Homeલાડકીગાંધીજીએ ભારતની બુલબુલ કહીને જેમને નવાજેલાં એ સરોજિની નાયડુ

ગાંધીજીએ ભારતની બુલબુલ કહીને જેમને નવાજેલાં એ સરોજિની નાયડુ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

જૌહરો મેં લલનાએ કુછ કમ નહીં
વક્ત આને પર ‘લક્ષ્મી’ ભી બન જાતી હૈ
ઐસા પ્યારા રતન, મેરા ભારત મહાન…
આ પંક્તિઓ કોણે રચેલી એ પ્રશ્ર્નનો ઉત્તર કદાચ કોઈ નહીં જાણતું હોય, પણ ગાંધીજી આ કોકિલકંઠી રચનાકારને ભારતનું ‘બુલબુલ’ કહીને સંબોધતાં એવો સંકેત આપવામાં આવે તો કોઈ પણ કવયિત્રીનું નામ કહી દેશે: સરોજિની નાયડુ.
હિંદનું બુલબુલ’ હોવાની સાથે સરોજિની નાયડુ અગ્રીમ હરોળનાં સ્વાતંત્ર્ય સૈનિક પણ હતાં. સરોજિનીનો અર્થ કમળથી ભરેલું તળાવ કે કમળસમૂહ થાય. સ્વતંત્રતા સેનાનીઓના સરોવરમાં વિવિધ પ્રકારનાં ફૂલ ઊગેલાં. એમાં સરોજિની કમળ બનીને ખીલી ઊઠ્યાં અને નામને સાર્થક કર્યું.
ભારત કોકિલા તરીકે પણ જાણીતાં થયેલાં સરોજિની નાયડુએ સવિનય કાનૂનભંગ અને ભારત છોડો આંદોલન સહિત અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધેલો. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં અધ્યક્ષ બનનારાં પ્રથમ ભારતીય મહિલા સરોજિની જ હતાં. મહિલા મતાધિકાર આંદોલનનાં સૂત્રધાર પણ સરોજિની જ. ભારતના કોઈ પણ રાજ્યનાં રાજ્યપાલ બનનારાં પ્રથમ ભારતીય મહિલા પણ સરોજિની જ. આઝાદી પછી ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ તરીકેની જવાબદારી એમને સોંપાયેલી. એમનો જન્મદિવસ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
બહુમુખી પ્રતિભા ધરાવતાં સરોજિની નાયડુનો જન્મ હૈદરાબાદમાં ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૯ના. સુખી સંપન્ન બંગાળી પરિવારમાં. માતા વરદસુંદરી દેવી. પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય. આઠ સંતાનોમાં સરોજિની સૌથી મોટાં. પિતા વૈજ્ઞાનિક હતા અને શિક્ષક પણ. એમણે હૈદરાબાદ નિઝામ કૉલેજની સ્થાપના કરાવેલી. વરદસુંદરી દેવી બંગાળી ભાષામાં કવિતા લખતાં.
માતાનો વારસો સરોજિનીમાં ઊતર્યો. બાળપણથી કાવ્યો પ્રત્યે આકર્ષાયેલાં. સરોજિની મેધાવી વિદ્યાર્થિની હતાં.માત્ર બાર વર્ષની ઉંમરે મેટ્રિકમાં ઉત્તીર્ણ થયેલાં, એટલું જ નહીં, મદ્રાસ વિશ્ર્વવિદ્યાલયમાં સર્વોચ્ચ સ્થાન મેળવેલું. ભણતી વખતે ગણિતનો દાખલો ગણતાં ગણતાં સરોજિનીએ તેરસો પંક્તિનું કાવ્ય રચેલું. શીર્ષક હતું: ‘લેડી ઓફ ધ લેઈક’ કે ‘ઝીલ કી રાની’-ઝરણાંની રાણી! અઘોરનાથને દીકરીનાં સર્જન માટે અપાર આનંદ થયો. હૈદરાબાદના નિઝામને એમણે સરોજિનીનું સાહિત્ય બતાડ્યું. નિઝામ પ્રભાવિત થયા. એમણે સરોજિનીને શિષ્યવૃત્તિ આપીને ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ મોકલ્યાં.
સોળ વર્ષની ઉંમરે સરોજિની ઇંગ્લેન્ડની કિંગ્સ કોલેજમાં દાખલ થયાં. એ પછી કેમ્બ્રિજ વિશ્ર્વવિદ્યાલયમાં પણ અભ્યાસ કર્યો. આ અરસામાં સરોજિનીની મુલાકાત તબીબી શિક્ષણ લઇ રહેલા ગોવિંદ રાજુલૂ નાયડુ સાથે થઇ. પરિચય પરિણયમાં પરિણમ્યો. ૧૮૯૮માં ઓગણીસ વર્ષની ઉંમરે સરોજિની ગોવિંદ રાજુ સાથે વિવાહબંધનમાં બંધાઈ ગયાં.
ઘણી વાર પિયરની પ્રતિભા સાસરિયામાં વાદળ પાછળના સૂરજપેઠે ઢંકાઈ જાય છે, પણ સરોજિનીનો સાહિત્યસૂર્ય ગોવિંદ રાજુલૂના સાંનિધ્યમાં સોળે કળાએ ખીલી ઊઠ્યો. ૧૯૦૫માં સરોજિનીનું કાવ્ય બુલબુલે હિન્દ પ્રકાશિત થયું. ‘ગોલ્ડન થ્રેસહોલ્ડ’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો. એ રાતોરાત જાણીતાં થઇ ગયાં. એક દિવસ સરોજિની ગોપાલકૃષ્ણ ગોખલેને મળ્યાં. એમણે સો શની ગરજ સારતી કલમમાં કેટલી તાકાત છુપાયેલી છે એ સમજાવ્યું. સાથે એવું સૂચન કર્યું કે સરોજિનીએ ક્રાંતિકારી કાવ્યો રચીને ગામડાંનાં લોકોને આઝાદી આંદોલનમાં જોડવા જોઈએ, સરોજિનીને આ વાત ગમી ગઈ. આઝાદી જ લક્ષ્ય અને આઝાદી જ ‘મંઝિલ’ એવા વિષય સાથે એમણે કાવ્ય રચ્યું.
ગોપાલકૃષ્ણ ગોખલેની મુલાકાતથી સરોજિની નાયડુના જીવનને નવો વળાંક મળ્યો, જયારે મહાત્મા ગાંધીજીના મેળાપથી એમનો જીવનપ્રવાહ જ પલટાયો વર્ષ ૧૯૧૪. લંડનમાં સરોજિની અને ગાંધીજીનું પ્રથમ મિલન. ગાંધીજી એ વેળાએ સાંજનું ભોજન કરી રહેલા. ગાંધીજીની પહેલી છાપ અંગેનું આલેખન સરોજિનીએ આ પ્રકારે કર્યું છે:
“માથું મૂંડેલો એક નાના કદનો માણસ ફરસ પર બિછાવેલા જેલના કાળા કામળા પર બેઠેલો. જેલમાં દેવામાં આવતાં લાકડાના પાત્રમાં રખાયેલું ઉટપટાંગ જેવું ભોજન કરી રહેલો. એમાં પીસેલાં ટામેટાં અને ઓલિવનું તેલ હતું. તેની ચારેબાજુ શેકેલી મગફળી અને પીસેલાં સૂકાં કેળાંનાં સ્વાદ વગરના બિસ્કિટ ભરેલાં તૂટેલાં ડબ્બા રાખેલા.- હું આ દ્રશ્ય જોઇને ખિલખિલાટ હસી પડી. એ મારા ભણી જોઇને હસ્યા: ચોક્કસ તમે માદામ નાયડુ છો. બીજું કોણ આટલું શ્રદ્ધાવિહોણું હોઈ શકે? આવો અને મારી સાથે ભોજન લ્યો. મેં મુસ્કુરાઈને, મોં મચકોડીને અને નાકનું ટેરવું ચડાવીને જવાબ આપ્યો: “નાજી. ધન્યવાદ. આ ખાણું કેટલું ગરબડવાળું છે!
ગાંધીજીનો આહાર ભલે ન ગમ્યો, પણ વિચારોએ સરોજિની પર જુદો જ પ્રભાવ પાડ્યો. સરોજિની એટલાં પ્રભાવિત થયાં કે ગાંધીજીનાં સેનાપતિ થઇ ગયાં. ૧૯૧૬માં લખનઉમાં કૉંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં સરોજિનીએ ભાગ લીધો. ગાંધીજીની માફક આખાયે દેશનું ભ્રમણ કર્યું. મહિલાઓને જાગૃત કરી. આઝાદી આંદોલનનો હિસ્સો બનવા પ્રોત્સાહિત કરી. લોકજાગૃતિ કાજે સરોજિની મધુર કંઠે ગાતાં પણ ખરાં:
ભારત દેશ હૈ હમારા બહુત પ્યારા
સારે વિશ્ર્વ મેં હૈ યહ સબસે ન્યારા
ઝંડા ઊંચા રહે હમારા
ભારતમાં જ નહીં, વિશ્ર્વમાં પણ ઝંડો ઊંચો રાખવાના લક્ષ્ય સાથે સરોજિનીએ સ્વરાજની લડતમાં ઝુકાવ્યું. દેશપ્રેમની ધૂણી ધખાવી. લોકો વચ્ચે જઈને તેજાબી ભાષણો કર્યા. અસ્ખલિતપણે બોલતાં સરોજિનીની વાણી ને વાક્છટાથી લોકો મંત્રમુગ્ધ થઇ જતાં. જંગમાં જોડાવા પ્રેરાતા.
સરોજિનીએ દેશની સાથે વિદેશમાં પણ પોતાના નામનો ડંકો વગાડેલો. ૧૯૧૮માં એમને ‘હોમરૂલ લીગ’નાં પ્રતિનિધિમંડળનાં સભ્ય તરીકે લંડન મોકલવામાં આવેલાં. તેમનું છટાદાર પ્રવચન સાંભળીને લંડનવાસીઓ અંજાઈ ગયેલાં. જિનીવામાં એમણે મહિલા મતાધિકાર પરિષદમાં યાદગાર ભાષણ આપેલું.
વર્ષ ૧૯૨૧. સરોજિની ભારત પાછાં ફર્યા ત્યારે અસહકારનું આંદોલન ચાલી રહેલું. ૧૯૨૨માં ગાંધીજીની ધરપકડ થઇ. ત્યારે સરોજિનીનું સમર્પણ જોઇને બાપુએ કહેલું: ‘ભારતનું ભાવિ હું તમારા હાથમાં સોંપીને જાઉં છું.’ સરોજિનીએ બાપુએ પોતાના પર મૂકેલો ભરોસો જળવાઈ રહે એવી દક્ષતાથી કામ કર્યું.
ચાર વર્ષ પછી ૧૯૨૫માં કાનપુરમાં મળેલા કૉંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં સરોજિની અધ્યક્ષા બન્યાં. ગાંધીજીએ એમનું આ શબ્દોમાં ઉમળકાભેર સ્વાગત કર્યું: “પહેલી વાર એક ભારતીય મહિલાને દેશની સૌથી શ્રેષ્ઠ સોગાદ મેળવવાનું સન્માન પ્રાપ્ત થયું છે. પોતાની લાયકાત અને યોગ્યતાને લીધે જ એમણે આ સન્માન મેળવ્યું છે.
ત્રણ વર્ષ બાદ, ૧૯૨૮માં સરોજિની અમેરિકા ગયાં. ગાંધીજીના અહિંસાના સંદેશાનો પ્રચાર કર્યો. એ પછી ૧૯૩૦માં નમક સત્યાગ્રહ થયો. ગાંધીજીની ધરપકડ થઇ ત્યારે સરોજિનીએ સત્યાગ્રહના સૂત્રધાર તરીકેની જવાબદારી સંભાળી લીધી. એ પછી અંતિમ લડત તરીકે જાણીતી ૧૯૪૨ની હિન્દ છોડો ચળવળમાં સરોજિની જોડાયાં. ‘કરો યા મરો’નું સૂત્ર ગજાવ્યું. ગાંધીજીની સાથે સરોજિનીની પણ ધરપકડ થઇ. એકવીસ મહિનાનો જેલવાસ તેમણે વેઠ્યો.
ભારત દેશ આઝાદ થયા પછી સરોજિની નાયડુને ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં. વડા પ્રધાન જવાહરલાલ નહેરુના આગ્રહથી પદનો સ્વીકાર તો કર્યો, પણ એમણે કહેલું, કેદ કરાયેલા જંગલના પક્ષી ‘જેવી અનુભૂતિ મને થાય છે. જોકે પોતાની ફરજ સરોજિનીએ અત્યંત નિષ્ઠાથી અદા કરી. રાજ્યપાલ તરીકે હોદ્દા પર કાર્યરત હતાં ત્યારે જ, ૨ માર્ચ ૧૯૪૯ના પોતાની કચેરીમાં કામ કરતાં સરોજિનીને હૃદયરોગનો હુમલો આવ્યો. અને દુનિયા છોડીને ચાલ્યાં ગયાં.
સરોજિની નાયડુએ વિદાય લીધી, પણ એમનાં કાવ્યો થકી અને આઝાદી આંદોલનમાં કરેલાં પ્રદાનથી અમર થઇ ગયાં છે. એમણે રચેલી કાવ્યપંક્તિઓનું સ્મરણ થાય છે:
એક હી રાષ્ટ્ર ઐસા હૈ જગ મેં યહાં
ભિન્નતા મેં જહાં એકતા દિવ્ય હૈ
ઐસા પ્યારા વતન મેરા ભારત મહાન
તમને પણ આ પંક્તિઓ દોહરાવવાનું મન થાય છે ને?

RELATED ARTICLES

Most Popular