સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચતા 23 દરવાજા ખોલાયા, રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

આજે દેશવાસીઓ 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચતા 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ 1 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ જળવીજ મથક 24 કલાક કાર્યરત કરાતા 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ ડેમમાંથી કુલ 1 લાખ 95 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, જે હવે માત્ર 3 મીટર દૂર છે. જેને લઈને નર્મદા નદીના કાંઠાના ભરુચ, નર્મદા, વડોદરા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે.
ત્યારે હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 194 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.55 ઈંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત મેઘરજ, મોડાસા, ઈડર, હિંમતનગર, માંગરોળમાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી સીઝનનો 85.56 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ડેમોમાં પાણીની આવકને કારણે ખેતી અને પીવાના પાણીની ઘાત ગુજરાતના માથેથી ટળી છે. રાજ્યના જળાશયોનીમાં 90 ટકાથી વધુ ભરાયેલા 70 જળાશયો હાલ હાઈએલર્ટ પર છે. જ્યારે 90 ટકા સુધી ભરાયેલા 14 જળાશયો એલર્ટ પર છે. 80 ટકા સુધી ભરાયેલા 15 જળાશયોને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 107 જળાશયોમાં 70 ટકા જેટલું પાણી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.