા બેઈમાનીની કાળી કમાણી, પણ નોટો પર તો ‘સત્યની જીત’ સતત ચાલતી રહે છે. આ હાથથી પેલા હાથમાં, આ ખિસ્સામાંથી પેલા ખિસ્સામાં. લોકો નોટોનો ઉપયોગ કરતા રહે છે. લોકો એ નોટોની બચત કરે છે, છુપાવે છે, પણ એમની નજર ‘સત્યમેવ જયતે’ પર ક્યારેય નથી પડતી!
અસત્યના રસ્તે તરત મળતી જીત એટલી બધી અસરકારક હોય છે કે ‘સત્યની અંતમાં જીત થશે’ એ વાત ખાલી એક ભ્રમણા લાગે છે. એક રાષ્ટ્ર નોટ પર ‘સત્યમેવ જયતે’ છાપીને ‘સત્યની જીત’ પ્રત્યે બેફિકર થઈ જાય છે. સત્ય પ્રત્યે જ સૌ બેફિકર થઈ જાય છે! આ દેશમાં જ્યાં લોકો ‘સત્ય’ કરતાં સત્યનારાયણની કથા પર વધારે ભરોસો કરે છે, ત્યાં એક મહોર કે મુદ્રા, હોવા છતાં વધારે કંઈ મેળવી શકતી નથી.
જ્યાં સામાજિક જીવનમાં સામાન્ય માણસ અસત્ય તરફ આંખ આડા કાન કરવાને બદલે શાણપણથી છટકી જવામાં વધારે સલામતી અનુભવતો હોય, જ્યાં આર્થિક શક્તિઓ અસત્યને સામાન્ય વ્યવહારીક રીતે સ્વીકાર કરતી હોય, જ્યાં રાજનીતિ અસત્યના માર્ગ પર ચાલીને જ કરી શકાય છે, ત્યાં ‘સત્યમેવ જયતે’નો નોટ છાપેલા એક ચિત્રથી અધિક કોઈ અર્થ રહેતો નથી. સત્યમેવ જયતે માત્ર એક આર્ટવર્ક બનીને રહી ગયું છે!
આ દેશ, ‘સત્યમેવ જયતે’ની મુદ્રા બનાવી સત્ય પ્રત્યે બેદરકાર બની ગયો છે. સત્યની રક્ષા કરવાવાળા અદાલતોને પ્રત્યે બેદરકાર છે. અદાલતના જજ લોકોની આર્થિક સ્થિતિ પેલા પોંગા પંડિતો જેવી હોય છે જે પ્રદૂષિત નદીના ઘાટ પર અથવા અવાવરૂ મંદિરોમાં બેસી રહે છે. જજોની પરિસ્થિતિ ત્યારે જ સુધરી શકે છે, જ્યારે તેઓ અસત્યની સાથે સતત તાલમેલ રાખતા રહે છે. ટ્રાન્સફરનો ડર એમને પણ સરકારી કર્મચારીઓની જેમ સતત પરેશાન કરતો રહે છે. રિટાયર થયા પછી એ લોકો થોડું ઘણું કામ મેળવવા માટે સરકારના નેતાઓ તરફ દયામણા ભાવે જોયા કરે છે. આ વધતી મોંઘવારીમાં તેઓ સુરક્ષિત વૃદ્ધાવસ્થા કેવી રીતે પસાર કરશે, એ ચિંતા એમને પણ પરેશાન કરે છે.
‘સત્યમેવ જયતે’ની મુદ્રાની નીચે સત્યની રક્ષા કરવાવાળાઓની આ જ મોટી દુર્દશા છે. જે નોટો પર સત્યની જીત લખેલી હોય છે એ જ નોટોને કારણે આ દેશમાં સત્ય સતત પરાજિત થાય છે. એક જમાનામાં મુંબઈમાં અને દરેક જગ્યાએ ખૈરનાર જેવા ઘણાં પ્રમાણિક ઑફિસરોને ગાળો આપવામાં આવતી, એમના પર ગોળીઓ ચલાવવામાં આવતી અને હત્યારાઓ ‘સત્યમેવ જયત’ છાપેલી નોટના દમ પર નવાં હથિયારો ખરીદતા રહેતા.
આજેય કંઇ ઝાઝું બદલાયું નથી.
ઇન શોર્ટ, ‘સત્યમેવ જયતે’ શણગાર છે, સુંદરતા છે, સ્લોગન છે, ડિઝાઈન છે, ફૂલ-પાંખડીની સજાવટ છે. સાચું બોલનારા સોક્રેટિસના જમાનાથી ગરીબો, દુ:ખી અને પરેશાન છે. આપણને આ વાત સમજાય છે પણ એ વાત પ્રામાણિક જજ અથવા ઇમાનદાર ઑફિસરને કેમ સમજાતી નથી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular