બેસેલ્સ: ભારતના બેડમિન્ટન ખેલાડીઓ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ રવિવારે સ્વિસ ઓપનની મેન્સ ડબલ્સની ફાઇનલમાં ચીનના રેન જિયાંગ યુ અને તાન કિયાંગને હરાવીને ટાઈટલ જીતી લીધું છે. આ જોડીએ ફાઇનલમાં ચીનની જોડીને સીધી ગેમમાં ૨૧-૧૯, ૨૪-૨૨થી પરાજય આપ્યો હતો. વિશ્ર્વની નંબર-૬ જોડીએ એક કલાકથી ઓછા સમયમાં વિશ્ર્વની નંબર-૨૧ જોડીને હરાવી હતી. ભારતીય જોડીએ સમગ્ર મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને સરળતાથી મેચ પર કબ્જો કરી લીધો હતો.
આ વર્ષે સાત્વિક સાઇરાજ અને ચિરાગનું આ પ્રથમ બીડબલ્યૂએફ ડબલ્સ ટાઇટલ છે. આ સાથે જ આ બંનેના નામે પાંચમું ટાઇટલ છે. આ ટાઈટલ આ જોડી માટે મોટી રાહતની વાત છે કારણ કે આ વર્ષે બંને પાંચ ટુર્નામેન્ટમાંથી માત્ર એક જ વખત ક્વાર્ટર ફાઈનલથી આગળ વધી શક્યા હતા. જોકે, આ જોડી ઈજાઓથી પરેશાન હતી. રેન્કીરેડ્ડી ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે એશિયન મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપ ટીમનો ભાગ બની શક્યો ન હતો.
બેસેલ્સમાં રમાયેલી ફાઇનલમાં આ જોડીએ ચીનની જોડી સામે શરૂઆતથી જ આક્રમકતા દર્શાવી હતી. પ્રારંભિક લીડ બાદ એક તબક્કે સ્કોર ૬-૬ની બરાબરી પર હતો. આ પછી રેન્કીરેડ્ડીએ શાનદાર શોટ ફટકારીને એક પોઈન્ટથી લીડ મેળવી લીધી હતી. બ્રેક સુધી ભારતીય જોડીનો સ્કોર ૧૧-૮ હતો. આ પછી ભારતીય ખેલાડીઓએ પાછળ વળીને જોયું નથી અને પહેલા સ્કોર ૧૬-૧૧ અને પછી ૧૭-૧૨ કર્યો હતો. અંતિમ ક્ષણોમાં ચીનની જોડીએ કેટલાક પોઈન્ટ મેળવીને ભારતીય જોડીને મુશ્કેલીમાં મુકી દીધી હતી, પરંતુ ભારતીય જોડી પ્રથમ ગેમ જીતવામાં સફળ રહી હતી.
આ જોડીએ બીજા રાઉન્ડમાં પણ આક્રમક રમત બતાવીને પ્રારંભિક લીડ મેળવી હતી, પરંતુ ત્યારબાદ ચીનની જોડીએ પણ વાપસી કરી અને સ્કોર ૪-૨ કરીને લીડ મેળવી લીધી, પરંતુ આ પછી રેન્કીરેડ્ડી અને શેટ્ટીએ વાપસી કરીને સ્કોર ૬-૪ કર્યો હતો. આ જોડી ૧૧-૯ના સ્કોર સાથે બ્રેકમાં ગઈ હતી. જો કે બ્રેક બાદ ચીનની જોડીએ સ્કોર બરાબરી કરવાનો પ્રયાસ કર્યો અને ભારતને મુશ્કેલીમાં મુકી દીધું, પરંતુ ત્યારબાદ ભારતીય જોડીએ તરત જ કેટલાક શાનદાર પોઈન્ટ મેળવી સ્કોર ૧૪-૧૧ કરી દીધો.