પોતાના અભિનય અને દિગ્દર્શન દ્વારા બોલિવૂડમાં એક મોટી ઓળખ બનાવનાર સતીશ કૌશિકનું નિધન થયું છે. 66 વર્ષની વયે તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. મિત્રો સાથે તેઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક હોળી રમી હતી અને રંગોથી રમતા મિત્રો સાથેના ફોટા પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા, જેમાં તેઓ ઘણા જ ખુશ દેખાતા હતા. સતીશ કૌશિકનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, સતીશ કૌશિક હરિયાણાના ગુરુગ્રામ આવ્યા હતા. અહીં તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જે સમયે તેમની તબિયત બગડી તે સમયે તેઓ કારમાં હાજર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉતાવળે તેમને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.
સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવશે. જો કે, તે પહેલા તેમનું પોસ્ટમોર્ટમ દિલ્હીની દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં સવારે 11 વાગ્યે કરવામાં આવશે. હાલમાં સતીશ કૌશિકના મૃતદેહને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. તેમના મૃતદેહને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાંથી દિલ્હી લાવવામાં આવ્યો છે. સતીશ કૌશિકના નિધનથી ફિલ્મ સ્ટાર્સ આઘાતમાં છે.
તેઓ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સતીશ કૌશિક જીવતા હતા ત્યારે તેમની છેલ્લી ફિલ્મ ‘છત્રીવાલા’ રિલીઝ થઈ હતી. આમાં યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળી હતી. જોકે, દુનિયા છોડી ચૂકેલા સતીશ હવે કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે પૂર્વ રક્ષા પ્રધાન જગજીવન રામની ભૂમિકા ભજવી છે.