વિવિધ રોલ કરવાની ઈચ્છા ધરાવતી અમૃતા સિંહની દીકરીનો મંત્ર છે ‘મુજે સબ કુછ કરના હૈ’. ભણસાલીની ફિલ્મમાં રાણી, ઝોયાના ચિત્રપટમાં મોડર્ન ગર્લ, કરણ સાથે ફેમિલી ડ્રામા એના ડ્રીમ્સ છે
કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી
સારા અલી ખાનની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ (૨૦૧૮) રિલીઝ થવા પૂર્વે ખાસ્સી ચર્ચામાં હતી, પણ રિલીઝ થયા પછી સોડા વોટરની બાટલીનું ઢાંકણ ખૂલ્યા પછી ઊભરો કેવો ધડામ કરતો સમી જાય, એવું જ આ ફિલ્મના કેસમાં બન્યું. એ ફિલ્મનું જમા પાસું એ હતું કે સારાની એક્ટિંગના, એના એકંદર પરફોર્મન્સના વખાણ થયા અને એ બાબત જ અમૃતા સિંહની દીકરીની કરિયરને આગળ લઈ જવામાં નિમિત્ત બની. રોહિત શેટ્ટી દિગ્દર્શિત રણવીર સિંહ સાથેની ‘સિમ્બા’માં સારાના રોલમાં બહુ વજન નહોતું પણ શગુન સાઠે પડદા પર દમદાર લાગી. કેમેરા સામે કમાલ કરી શકવાની એનામાં તાકાત છે એનો બધાને પરચો થઈ ગયો. જોકે, બે નામી દિગ્દર્શક ઈમ્તિયાઝ અલી અને ડેવિડ ધવન સાથેની ‘લવ આજ કલ’ અને ‘કુલી નંબર વન’ બોક્સ ઓફિસ પર ઊંધે માથે પટકાવાને કારણે સારાના નામ સામે સવાલ થવા લાગ્યા. આનંદ એલ રાયની ‘અતરંગી’ કોવિડમાં અટવાઈ અને થિયેટરમાં રિલીઝ ન થઈ. સારી વાત એ હતી કે ઓટીટીના દર્શકોએ સારાના ડબલ રોલની પ્રશંસા કરી. ૨૦૧૮થી ૨૦૨૧ દરમિયાન ઉજળો ઓછો અને ઝાંખો વધુ એવો હિસાબ આપનાર આ અભિનેત્રીના નામે આજની તારીખમાં પાંચ ફિલ્મ બોલે છે. વિક્રાંત મેસી સાથેની સાયકોલોજીકલ થ્રિલર ‘ગેસલાઇટ’, વિકી કૌશલ સાથેની ‘ઝરા હટ કે ઝરા બચ કે’ તેમજ ‘અય વતન મેરે વતન’ નું શૂટિંગ પૂરું થઈ ગયું છે જ્યારે ટાઈગર શ્રોફ સાથેની ‘મિશન ઈગલ’ અને હોમી અડજાણીયા સાથેની હત્યાના તાણવાણા ગૂંથતી ‘મર્ડર મુબારક’નું શૂટિંગ ચાલુ છે. અનુરાગ બસુની ‘મેટ્રો ઈન દિનો’ આ વર્ષે રિલીઝ થઈ જશે. આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે સારા વૈવિધ્યપૂર્ણ રોલ કરવાને વધુ પ્રાધાન્ય આપી રહી છે અને એને માટે કોઈ પણ જોખમ લેવાની એની તૈયારી હોય છે. કરણ જોહર નિર્મિત ‘અય વતન મેરે વતન’માં તો સારા ફ્રીડમ ફાઈટરનો રોલ કરી રહી છે, મતલબ કે ગ્લેમરની સાવ બાદબાકી. ટૂંકમાં પાત્રના વજનને પ્રાધાન્ય આપ્યું છે. આજના યંગસ્ટર્સની આ ખાસિયત છે કે રોલ દમદાર લાગે તો રિસ્ક લેવા તૈયાર હોય છે. વિવિધ ફિલ્મમેકરો સાથે ચેલેંજિંગ રોલ કરવા ઉત્સુક સારાએ તેના ડ્રીમ રોલ વિશે કરેલી વાત જાણવા જેવી અને જાણીને સમજવા જેવી છે.
સારા અને આજના યંગ એક્ટર્સ બેનર કે હીરો કોણ છે એ જોઈને ફિલ્મ સાઈન કરે એવું દસમાંથી માંડ એક બે વાર બનતું હશે. આ લોકો સ્ટોરી શું છે, પાત્ર કેવું છે અને ડિરેક્ટર કોણ છે એ બિલોરી કાચ લઈને ચકાસી લે છે. એટલે જ્યારે સારા કહે છે કે પોતે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં રાણીનો રૂઆબ દેખાડવા તલપાપડ છે અને ઝોયા અખ્તરની ફિલ્મમાં મોડર્ન ગર્લ તરીકે દેખાવા માગે છે ત્યારે એ ફિલ્મ મેકરની ખાસિયતને કેવી સમજી ગઈ છે એનો તો ખ્યાલ આવે જ છે, પણ વરાયટીની ઈચ્છા પણ ડોકિયાં કરે છે. કરણ જોહરનો ઉલ્લેખ કરી ફેમિલી ડ્રામા કરવાની વાત કરે છે. ‘મુજે સબ કુછ કરના હૈ’ એ એનું ઘોષ વાક્ય છે. દિનેશ વીજન નિર્મિત રોમેન્ટિક કોમેડી પણ કરી રહી છે. મતલબ એક થાળીમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન સાથે મેક્સિકન અને ઈટાલિયન આઈટમ પીરસી હોય એવું લાગે. અલબત્ત બધી વાનગી એક સાથે નથી ઝાપટવાની, એક પછી એક આવશે: પંજાબી પછી સાઉથ ઈન્ડિયન, ત્યારબાદ ઈટાલિયન વગેરે. આવું હોય તો જીભ વાનગી માણતા કંટાળે નહીં એ જ રીતે દર્શકોને પણ સારાને અલગ અલગ ફિલ્મોમાં જોવાની તક મળશે.
સારા અલી ખાન એન્ડ કંપનીની અન્ય એક ખાસિયત એ છે કે કોઈ મુદ્દે ચર્ચા થતી હોય કે અભિપ્રાય માગવામાં આવતા હોય ત્યારે આ લોકો મોટાભાગે બફાટ નથી કરતા. કાં તો મોઢું સીવીને રાખે છે અને જ્યારે બોલે છે ત્યારે ‘સીધી બાત, નો બકવાસ’ જેવો તેમનો અભિગમ હોય છે. હિન્દી – અંગ્રેજી પર સારું પ્રભુત્વ ધરાવતા આ કલાકારોની રમૂજ વૃત્તિ (સેન્સ ઓફ હ્યુમર) પણ સારી હોય છે. તાજેતરમાં એક ઈવેન્ટ દરમિયાન સારાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા નીપોટિઝમ (સગાંવાદ) વિશે પૂછવામાં આવ્યું હતું. આમ પણ આ મુદ્દો સુશાંત સિંહની આત્મહત્યા પછી ખૂબ ચર્ચામાં છે. સારા સૈફ – અમૃતાની દીકરી છે અને આ સંવેદનશીલ મુદ્દાનો જવાબ એ સ્માર્ટલી ટાળી દેશે એવી અનેક લોકોની ધારણા હતી. જોકે, સૌના આશ્ર્ચર્ય વચ્ચે સારાએ જવાબ આપ્યા, અને એ સુધ્ધાં કોઈ પણ સંકોચ રાખ્યા વિના. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવતા પરિવારમાં જન્મ લેવો પોતે પસંદ નથી કર્યો એવી રમૂજ કરી પોતાની ઓળખથી દૂર નથી ભાગવા માગતી એમ પણ એ સાફ શબ્દોમાં જણાવી દે છે. સારાનું કહેવું છે કે ‘જે બાબત પર આપણું નિયંત્રણ ન હોય એના વિશે વધુ પડતું વિચારવું, ખૂબ ચર્ચા કરવી એનો કોઈ અર્થ નથી. આ બાબતથી લાભ તો નથી જ થતો, ગેરલાભ ચોક્કસ થાય છે. મારા માતા – પિતા કોણ છે એ તો હું નથી બદલી શકવાની. મારે કોશિશ કાયમ એ રહેવાની કે મારું અસ્તિત્વ હું મારા દમ પર, મારી આવડતના જોરે બનાવું. હું મારી પારિવારિક ઓળખથી ભાગી નથી શકતી અને ભાગવા માગતી પણ નથી. મારું કામ લોકોને પસંદ પડે એવી કાયમ મારી કોશિશ રહેશે અને લોકો મને કોઈની દીકરી તરીકે નહીં પણ મારી કાબેલિયતને જોરે ઓળખે એવી મારી તમન્ના છે.’ સારાએ વાત તો ઘણી સારી કરી છે અને એ એના વિચારોને વળગી રહે અને ઈચ્છા અનુસાર પોતાની ઓળખ બનાવે એવી શુભેચ્છાની હકદાર તો એ છે જ, બરાબર ને! ઉ