Homeમેટિનીસાઉથનો સથવારો

સાઉથનો સથવારો

શાહરુખ ખાન, સલમાન ખાન પછી હવે રણવીર સિંહ પણ સાઉથના ફિલ્મમેકર સાથે હાથ મિલાવી રહ્યો છે

કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી

દર્શકોને શું ગમશે અને શું નહીં એ સમજવું ‘ડોન’ના ડાયલોગ જેવું ‘મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ’ છે. તમિલ સુપરહિટ ફિલ્મને આધારે બનેલી ‘વિક્રમ વેધા’ (રિતિક રોશન, સૈફ અલી ખાન), ‘ક્વીન’ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર વિકાસ બહલની ‘ગુડબાય’ (અમિતાભ બચ્ચન), પૌરાણિક કથા અને વિજ્ઞાનનું સંયોજન ધરાવતી એક્શન એડવેન્ચર ફિલ્મ ‘રામ સેતુ’ (અક્ષય કુમાર) અને ફેન્ટસી કોમેડી ડ્રામા ‘થેન્ક ગોડ’ (અજય દેવગન – સિદ્ધાર્થ મલ્હોત્રા) વગેરેએ આ વર્ષની ફ્લોપ હિન્દી ફિલ્મોની યાદી લાંબી બનાવી છે. ‘ફોન ભૂત’ અને ‘ડબલ એક્સએલ’ પણ એ જ રસ્તે આગળ વધશે એવા એંધાણ છે. સાઉથની ફિલ્મ સોનું સાબિત થઈ રહી છે એ પરિસ્થિતિમાં હિન્દી ફિલ્મના અગ્રણી અભિનેતાઓ સાઉથના ફિલ્મમેકરો સાથે સમીકરણ બનાવવા ઉત્સુક હોય એ સ્વાભાવિક છે. અલબત્ત અક્ષય કુમારની ‘લક્ષ્મી’ (ડિરેક્ટર રાઘવ લોરેન્સ), શાહિદ કપૂરની ‘જર્સી’ (ગૌતમ તિનાનુરી), અજય દેવગન – આલિયા ભટ્ટની ‘આરઆરઆર’ (એસ.એસ. રાજામૌલી), કંગના રનૌટની ‘થલાઈવી’ (એ. એલ. વિજય), અનન્યા પાંડેની ‘લાઈગર’ (પુરી જગન્નાધ) રિલીઝ થઈ ચૂકી છે અને એમાંથી ‘આરઆરઆર’ને બાદ કરતાં બાકીની ફિલ્મ સરિયામ નિષ્ફળતાને વરી છે. ‘આરઆરઆર’માં મુખ્ય રોલ તો રામ ચરણ અને એનટીઆર જુનિયરના હતા. બીજી મહત્ત્વની વાત એ કે ‘આરઆરઆર’ અને ‘લાઈગર’ હિન્દીમાં ડબ થઈ હતી. આવતા વર્ષે શાહરૂખ ખાનની ‘જવાન’ (એટલી), અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણની ‘પ્રોજેક્ટ કે’ (નાગ અશ્ર્વિન), રણબીર કપૂરની ‘એનિમલ’ (સંદીપ રેડ્ડી વેન્ગા) રિલીઝ થવાની ગણતરી છે. આ યાદીમાં સલમાન ખાન અને રણવીર સિંહનું નામ પણ જોડાશે એવા સમાચાર જાણવા મળ્યા છે. ટૂંકમાં હિન્દી ફિલ્મ મેકિંગને સાઉથનો સથવારો મળી રહ્યો છે.
હિન્દી ફિલ્મની કેટલીક હિરોઇનોની શરૂઆત સાઉથની ફિલ્મોથી થઈ છે. તાજેતરમાં મણિરત્નમની સુપરહિટ ફિલ્મ ‘પોન્નીયીન સેલ્વન’ જોયા પછી કેટરીના કૈફે પણ સાઉથની ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. લેટેસ્ટ સમાચાર પ્રમાણે રણવીર સિંહ પણ સાઉથના દિગ્દર્શક સાથે કામ કરવાનો છે. સાઉથની ‘જેન્ટલમેન’ (હિન્દી રિમેક એ જ નામથી બની હતી), ‘ઇન્ડિયન’ (હિન્દી રિમેક હિન્દુસ્તાની), ‘જીન્સ’ (ઐશ્ર્ચર્યા રાયની પહેલી ફિલ્મ), હિન્દી ફિલ્મ ‘નાયક’ (અનિલ કપૂર), રજનીકાંત સાથે ૩ સુપરહિટ ફિલ્મ ‘શિવાજી ધ બોસ, એન્થિરન અને ૨.૦’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવનાર દિગ્દર્શક એસ. શંકર અને રણવીર સિંહ ‘બાહુબલી’ જેવી ભવ્ય ફિલ્મ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. મણિરત્નમની ‘પોન્નીયીન સેલ્વન’ની જેમ શંકરની ફિલ્મ તમિલ ભાષાની મશહૂર નવલકથા ‘વેલપરી’નું સિનેમા સંસ્કરણ હશે એવી રજૂઆત કરવામાં આવી છે. તમિળ રાજાની ભવ્ય ગાથા વર્ણવતી આ વાર્તા હિન્દી ફિલ્મ ઈતિહાસમાં એક વિશિષ્ટ પ્રકરણ બની રહેશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. મળેલી માહિતી મુજબ તોતિંગ બજેટ સાથે ભારતની વિવિધ ભાષાઓમાં આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો છે. એ રીતે જ એની પટકથા લખવામાં આવી છે. ફિલ્મની કથાનું ફલક એટલું ભવ્ય અને વિશાળ છે કે સંપૂર્ણ ગાથા એક ફિલ્મમાં સમાવવી મુશ્કેલ છે. શંકર પહેલા ભાગનું શૂટિંગ આવતા વર્ષના મધ્ય ભાગમાં શરૂ કરવા ધારે છે. ડિરેક્ટર અને એક્ટરની અત્યાર સુધીની કારકિર્દીની આ સૌથી ભવ્ય ફિલ્મ હશે એવો દાવો કરવામાં આવ્યો છે. અલબત્ત બે વર્ષ પહેલા રણવીર શંકરની અન્ય એક ફિલ્મમાં કામ કરશે એવી વાત વહેતી થઈ હતી. જોકે, કોઈ કારણોસર હવે આ ફિલ્મ પડતી મુકાઈ છે. જોકે, આ પડતી મૂકવામાં આવેલી ફિલ્મ વખતના રણવીર સાથેના સહયોગમાં શંકર એક્ટરથી ખૂબ જ પ્રભાવિત થયા અને આ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચાર્યું એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. બે ફ્લોપ ફિલ્મ (૮૩ અને જયેશભાઈ જોરદાર) આપ્યા પછી રણવીર સિંહની કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ રિલીઝ થવાની તૈયારીમાં છે જ્યારે રોહિત શેટ્ટીની ‘સર્કસ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ સિવાય સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’ પણ છે. સલમાન ખાન પણ ‘જવાન’ના દિગ્દર્શક એટલી સાથે ફિલ્મ કરશે એવી અટકળ પણ વહેતી થઈ છે. શાહરૂખે બંને જણની મિટિંગ પણ કરાવી આપી છે. જોકે, હજી સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ સાઉથના સથવારા માટે ઉત્સાહ ઘણો જોવા મળી રહ્યો છે.
————————-
જિતેન્દ્ર: સાઉથનો શહેનશાહ
ફિલ્મ કારકિર્દીના પ્રારંભમાં જ ‘જમ્પિંગ જેક’નું બિરુદ મેળવનાર જિતેન્દ્ર – જીતુજી માટે એક સમયે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો દરવાજો બંધ થઈ જવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. જોકે, જે સમયમાં ફિલ્મ સ્ટાર્સ કાયમ સેટ પર મોડા આવતા હતા એ સમયમાં સમય અને કામની શિસ્તબદ્ધતાને કારણે જીતુજી સાઉથના ફિલ્મ મેકરોમાં અત્યંત પ્રિય સાબિત થયા હતા. ઈન્ડિયન ફિલ્મ હિસ્ટ્રીએ આપેલી માહિતી અનુસાર જીતુજીએ સાઉથની ૮૦ હિન્દી રિમેકમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં ‘ખિલૌના’, ‘જૈસે કો તૈસા’, ‘જુદાઈ’, ‘મવાલી’, ‘હિમ્મતવાલા’ વગેરે વગેરે છે. યાદી ઘણી લાંબી છે. એમાં શ્રીદેવી અને જયા પ્રદા સાથેની સાઉથની હિન્દી રિમેકને દર્શકોનો બહોળો આવકાર મળ્યો હતો. એલ. વી. પ્રસાદ, કે. બાપૈયા અને રાઘવેન્દ્ર રાવ જેવા તો જીતુજીની પ્રશંસા કરતા થાકતા નહોતા. સાઉથની રિમેક જિતેન્દ્રની કારકિર્દીમાં સંજીવની સાબિત થઈ હતી. એ સફળતાનાં દોર પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બંધ થઈ ગયેલો દરવાજો ફરી ઉઘડી ગયો છે.

RELATED ARTICLES

Most Popular