સરદાર પટેલનાં સચિવ અને સ્વતંત્રતા સેનાની: મણિબહેન પટેલ

લાડકી

ભારતની વીરાંગનાઓ-ટીના દોશી

મધ્યમ કદનાં, દૂબળાંપાતળાં, રંગે ભીનો વાન, હંમેશાં સફેદ ખાદીનાં લૂગડાં-તે પણ સારી પેઠે ઊંચો પહેરેલો સાડલો અને કોણી સુધીની બાંયવાળું પોલકું-જયારે જુઓ ત્યારે એ જ પહેરવેશ. એમાં જરા જેટલો ફેરફાર થયેલો કોઈએ નહીં જોયો હોય. ઊભાં હોય ત્યારે ઝડપથી કશે જવાની તૈયારીમાં હોય અને બેઠાં હોય ત્યારે કાં કાંઈ લખતાં હોય અથવા તો રેંટિયો કાંતતાં હોય…
એમનું નામ મણિબહેન વલ્લભભાઈ પટેલ. પિતા તેવી પુત્રી. સ્વાતંત્ર્ય સેનાની. ગાંધીજીના રહસ્યસચિવ મહાદેવભાઈ દેસાઈ અને સરદારનાં સચિવ મણિબહેન.
મણિબહેનના જીવનનું કેન્દ્ર હતા પિતા સરદાર વલ્લભભાઈ પટેલ. દેશસેવા કરી રહેલા પિતાની સેવા કરવા માટે મણિબહેને લગ્ન ન કરવાનો નિર્ણય કરેલો. ગાંધીજીએ આ નિર્ણય પાછળના નિશ્ર્ચયની દૃઢતા બરાબર નાણીને એમના આત્મસમર્પણને આશીર્વાદ આપ્યા. મણિબહેને આ વ્રત છેક સુધી કેટલી ચીવટથી નિભાવ્યું તેનું વર્ણન ઘનશ્યામદાસ બિરલાએ કરેલું. તેમણે હિન્દી ડાયજેસ્ટમાં ૧૯૫૨માં મણિબહેન પર લેખ લખેલો. એમાં લખ્યું કે, “બિરબલ, સા કોઈ ઐસા નર, પીર, બાવર્ચી, ભિશ્તી ખર એમાંના પીર, બાવર્ચી, ભિશ્તી, ખર તો મણિબહેન છે જ. ઘરની દેખરેખ તો એવી રાખે-એ ચાકર કહો કે બાવર્ચી- આંગણું પણ ચોખ્ખું ચંદન જેવું-કૂડોકચરો શોધ્યો ક્યાંય ન જડે. ખર્ચ ઓછામાં ઓછો કરે. છતાં રાજામહારાજાઓ, રાજદૂતો અને બીજા નાનામોટા મહેમાનોની સરભરા કરવામાં કસર ના રાખે.
સંસદમાં સરદાર બોલે એની નોંધ રાખે. સરદારનો પત્રવ્યવહાર એમના હાથતળે જ હોય. મળવા આવનારા અને એમની સાથે થયેલી વાતચીતની નોંધ તારીખ વાર સાથે મણિબહેન પાસે હોય. પોતે રોજ સૂતાં પહેલાં ડાયરી લખે. સવારે સરદાર જાગે તે પહેલાં ઊઠીને, પોતાનું કામ પરવારીને સેવા માટે હાજર. સરદારનાં દીકરી તો ખરાં જ, પણ એમના ચાકર, મંત્રી, ધોબી અને અંગરક્ષક પણ એ જ. અંગરક્ષકનું કામ કપરું. લોકોની નારાજી વહોરવી પડે. કોઈ વાર કોઈનું અપમાન થઇ જાય. પણ મણિબહેનની નજર તો એકમેવ સરદાર પર જ. પક્ષીની આંખની જેમ એમને સરદાર સિવાય બીજું કાંઈ ન દેખાય. એટલે શું થયું એની ચિંતા તો ઠીક ખ્યાલ પણ એમને ના હોય!
આ મણિબહેનનો જન્મ એપ્રિલ ૧૯૦૪માં થયો. એમના પછી ડાહ્યાભાઈનો જન્મ. મણિ અને ડાહ્યાને નાનાં મૂકીને માતા ઝવેરબહેનનું મૃત્યુ થયું. વલ્લભભાઈએ બે બાળકોને માથે નવી માનું દુ:ખ નહીં જ નાખવાનો નિશ્ર્ચય કર્યો. સામે પક્ષે વલ્લભભાઈની છત્રછાયામાં ઉછરેલાં મણિબહેન પિતૃસેવા કાજે આજીવન અપરિણીત રહ્યાં.
ગૂજરાત વિદ્યાપીઠનાં સ્નાતક એવાં મણિબહેને પિતાને પગલે ચાલીને આઝાદી આંદોલનમાં ઝુકાવ્યું. ખેડા, બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં રાતદિવસ કામ કર્યું. ૧૯૩૦માં દારૂના પીઠા પર પિકેટિંગ કર્યું અને વિલાયતી વસ્ત્રોની હોળી કરવામાં આગેવાની લીધી. એ જોઈ ગાંધીજીને આનંદ થયો. કાંઈક અબોલ, નબળી, અશક્ત લાગતી છોકરીમાં આ ખમીર? એમણે મણિબહેનને એક પત્રમાં લખેલું પણ ખરું: “તારી આ કાર્યશક્તિ અને દેશપ્રેમ જોઈ મને ખરેખર નવાઈ લાગી!
મણિબહેનને જેલવાસ થયો. જેલપ્રવેશ સમયે મણિબહેનનાં નેતૃત્વનાં ગુણ સૌએ જોયાં. અમલદારોએ બહેનોની ચૂડી ઉતારી લેવાની વાત કરી. બહેનોએ સત્યાગ્રહ કર્યો. અમલદારોની દલીલ એવી હતી કે જેલમાં ઘરેણું પહેરવા ન દેવાય. કાચ એટલે વિઘાતક વસ્તુ. એ કેદીને કેમ પહેરવા દેવાય. મણિબહેને સૂતરની આંટીમાંથી ચૂડી ગૂંથી કાઢી. મોતીના કંગન જેવી ચૂડી સો ટકા સ્વદેશી. પ્રાણઘાતક તત્ત્વોથી પૂરેપૂરી મુક્ત! બહેનોએ પોતપોતાના
માપની ચૂડી બનાવી પહેરી લીધી. કાચની
ચૂડીઓ ઉતારીને અમલદારના ટેબલ પર મૂકી દીધી.
જેલમાં જાતજાતના અનુભવો થયાં. નાની ઉંમરની બાળાઓ પણ ઘણી આવતી. દેશ ખાતર જેલમાં જવું આ છોકરીઓની તમન્ના હતી. સત્યાગ્રહનું મુખ્ય શસ્ત્ર હતું આત્મબળ. એ આત્મબળને જ જેલ તોડી નાખે.
બહેનો આમ ભાંગી જાય તો જીંદગીમાં કશું જ ન કરી શકે! આ છોકરીઓને બચાવવાની મણિબહેનની પોતાની એક ખાસ રીત હતી. બહેનો જેલનું ગંદું ભથ્થું જોઇને તંગ થઇ જતી. જેલના ટિનપાટ સાફ કરવાની, જાડા કપડાં પહેરવાની વાત આવે ત્યારે છળી ઊઠતી. એવી એક છોકરી- જેલમાં આવી ત્યારે ત્રણ વાર ભોજન ભથ્થું આવ્યું તે પાછું ઠેલ્યું.
પાણી સરખું પીધા વિના ધૂઆંપૂઆં થતી પડી રહી. આ બધું જોઈ રહેલાં મણિબહેન રેંટિયો કાંતી રહેલાં. એમણે પૂછ્યુ: ક્યાં સુધી નહીં જમે?
“છોકરીએ કહેતાં કહી દીધું. કદાપિ નહીં જમું અહીં! આ તે કાંઈ જમવા જેવું છે?
“હં, એટલે ખાવાનું સારું નથી. તેમાં, તો બહેન હમણાં મેટ્રન આવે ત્યારે ફોર્મ મંગાવી દઉં. સહી કરી માફી માંગી ઘેર જતી રહે. મા ઊતરતી ઊની રોટલી પીરસી જમાડશે! મણિબહેને રસ્તો બતાડ્યો.
પેલી તો ક્રોધનો જ્વાળામુખી બની ગઈ: “મને આમ કહો છો? મારે માટે આમ વિચારી જ કેમ શકો? હું તો દેશ માટે મારવા તૈયાર છું. અને તમે…
મણિબહેન સ્વસ્થતાથી બોલ્યાં: “આટલી અમથી જીભ. એને ટેરવે રહેલો સ્વાદ દેશને માટે નથી છોડી શકતી તો દેશ માટે દેહ કેમ કરીને છોડશે, બહેન?
પેલી બોલી: “હવે ભથ્થું આવશે એટલે લઈશ અને જમીશ.
“શાબાશ… મણિબહેને છોકરીની પીઠ થાબડી. “એ જમવું, પચાવવું અને એનાથી જ વજન પણ વધારવું. એ જ આપણી કસોટી. એ જ આ ક્ષણે અહીં રહી દેશ માટે કરવાનું છે. સ્વાદ માટે લાચાર થાય કે માંદા પડે એ સત્યાગ્રહી નહીં.
આ પ્રકારની ઘટનાઓ વચ્ચે ૧૯૩૦થી ૧૯૪૨ સુધી મણિબહેન તે વખતના મુંબઈ રાજ્યની લગભગ બધી જેલમાં જઈ આવેલાં. સાબરમતી, થાણા, યરવડા, આર્થર રોડ અને હિંડલગા જેલમાં સારી પેઠે રહેલાં. દરમિયાન ૧૯૩૮માં રાજકોટના ઠાકોર સામે પ્રજાએ સત્યાગ્રહ શરૂ કરેલો. ગાંધીજી અને સરદાર અન્ય કાર્યોમાં વ્યસ્ત હતા એટલે કસ્તૂરબા ત્યાં જવાં નીકળ્યાં. સાથે મૃદુલા સારાભાઇ અને મણિબહેન. સરકારે મણિબહેન અને મૃદુલાબહેનને રસ્તામાં જ પકડીને સણોસરાની ચોકીમાં પૂરી દીધાં. બાને એકલાંને એક ખંડિયેર જેવા જૂના મકાનમાં કેદ કર્યા. ત્યાં હવાઉજાસ પણ મળે નહીં. એના વિરોધમાં મણિબહેન ઉપવાસ પર ઊતર્યા. આખરે સરકારે કસ્તૂરબાને ત્રંબામાં એક નાના મહેલ જેવા મકાનમાં રાખ્યાં. મૃદુલાબહેન તથા મણિબહેનને પણ સાથે રાખ્યાં. ત્યારે બાના હાથનું પાણી પીને મણિબહેને ઉપવાસનું પારણું કર્યું. એ પછી ૧૯૪૨ની હિન્દ છોડો ચળવળમાં મણિબહેન સક્રિય થયાં. સરકારે ભારત સંરક્ષણ કાનૂન હેઠળ સત્યાગ્રહીઓને જેલમાં ધકેલ્યા. મણિબહેન ફરી જેલમાં.
દેશને આઝાદી મળી પછી સરદાર પટેલ ભારતના નાયબ વડા પ્રધાન થયા. મહાલયમાં મોટો અને સુંદર બગીચો પણ હતો. રાત્રે મણિબહેને જોયું કે બગીચામાં અજવાળું પાથરતી મોટી મોટી બત્તીઓ ચોકીદારે કરેલી. આખો બગીચો રોશનીમાં ઝળાંહળાં થાય. મણિબહેને ચોકીદારને બોલાવ્યો: “આજ સે ગેટ કે પાસ હૈ, વહ એક હી બત્તી કાફી હૈ! જરૂરત કે અલાવા એક ભી બત્તી નહીં જલેગી. બગીચા સૂરજ કે પ્રકાશમેં ઇસસે ભી જ્યાદા આછા લગતા હૈ. જીસકો ભી ઇસકી સુંદરતા દેખની હૈ, દિનભર આવાં હતાં મણિબહેન. પિતા માટે અને દેશ માટે જીવન સમર્પિત કરી દેનાર મહાન
પુત્રી. આવી પુત્રીઓને જોઈને જ કહેવાયું હશે કે, દીકરી છે દુ:ખભંજણી ને સુખની સર્જનહાર..!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.