ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
ભારતનાં અગ્રીમ હરોળનાં સ્વાતંત્ર્ય સેનાની, પ્રખ્યાત ગાંધીવાદી, જાણીતાં સમાજસુધારક, કર્ણાટક રાજ્યનાં પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી અને પદ્મભૂષણના પુરસ્કારથી સન્માનિત…
પરિચય પાંચ છે, પણ વ્યક્તિ એક જ છે: યશોધરા દાસપ્પા… ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં યશોધરાએ મહત્ત્વની ભૂમિકા ભજવેલી. અત્યારના છતીસગઢ અને તત્કાલીન મધ્યપ્રદેશના ખૂબ જ ગાજેલા જંગલ સત્યાગ્રહમાં એણે ભાગ લીધેલો. વિદુરશ્ર્વથ સત્યાગ્રહમાં સહભાગી થઈને ધરપકડ વહોરેલી અને જેલવાસ ભોગવેલો.
યશોધરાનો જન્મ બેંગલોરમાં ૨૮ મે ૧૯૦૫ના થયો. પિતા કે. એચ. રામૈયા પ્રતિષ્ઠિત સમાજસેવક હતા. યશોધરાનો અભ્યાસ મદ્રાસમાં થયો. પ્રાથમિક શિક્ષણ લંડન મિશન શાળામાં થયું. ક્વીન્સ મેરીઝ કોલેજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. જાણીતા સાધનસંપન્ન પરિવારની ક્ધયા હોવા છતાં યશોધરાએ મુલાયમ જીવન છોડીને મુશ્કેલીભર્યા રસ્તે ચાલવાનું પસંદ કર્યું. સામાજિક ચળવળકારી બની. એચ. સી. દાસપ્પા નામના સ્વાતંત્ર્ય સેનાની સાથે એણે લગ્ન કર્યા. પતિની જોડાજોડ સ્વતંત્રતા સંગ્રામનાં ઘણાં બધાં આંદોલનોમાં અને સત્યાગ્રહોમાં એણે સક્રિયપણે ભાગ લીધેલો.
આઝાદી આંદોલનનો એક મહત્ત્વનો પડાવ જંગલ સત્યાગ્રહ હતો. ગાંધીવાદી ચળવળનો એક અનોખો સત્યાગ્રહ. સ્વરાજની લડત દરમિયાન મહાત્મા ગાંધીએ નાગરિક અસહકાર ચળવળ શરૂ કરી ત્યારે જંગલ સત્યાગ્રહ સ્વાધીનતા સંગ્રામના એક મહત્ત્વના પરિબળ તરીકે ઊપસી આવેલો. એ રીતે આ સત્યાગ્રહ નાગરિક અસહકાર ચળવળનો જ એક હિસ્સો હતો. ૧૯૩૦માં મધ્ય પ્રદેશમાં આ સત્યાગ્રહ થયેલો. વન કાયદા લાગુ કરવાના બહાને બ્રિટિશ સરકારે તામોરાના આદિવાસીઓનાં ઢોરઢાંખર જપ્ત કરી લીધેલાં. એથી વનકાયદાનો ભંગ કરીને ગાંધીચીંધ્યા અહિંસક માર્ગે જંગલ સત્યાગ્રહ કરવામાં આવેલો.
અંગ્રેજ સરકારે જંગલ કાયદાનો અમલ ૧૯૩૦માં કર્યો. આ કાયદા અંતર્ગત આદિવાસીઓને જંગલમાંથી લાકડાં, ફળ, મૂળ અને પાંદડાં વીણવાની મનાઈ ફરમાવવામાં આવી. આદિવાસીઓના ઢોરોને ચરવા માટે જંગલમાં લઇ જવા પર પ્રતિબંધ મુકાયો. પણ મૂંગાં પશુઓને ગમાણમાં કાયમ માટે બાંધી રાખવા શક્ય નહોતું. પ્રાણીઓને ચરાણ માટે જંગલમાં લઇ જવા એ આદિવાસીઓની મજબૂરી હતી. એથી કાયદાના અમલીકરણને નામે ક્રૂર બ્રિટિશ સલ્તનતે તામોરાના અને આજુબાજુનાં ગામોમાં વસતા આદિવાસીઓનાં ઢોરની જપ્તિ કરી લીધી. કાયદાનો ભંગ કરવા બદલ પશુધનના માલિકોની પજવણી પણ કરવામાં આવતી. કાનૂનભંગના ખોટા આરોપ હેઠળ આદિવાસીઓની કનડગત કરવામાં આવતી.
બ્રિટિશ સરકારની આવી દાદાગીરી અને જોહુકમીનો આદિવાસીઓએ અહિંસક રસ્તે વિરોધ કર્યો. એમાંથી જંગલ સત્યાગ્રહનો ઉદભવ થયો. આઝાદી આંદોલનના સત્યાગ્રહીઓ અન્યાયી જંગલ કાયદા વિરુદ્ધના વન સત્યાગ્રહમાં જોડાયાં. યશોધરા પણ ન્યાય માટેના સત્યાગ્રહમાં સહભાગી બની.
સત્યાગ્રહીઓના સાથસહકારથી વન કાયદાનો વિવિધ પ્રકારે ભંગ કરવામાં આવ્યો. જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં જાનવરોને ચરવા માટે છોડી મુકાયા, જંગલના અધિકારીઓની મંજૂરી લીધા વિના લાકડાં અને પાંદડાં વીણવાનું શરૂ કર્યું. જંગલ ખાતાના અને મહેસૂલ ખાતાના અંગ્રેજ અધિકારીઓનો સામાજિક બહિષ્કાર કર્યો. વન કાયદાના વિરોધના પ્રતીકરૂપે જંગલમાંથી ઘાસ, પાન અને ડાળીઓ વીણવામાં આવી.
સત્યાગ્રહીઓએ બ્રિટિશ સરકાર પાસે ન્યાયની માગણી કરી. ઢોરઢાંખર છોડી મૂકવાની વિનંતીઓ કરી. પણ બદલામાં અંગ્રેજ પોલીસે લાઠીમાર કર્યો. ધરપકડો કરી. સત્યાગ્રહીઓ માર ખાતાં રહ્યાં, પણ અહિંસાનું શસ્ત્ર હેઠે ન જ મૂક્યું. યશોધરા પણ એમાંની એક સત્યાગ્રહી હતી.
જંગલ સત્યાગ્રહ બાદ યશોધરા આઝાદીનાં અનેક આંદોલનોમાં જોડાયેલી રહી. એમાંનું એક મહત્ત્વનું ગણી શકાય તેવું આંદોલન વિદુરશ્ર્વથ સત્યાગ્રહ હતું. વર્ષ ૧૯૩૮… ભારતનો સ્વતંત્રતા સંગ્રામ પરાકાષ્ઠાએ હતો. ૨૫ એપ્રિલના ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના આગેવાનોના નેતૃત્વમાં કેટલાંક ગામડાંનું બનેલું જૂથ એકઠું થયેલું. કર્ણાટક અને આંધ્રપ્રદેશની સરહદને સ્પર્શતા ચિક્કબલ્લાપુર જિલ્લામાં વિદુરશ્ર્વથના ખુલ્લા મેદાનમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો જૂથનો ઉદ્દેશ હતો. બ્રિટિશ સરકારના પ્રતિબંધાત્મક આદેશોની પરવા કર્યા વિના માનવસમૂહ ધ્વજ ફરકાવવા આગળ વધી રહ્યો હતો. એવામાં અંગ્રેજ પોલીસે ઓચિંતો ગોળીબાર શરૂ કરી દીધો. લગભગ પાંત્રીસ સત્યાગ્રહીઓ માર્યા ગયા. સો કરતાં વધુ ઘાયલ થયા. પંજાબના જલિયાંવાલા બાગના સામૂહિક હત્યાકાંડના હિચકારા બનાવ જેવી જ પાશવી આ ઘટના હોવાથી વિદુરશ્ર્વથ સત્યાગ્રહ દક્ષિણ ભારતના જલિયાંવાલા હત્યાકાંડ તરીકે જાણીતો થયો. આ સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ યશોધરા દાસપ્પાની ધરપકડ કરવામાં આવેલી. એણે જેલવાસ પણ વહોરવો પડેલો.
જેલવાસ પૂરો થયા પછી યશોધરા ફરીથી આઝાદી આંદોલનમાં જોડાઈ ગઈ. એનું ઘર સ્વતંત્રતા સેનાનીઓની બેઠક માટેનું મિલનસ્થળ બન્યું. યશોધરા પોતે બ્રિટિશ સરકાર વિરોધી આગઝરતાં ભાષણો લખવા અને કરવા માટે
જાણીતી હતી. અંગ્રેજો પર અંગારા વરસાવતું એનું એક ભાષણ એ દિવસોમાં અત્યંત ચર્ચાસ્પદ બનેલું. થયું એવું કે અંગ્રેજી હકૂમતે એક ઈમારતને હેમિલ્ટન નામના અંગ્રેજ અધિકારીનું નામ આપવાનું નક્કી કર્યું. હેમિલ્ટન સ્વતંત્રતા સેનાનીઓ સાથે અત્યંત અમાનવીય, નિર્દયી અને ઘાતકી આચરણ કરવા બદલ કુખ્યાત હતો. એથી આઝાદીના લડવૈયાઓએ અંગ્રેજ સરકારના નિર્ણયનો ઘોર વિરોધ કર્યો. યશોધરાએ સરકારના વિરોધમાં જોરદાર ભાષણ આપીને અંગ્રેજવિરોધી બળતામાં ઘી હોમેલું.
ભારત દેશ આઝાદ થયા પછી યશોધરા રાજકારણના માધ્યમથી દેશસેવા કરતી રહી. ૧૯૬૨માં એસ.આર.કંઠીના મંત્રાલયમાં મંત્રી તરીકે કામ કર્યું. ૧૯૬૯માં કર્ણાટકના મુખ્યમંત્રી નિજલિંગપ્પાના મંત્રીમંડળમાં વરિષ્ઠ મંત્રી તરીકે એ સક્રિય રહી. કર્ણાટકમાંથી દારૂબંધી હટાવવાના વિરોધમાં એણે મંત્રીપદેથી રાજીનામું આપી દીધેલું. ભારત સરકારે સમાજમાં એણે કરેલા યોગદાનને બિરદાવવા પદ્મભૂષણથી પુરસ્કૃત કરી.
સ્વતંત્ર ભારતની સરકારે યશોધરાને દેશનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું, પણ સેવા એણે પ્રથમ કક્ષાની કરેલી, એ નિર્વિવાદ હકીકત છે!