અભિનેતા અને ડિરેક્ટર સતિષ કૌશિકના નિધનને કારણે બોલીવૂડ સહિત તેમના ફેન્સને પણ મોટો ધક્કો લાગ્યો છે. સવારથી જ સોશિયલ મીડિયા પર સતિષ કૌશિકને શ્રદ્ધા સુમન કરતી પોસ્ટ વાઈરલ થઈ રહી છે. આ બધા વચ્ચે એક મહત્ત્વના સમાચાર એવા આવી રહ્યા છે કે દિગ્ગજ કલાકારના પાર્થિવ શરીર પર આજે જ મુંબઈમાં સાંજે પાંચ વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરિવારજનો દ્વારા એક પરિપત્રક જાહેર કરવામાં આવ્યું છે અને એમાં જણાવવામાં આવ્યું છે કે આજે સાંજે પાંચ વાગ્યે અંધેરીની હિંદુ સ્મશાનભૂમિ ખાતે સતિષ કૌશિકના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અનેક સેલેબ્સ તેમના અંતિમ દર્શન કરવા માટે વર્સોવા ખાતેના તેમના ઘરે પહોંચ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સતિષ કૌશિકે અનેક હિંદી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને તેમના નિધનથી બોલીવૂડને ક્યારેય ના પૂરાય એવી ખોટ પટી છે. અનેક સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સતિષ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી હતી. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.


બોલીવૂડમાં ડેબ્યુ કરવા પહેલાં તેમણે નાટકોમાં કામ કર્યું હતું અને દિવાના મસ્તાના, રામ લખન, સાજન ચલે સસુરાલ સહિતની અનેક ફિલ્મોમાં તેમણે કરેલાં અભિનયના દર્શકોએ પેટ ભરીને વખાણ કર્યા હતા, પરંતુ આ બધા વચ્ચે 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં તેમણે નિભાવેલા કેલેન્ડરનું કેરેક્ટર લોકોમાં ખૂબ જ લોકપ્રિય થયું હતું. ફિલ્મોની સાથે સાથે તેમણે ટીવી સિરિયલમાં પણ કામ કર્યું હતું, જેમાં કથા સાગર, મે આય કમ ઈન મેડમ જેવી સિરિયલમાં કામ કર્યું હતું અને આ ઉપરાંત તેમણે સ્કેમ 1992 જેવી સુપરહિટ વેબ સિરિઝમાં પણ પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા.