Homeધર્મતેજસપ્ત બદરી, સપ્ત પ્રયાગ: ઉરગમ-વૅલીમાં ધ્યાનબદરી

સપ્ત બદરી, સપ્ત પ્રયાગ: ઉરગમ-વૅલીમાં ધ્યાનબદરી

જીવનનું અમૃત – ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
અણીમઠ ગામની લગભગ વચ્ચે જ આ મંદિર છે. મંદિર બાજુમાં જ પીપળાનું એક વિશાળ વૃક્ષ છે તે મોટી નિશાની છે. એમ માનવામાં આવે છે કે આ સ્થળે નારદજીએ તપશ્ર્ચર્યા કરી હતી. તેમની તપશ્ર્ચર્યાથી પ્રસન્ન થઇને ભગવાન બદરીનારાયણે નારદજીને એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં દર્શન આપ્યાં હતાં.
નારદજી ઓળખી ગયા અને નારદજીએ ભગવાનને અહીં સ્થાયી સ્વરૂપે રહેવાની પ્રાર્થના કરી. ભગવાને ભક્તની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. તદ્નુસાર ભગવાન વૃદ્ધ-બદરી અહીં મૂર્તિસ્વરૂપે બિરાજમાન છે. આવી ભક્તોની શ્રદ્ધા છે. ભગવાને અહીં નારદજીને વૃદ્ધ બ્રાહ્મણરૂપે દર્શન આપ્યાં હતાં, તેથી અહીં ભગવાન ‘વૃદ્ધ-બદરી’ તરીકે ઓળખાય છે.
તદ્નુસાર આ સ્થાન સપ્તબદરીમાંનું એક બદરી અર્થાત્ ‘વૃદ્ધ-બદરી’ ગણાય છે. મુખ્ય માર્ગ અર્થાત્ ઋષીકેશ-બદરીનાથ રાજમાર્ગ પર ‘વૃદ્ધ-બદરી’નું બોર્ડ મૂકેલું છે, તેથી બદરીનાથ જતી વખતે કે બદરીનાથથી પાછા ફરતી વખતે બસ કે મોટર રસ્તા પર ઊભી રાખીને યાત્રી આ વૃદ્ધ-બદરીના મંદિરે દર્શન માટે જઇ
શકે છે.
અણીમઠના ગ્રામજનો સરળ, ભલા અને સહાયક છે. પોતાનું ગામ એક તીર્થસ્થાન છે અને યાત્રીઓ અહીં યાત્રાર્થે આવે છે, તે જોઇને આ ભલાભોળા લોકો રાજીરાજી થઇ જાય છે.
અમે મંદિરમાં દર્શન માટે પહોંચ્યા. ભગવાન વૃદ્ધ-બદરીની શ્યામ વર્ણની સુંદર મૂર્તિ છે. અમે પણ
દર્શન પામ્યા. ભગવાનને પ્રણામ કરી થોડી વાર મંદિરના સભામંડપમાં બેઠા. નારાયણ-ગાયત્રીનો જપ
કર્યો. બિલકુલ બાજુમાં જ મંદિરના પૂજારી બ્રાહ્મણનું નિવાસસ્થાન છે. અમને જોઇને એક બહેન મંદિર પાસે આવ્યાં, અમારા કુશળ પૂછયા અને કાંઇ સહાયની જરૂર હોય તો જણાવવા કહ્યું. અમે તેમનો આભાર માની, પ્રસન્નતા વ્યક્ત કરી.
મંદિરની આજુબાજુ નિવાસસ્થાનો અને વૃક્ષો
ખૂબ છે. અહીં જાણે જંગલમાં ગામ છે અને ગામમાં જંગલ છે. થોડીવાર બેસીને અમે આગળ ચાલ્યા. પગદંડીને માર્ગે નીચે ઊતરીને અમે રાજમાર્ગ પર પહોંચ્યા. અમારી મોટર ત્યાં આવી પહોંચી છે. અમે મોટરમાં બેઠા અને મોટર આગળ દોડવા માંડી.
ઉરગમ-વૅલીમાં ધ્યાનબદરી
અણીમઠ-વૃદ્ધબદરીથી નીકળેલા અમે હવે હેલંગ અને હેલંગથી ઉરગમ-વૅલીમાં જવા ઈચ્છીએ છીએ.
શું છે આ ઉરગમ-વૅલી?
ઉરગમ-વૅલી એક ખૂબ રમણીય ઘાટી છે. આ ઘાટી પ્રમાણમાં સમૃદ્ધ વિસ્તાર છે. આ ઉરગમ-ઘાટીમાંથી કલ્પગંગા અર્થાત્ હિરણ્યવતી નામની નદી વહે છે. આ નદી હેલંગ પાસે અલકનંદાને મળે છે. આ ઉરગમ-ઘાટીની ચારેય બાજુ વિશાળ અને ઉત્તુંગ પહાડો છે અને આ પહાડોમાંથી અનેક જલધારાઓ નીકળે છે. આ સર્વ જલધારાઓ દોડતી-કૂદતી આખરે કલ્પગંગા અર્થાત્ હિરણ્યવતીને મળે છે અને આખરે તો ગંગાજીને મળે છે.
આ ઉરગમ-વૅલી પ્રમાણમાં સમૃદ્ધ છે. એનું કારણ એ છે કે અહીંની ખેતી સમૃદ્ધ છે. ખેતી સમૃદ્ધ છે તેનાં પ્રધાન કારણો બે છે: પ્રથમ તો અહીં આ વૅલીમાં સપાટ જમીન ઘણી છે, તેથી ખેતી માટે પ્રચુર જમીન મળી રહે છે. હિમાલયમાં ભાગ્યે જ જોવા મળે તેવાં અને તેટલાં મોટાં ખેતરો અહીં ઉપલબ્ધ છે. બીજું કારણ એ છે કે અહીંના પહાડોમાં જળસિંચન માટે આવશ્યક-પર્યાપ્ત જળરાશિ છે અને અહીંના ખેડૂતો આ જળનો ખેતી માટે ઉપયોગ કરી રહ્યા છે.
અહીં શિક્ષણનું પ્રમાણ ખૂબ સારું છે અને શિક્ષણ માટે આવશ્યક સુવિધા પણ છે.
આ પહેલાં અમે આ ઉરગમ-વૅલીનાં બંને તીર્થોની અને તદ્નુસાર આ ઉરગમ-વૅલીની યાત્રા કરી છે, પરંતુ તે વખતે હેલંગથી પગપાળા રસ્તો જ હતો.
હવે આ ઘાટીમાં મોટરરસ્તો બની ગયો છે.
આજ સુધી અમે માનતા હતા અને આગંતુકોની-યાત્રીઓની સામાન્ય સમજ એવી છે કે આ ઉરગમ-ઘાટીમાં માત્ર એક જ ગામ છે અને તે ઉરગમ, પરંતુ આ સમજ સાચી નથી. વસ્તુત: આ ઉરગમ-ઘાટીમાં બાર ગામ છે:
૧. સલના
૨. લ્યારી
૩. થૈણા
૪. તલ્લા-બડગીના
૫. મલ્લા-બડગીના
૬. દેવગ્રામ
૭. ગિરા
૮. બાંસા
૯. ભરક્કી
૧૦. બૈઠા
૧૧. પિલ્ખી
૧૨. અરોસી.
આ બાર ગામમાંથી તલ્લા-બડગી તથા મલ્લા-બડગી ગામ પ્રમાણમાં મોટાં છે. આ બંને ગામ મળીને ઉરગમ ગણાય છે. આ ઘાટીનું સૌથી મોટું ગામ આ જ છે, તેથી આ સમગ્ર ઘાટી કે વૅલીને ઉરગમ-ઘાટી કે ઉરગમ-વૅલી કહે છે.
આ ઉરગમ-વૅલીમાં અમે તો યાત્રા માટે જઈએ છીએ. અમારી સપ્તબદરીયાત્રામાંનું એક બદરી ‘ધ્યાનબદરી’ અહીં આ ઉરગમ-ઘાટીમાં અને આ ઉરગમગામમાં જ છે. આ ઉપરાંત સપ્તકેદારમાંનું એક કેદાર ‘કલ્પેશ્ર્વર’ પણ અહીં જ છે. આમ, આ ઉરગમ-વૅલી એવું સ્થાન છે, જ્યાં એક બદરી અને એક કેદાર પ્રતિષ્ઠિત છે. બંને વચ્ચે માત્ર એક કિ.મી.નું અંતર છે.
અણીમઠથી નીકળેલા અમને હેલંગ પહોંચતાં કેટલી વાર લાગે? અમે જાણે ચાલ્યા અને પહોંચ્યા. અમારી ગાડી સડસડાટ ચાલી રહી છે. ડ્રાઈવર ભૂલી ગયા કે શું? પરંતુ આ રાજમાર્ગ પરથી ઉરગમ તરફ જવાનો રસ્તો જે સ્થાનેથી છૂટો પડે છે તે સ્થાનથી અમારી મોટર આગળ નીકળી ગઈ. અમને પણ લાગ્યું કે અમે આગળ નીકળી ગયા છીએ. અમે ડ્રાઈવરનું ધ્યાન દોર્યું. ડ્રાઈવરે મોટર રોકીને એક સ્થાનિક સજ્જનને પૂછ્યું, ઉત્તર મળ્યો:
“તમે આગળ નીકળી ગયા છો. ઉરગમનો રસ્તો તો પાછળ રહી ગયો છે. અમારા ડ્રાઈવરે મોટર પાછી વાળી અને આખરે અમે ઉરગમ-વૅલીના સાચા રસ્તા પર ચડી ગયા. પુલ દ્વારા અલકનંદાને પાર કરીને ઉરગમ-ઘાટીમાં પ્રવેશ થાય છે. તદ્નુસાર અલકનંદાને પુલ દ્વારા પાર કરીને અમે ઉરગમ-ઘાટીમાં પ્રવેશ પામ્યા.
ઉરગમ-ઘાટીમાં પ્રવેશ પામતાં જ જાણે એક નવી દુનિયામાં પ્રવેશ પામ્યા હોઈએ તેમ લાગ્યું. આ કલ્પગંગાનદી, આ ઉત્તુંગ પહાડો, આ ઘનઘોર જંગલ, આ કૂદતાં અને વહેતાં ઝરણાંઓ, આ હરિયાળાં સુંદર ખેતરો! આ ઉરગમ-ઘાટી એક વિશિષ્ટ દુનિયા છે. આ ઉરગમ-વૅલીના બાર ગામની એક દુનિયા ન બની શકે? બની શકે રે! બની શકે! હિમાલયમાં માત્ર એક ગામની એક દુનિયા અમે જોઈ છે. દૃષ્ટાંતત: હિમાચલપ્રદેશનું મલાના!
અમારી મોટર સાવ ધીમેધીમે ચાલે છે. રસ્તો વાંકોચૂકો અને મોટા ભાગે ચઢાણયુક્ત અને ક્યારેક ઉતરાણયુક્ત છે. આ મોટરગાડી ધીમે ધીમે-સાવ ધીમે ધીમે ચાલે છે તે અમને ગમે છે. હા, ગમે છે! કેમ? અમે અહીં માત્ર પસાર થઈ જવા માટે નથી આવ્યા. અમારે આ મહાન નગાધિરાજ હિમાલયનાં મનભર દર્શન પણ કરવાં છે અને ગતિ જેમ ધીમી તેમ દર્શન વધુ ગહન અને વધુ સઘન!
અમારા ડ્રાઈવર અમને બે દિવસથી કહેતા રહે છે:
“મહારાજ! ઉરગમ-ઘાટીનો રસ્તો તૂટી ગયો છે. આપણે ત્યાં નહીં જઈ શકીએ.
પરંતુ અમે તેમની વાત સ્વીકારી નહીં. અમારે તો જવું જ છે, તેનું શું? આખરે એક સ્થાને અમારી મોટર અટકી. સામેથી એક મોટર આવી. બંને ગાડીઓ ઊભી રહી ગઈ. અહીં રસ્તો ઢાળવાળો અને સાવ સાંકડો છે. કોઈ એક ગાડીને પાછી લેવી જ પડે તેમ છે. બંને ડ્રાઈવર વચ્ચે વાતચીત અને પછી વાદવિવાદ શરૂ થયો: કોણ ગાડી પાછી લે? સામેથી આવનાર મોટરના ડ્રાઈવરની દલીલ એવી છે કે અમારી ગાડીની પાછળ રસ્તો પહોળો અને સપાટ છે, તેથી અમારી ગાડી જ પાછળ લેવી જોઈએ, પરંતુ આ ઢાળવાળા રસ્તામાં ગાડી પાછી લેવાની અમારા ડ્રાઈવરની હિંમત ચાલતી નથી. આખરે એમ નક્કી થયું કે સામેથી આવેલી મોટરનો ડ્રાઈવર અમારી મોટર પાછળ લઈને રસ્તો બનાવી દે અને પછી તેની મોટર પસાર થઈ જાય. તે પ્રમાણે થયું. તેમની ગાડી તેમના રસ્તે ચાલી ગઈ અને અમારી ગાડી આગળ ચાલી. અહીં પહાડ તૂટ્યો છે. બુલડોઝર અને મજૂરો રસ્તો સાફ કરવાનું કાર્ય કરી રહ્યાં છે. રસ્તો આકરા ચઢાણનો છે, કાદવિયો છે અને વચ્ચે વચ્ચે પાણીની ધારાઓ પણ ચાલુ જ છે. અમારી મોટર ડ્રઉઉઉ… ડ્રુઉઉઉ… કરે છે, પરંતુ આગળ ગતિ કરતી નથી. આખરે અહીં રસ્તા પર કામ કરતા મજૂરો અમારી મદદે આવ્યા અને અમે આ આકરો, કાદવિયો ઢાળ પાર કરી ગયા.
અમારી મોટર અને મોટરમાં બેઠેલા અમે આગળ ચાલ્યા. હવે રસ્તો સારો છે. અમે ઉરગમ-ઘાટીના પહોળા વિસ્તારમાં પહોંચી ગયા છીએ. પહાડની ગોદમાં બેઠેલાં આ નાનાં ગામડાં માની ગોદમાં લપાઈને બેઠેલાં બાળકો જેવાં લાગે છે. અહીં આ વિસ્તારમાં સૌથી નીચે નદી છે. નદીની બંને બાજુ હરિયાળાં ખેતરો છે, તેથી ઉપર માનવવસાહતો છે અને તેથી પણ ઉપર છે ગાઢ અરણ્ય!
અમે લગભગ ૨૨ વર્ષ પહેલાં આ ઉરગમ-ઘાટીનાં તીર્થોનાં દર્શને આવ્યા હતા. તે વખતે આ મોટરમાર્ગ હતો નહીં. અમે હેલંગથી છેક કલ્પેશ્ર્વર સુધી ચાલીને આવ્યા હતા અને ચાલીને પાછા હેલંગ પહોંચ્યા હતા. પગરસ્તાનો વિચાર કરીએ તો હેલંગથી કલ્પેશ્ર્વર ૯ કિ.મી. છે, પરંતુ હવે મોટરમાર્ગ બની ગયો છે, એટલે સ્વાભાવિક રીતે જ આ અંતર વધી ગયું છે.
અમારી મોટર ચાલતાં-ચાલતાં એવા સ્થાન પર પહોંચી, જ્યાંથી આગળ મોટરમાર્ગ નથી. મોટર અહીં જ છોડવી પડે. ઉરગમગામ જવા માટે અને આ ઉરગમ-ઘાટીનાં બંને તીર્થો સુધી પહોંચવા માટે અહીંથી પગદંડીના માર્ગે ચાલીને જવું પડે. પગદંડી પાકી અને લગભગ સપાટ છે. હવે મોટર અને મોટરના ડ્રાઈવરને અહીં જ મૂકીને અમે આગળ ચાલ્યા.
આ ઉરગમ-વૅલીમાં એક કેદાર અને એક બદરી છે. કલ્પેશ્ર્વર પંચકેદારમાંનું પંચમ કેદાર છે અને કલ્પેશ્ર્વર ઉરગમગામથી એક કિ.મી. આગળ છે અને સપ્તબદરીમાંનાં એક બદરી ધ્યાનબદરીનું મંદિર ઉરગમગામમાં જ છે. જેઓ પંચકેદાર અને સપ્તબદરીની યાત્રા પગપાળા કરે છે, તેમના ક્રમમાં પંચકેદારની યાત્રા અહીં પૂરી થાય છે અને અહીંથી સપ્તબદરીની યાત્રાનો આરંભ થાય છે. તે ક્રમ પ્રમાણે કલ્પેશ્ર્વર પંચમ કેદાર અને ધ્યાનબદરી પ્રથમ બદરી છે.
આ બંને તીર્થો વિશે એક કથા છે. એક વાર દુર્વાસા મુનિના શાપથી જ્યારે દેવો શ્રીહીન બની ગયા ત્યારે તેમણે અહીં ઉરગમ-ઘાટીમાં શિવ અને વિષ્ણુની આરાધના કરી. આ આરાધના દ્વારા દેવોએ અહીં કલ્પતરુની પ્રાપ્તિ કરી હતી. આમ હોવાથી અહીં શિવ અને વિષ્ણુનાં સ્થાનો એક જ સ્થાને બન્યાં છે. તે જ આ બંને સ્થાનો અર્થાત્ મંદિરો છે. કલ્પેશ્ર્વર (પંચમ કેદાર) અને ધ્યાનબદરી (પ્રથમ બદરી) બંને વચ્ચે માત્ર એક કિ.મી.નું અંતર છે.
ડાંગર, ઘઉં અને બટેટાંનાં ખેતરોની વચ્ચે રહેલું આ ઉરગમગામ ઘણું રમણીય છે. આટલાં મોટાં ખેતરો, આટલી સપાટ જમીન હિમાલયમાં ભાગ્યે જ જોવા મળે છે.
આ ઉરગમગામના એક ખૂણામાં સપ્તબદરીમાંનાં એક બદરી ધ્યાનબદરીનું મંદિર છે. આ મંદિર મુખ્ય પગદંડીથી થોડું ઉપર છે. તદ્નુસાર અમે મુખ્ય પગદંડી છોડીને હવે મંદિર તરફ જતી નાની પગદંડી પકડી.
અમે ૨૨ વર્ષ પહેલાં અહીં આવ્યા ત્યારે અહીં સફરજનના અડાબીડ અને મબલખ બગીચા હતા અને એમાંના એક બગીચામાંથી માલિકની અનુમતિથી અમે સફરજન જાતે વીણીને ખૂબ ખાધાં હતાં અને થેલો ભરીને સાથે લીધાં હતાં, પરંતુ આ વખતે સફરજનનું એક વૃક્ષ જોવા મળતું નથી. આમ કેમ થયું? સફરજનના આ બધા બગીચા ક્યાં ગયા? તપાસ કરતાં ખબર પડી કે સફરજન ઠંડા પ્રદેશનો પાક છે. બરફ પડે ત્યાં સફરજનના બગીચા બને. હવે આ ઉરગમ-વૅલીમાં બહુ ઠંડી પડતી નથી અને હવે અહીં ખાસ બરફ પણ પડતો નથી, એટલે હવે અહીં સફરજનનો પાક થતો નથી, ફળો બહુ લાગતાં નથી, તેથી આ બધા બગીચા અહીંથી નીકળી ગયા છે અને તેના સ્થાને ડાંગર, ઘઉં અને બટેટાંના ખેતરો બની ગયાં છે.
અમે ધ્યાનબદરીના મંદિરે પહોંચ્યા. અરે! મંદિર તો બંધ છે! તાળું મારેલું છે! શું કરવું? મંદિરના પ્રાંગણની બાજુમાં જ એક બીજું મોટું પ્રાંગણ છે. બંને પ્રાંગણ વચ્ચે એક નાની વંડી છે. મેં વંડીની પેલી બાજુ જોયું. ૨૫-૩૦ નાનાં-નાનાં બાળકો ભણી રહ્યાં છે અને એક શિક્ષિકાબહેન ભણાવી રહ્યાં છે. શાળા, શિક્ષક અને વિદ્યાર્થીઓ- આ તો બધું મને સાવ પોતીકું જ લાગે. વિશ્ર્વના કોઈ પણ ભાગમાં વિદ્યાર્થીઓ જોવા મળે ત્યારે મને એવું લાગે કે જાણે મારાં સો જન્મનાં સગાં મળી ગયાં. વ્યવસાયે હવે હું શિક્ષક નથી, પણ મારામાં બેઠેલો શિક્ષક હજુ જીવતોજાગતો બેઠો છે. તેને હું દાબી રાખવાનો પ્રયત્ન કરું છું, પણ તે દાબ્યો દબાતો નથી. આ જુઓ ને! એક નાની શાળા અને શિક્ષિકાને જોઈને હું તરત શિક્ષક બની ગયો!
મેં શિક્ષિકાબહેનને કહ્યું:
“અમે ગુજરાતથી આવીએ છીએ, યાત્રી છીએ, અહીં ભગવાન ધ્યાનબદરીનાં દર્શન માટે આવ્યા છીએ, પરંતુ મંદિર બંધ છે. મંદિર ખૂલી શકે?
શિક્ષિકાબહેને ત્વરિત અનુકૂળ પ્રતિભાવ આપ્યો:
“હા-હા, જરૂર ખૂલી શકે. હમણાં જ પૂજારીજીને બોલાવવા મોકલું છું.
તેમણે એક વિદ્યાર્થીને આદેશ આપ્યો:
“જા, દોડતો-દોડતો જા, પૂજારીજીને બોલાવી લાવ. કહેજે, ગુજરાતથી યાત્રીઓ આવ્યા છે. વિદ્યાર્થી દોડતો-દોડતો જ ગયો. દરમિયાન આ શિક્ષિકાબહેન સાથે વાતો ચાલી. આ હિમાલયના લોકો સરળ છે. પોતાનાં જીવનની બધી વાતો સાવ અજાણ્યા માનવોને પણ તરત કહી દે.
અમારી વચ્ચે થયેલી વાતો પરથી મેં આટલું જાણ્યું:
આ શિક્ષિકાબહેન આ ગામ ઉરગમમાં જ જન્મેલાં છે. અહીંનાં વતની છે, અર્થાત્ આ ગામનાં જ પુત્રી છે. તેઓ એમ.એ. સુધી ભણેલાં છે. તેમનાં લગ્ન થયેલાં છે. સાસરું જોશીમઠમાં છે. પતિદેવ ત્યાં જોશીમઠમાં રહે છે. આ બહેનને શિક્ષિકા તરીકેની નોકરી અહીં ઉરગમમાં અર્થાત્ પોતાના પિયરમાં મળી છે. તેઓ પોતાના એક દીકરા સાથે અહીં પિયરમાં જ રહે છે અને શિક્ષિકા તરીકે કામ પણ કરે છે. તેમની શાળામાં ૩૨ વિદ્યાર્થીઓ છે.
આ પ્રમાણે અમારી વચ્ચે વાતો ચાલે છે. હાથમાં ચાવી લઈને એક બારેક વર્ષનો બાળક આવ્યો. પૂજારીનો જ દીકરો લાગે છે. તેણે મંદિર ખોલ્યું. અમે દર્શનાર્થે મંદિરમાં ગયા.
કાળા પથ્થરનું પહાડી શૈલીનું મંદિર છે. મંદિર ઘણું પ્રાચીન હશે તેમ જણાય છે. મંદિરમાં ભગવાન ધ્યાનબદરીની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. મૂર્તિ શ્યામ પ્રસ્તરની બનેલી છે. શેષશાયી વિષ્ણુની મૂર્તિ છે. ભગવાન અહીં ધ્યાનસ્થ અવસ્થામાં છે, તેથી આ વિગ્રહને ધ્યાનબદરી કહેવામાં આવે છે.
ધૂપદીપ પ્રગટાવી અમે ભગવાન ધ્યાનબદરીનાં દર્શન કર્યાં. ભગવાનને પ્રણામ કરીને થોડી વાર બેઠા અને નિરાંતે વિષ્ણુ-ગાયત્રી-મંત્રનો જપ કર્યો.
સામાન્યત: અહીં કોઈ યાત્રી આવતા નથી, તેથી આ ધ્યાનબદરીનું મંદિર સવાર-સાંજ પૂજાના સમયે જ ખૂલે છે, બાકીનો સમય મંદિર બંધ રહે છે. કોઈ યાત્રી આવે ત્યારે પૂજારી આવે છે અને મંદિર ખોલીને યાત્રીને ભગવાનનાં દર્શન કરાવે છે. પછી તરત મંદિર બંધ થઈ જાય છે.
અમે નિરાંતે ભગવાન ધ્યાનબદરીનાં દર્શન, પ્રણામ, પાઠ આદિ કર્યાં. હવે અમે આગળ ચાલ્યા. વિદાય લેતાં પહેલાં બાજુમાં જ શાળા ચલાવી રહેલાં શિક્ષિકાબહેનને મળ્યા. અમે તેમનો આભાર માન્યો અને તેમને કલ્પેશ્ર્વર જવાનો રસ્તો પૂછ્યો. તેમણે ઉત્તર આપ્યો:
“આપ આ નાની પગદંડી પર ચાલ્યા જાઓ. ઉરગમ વચ્ચેથી પસાર થઈને આપ મુખ્ય પગદંડી પર પહોંચી જશો. આ મુખ્ય પગદંડી આપને કલ્પેશ્ર્વર સુધી પહોંચાડી દેશે. કલ્પેશ્ર્વર સામેના પહાડની ગોદમાં નદીના સામે કિનારે છે.
અમે આગળ ચાલ્યા. ઉરગમમાંથી પસાર થઈને મુખ્ય પગદંડી પર પહોંચી ગયા અને કલ્પેશ્ર્વરની દિશામાં આગળ ચાલ્યા.
આકાશ કાળાં વાદળાંથી ઘેરાઈ ગયું છે. થોડાં થોડાં અમીછાંટણાં પડી રહ્યાં છે. અમારા ડ્રાઈવરનો ફોન આવે છે:
“અહીં વરસાદ ચાલુ થયો છે. પછી મોટર આ રસ્તે નહીં ચાલે. હું મોટર લઈને હેલંગ ચાલ્યો જઉં?
અમે ઉત્તર આપીએ છીએ:
“નહીં-નહીં, તમે ત્યાં જ રહો. તમે મોટર લઈને ચાલ્યા જશો તો અમે કેવી રીતે પહોંચીશું? તમે ત્યાં જ રહો. અમે હમણાં જ આવીએ છીએ!
અમે આગળ ચાલ્યા.
વાતાવરણ અને આકાશ તથા ધરતી ખૂબ સુંદર છે. અમે પ્રથમ વખત આવ્યા ત્યારે આ પગદંડી કાચી હતી. હવે આ પગદંડી પાકી બની ગઈ છે. બંને બાજુ મોટાં અને હરિયાળાં ખેતરો છે. ચારેય બાજુ વૃક્ષ-વનરાજિથી ભરપૂર પહાડો છે. વચ્ચેવચ્ચે સડસડાટ દોડતાં ઝરણાંનાં દર્શન થાય છે. વાદળઘેરું આકાશ અને લીલીછમ ધરતી મનને પ્રસન્ન કરી દે છે. અમે શાંત મને છતાં ઝડપથી ચાલી રહ્યા છીએ. એક પંખીનું મધુર ગાન સંભળાય છે. ક્યું હશે આ પંખી? એનું નામ શું હશે? તેનું રૂપ કેવું હશે? અમે કાંઈ જાણતા નથી, પરંતુ અમે તેનું મધુર ગાન સાંભળીએ છીએ અને તે કાંઈ ઓછું છે?
અમે આગળ ને આગળ ચાલતા જ રહ્યા-ચાલતા જ રહ્યા અને ચાલશે તે પહોંચશે તે ન્યાયે અમે પણ હવે કલ્પેશ્ર્વરની નજીક પહોંચી ગયા.
કલ્પેશ્ર્વર નદીના સામેના કિનારાના પહાડ પર છે. અમે નીચે ઊતરીને એક નાના પુલ પરથી પસાર થઈને નદીના સામા કિનારે પહોંચ્યા. સામા કિનારે પહોંચીને પણ થોડું ચઢાણ ચડવું પડે છે. ચઢાણ ચડીને આખરે કલ્પેશ્ર્વર દાદાની ગુફા સુધી પહોંચ્યા.
કલ્પેશ્ર્વર પંચકેદારમાંનું અંતિમ-પંચમ કેદાર છે. પાંચ કેદાર આ પ્રમાણે છે:
૧. કેદારનાથ
૨. મદમહેશ્ર્વર
૩. તુંગનાથ
૪. રુદ્રનાથ
૫. કલ્પેશ્ર્વર
ક્વચિત્ આ પાંચમાં બૂઢા કેદાર અને વૃદ્ધ કેદાર ગણીને સપ્તકેદાર પણ ગણવામાં આવે છે. ગમે તે રીતે ગણીએ, આ કલ્પેશ્ર્વર પંચમ કે સપ્તમ એમ અંતિમ કેદાર છે.
કલ્પગંગાને કિનારે આ કલ્પેશ્ર્વર શિવનું મંદિર છે. કલ્પેશ્ર્વર શિવનું લિંગ એક સાવ નાની ગુફામાં છે. શિવલિંગ ઘડીને મૂકેલું નથી, પ્રાકૃતિક સ્વરૂપનું અને ત્રિકોણાકાર છે.
ગુફામંદિરની બાજુમાં એક કુંડ છે. આ કુંડમાં જળનો એક નાનો સ્ત્રોત આવે છે. આ પાણીથી ભગવાન કલ્પેશ્ર્વરનો અભિષેક કરી શકાય છે.
અમે નિરાંતે ભગવાન કલ્પેશ્ર્વરનાં દર્શન કર્યાં અને ‘લદ્મળજ્ઞઘળટ’ આદિ પંચવક્ત્રમંત્રોથી જલાભિષેક પણ કર્યો. ઉપલબ્ધ સામગ્રીથી પૂજા પણ કરી. અભિષેક-દર્શન-પૂજન પછી અમે ગુફામંદિરની બહાર આવ્યા.
આજથી ૨૨ વર્ષ પહેલાં અમે અહીં આવ્યા હતા ત્યારે બાજુની એક કુટિરમાં એક સાધુ પાસેથી ભોજનપ્રસાદ પામ્યા હતા. અમે તે કુટિરમાં આ વખતે પણ પ્રવેશ્યાં. આ વખતે પણ કુટિરમાં ધૂણા ઉપર એક સાધુ બિરાજમાન હતા, પરંતુ તે નહીં, બીજા યુવાન સાધુ હતા. વાત કરતાં જાણ્યું કે આ યુવાન સાધુ તે સાધુના શિષ્ય છે અને ગુરુમહારાજ સ્વર્ગવાસી થયા પછી તેમની આજ્ઞાથી તે જ ધૂણા પર અહીં આ કુટિયામાં વસે છે. તેમની સાથે થોડો સત્સંગ થયો અને પછી અમે બહાર આવ્યા.
અમે આ સ્થાનના પ્રાંગણમાં ઊભા રહીને બહારનું સુંદર દૃશ્ય જોઈ રહ્યા છીએ.
અહીં કલ્પેશ્ર્વરથી એક પગદંડી ચતુર્થ કેદાર રુદ્રનાથ સુધી જાય છે. તે જ રીતે ચતુર્થ કેદાર રુદ્રનાથથી અહીં પંચમ કેદાર કલ્પેશ્ર્વર પણ આ પગદંડીથી આવી શકાય છે. વચ્ચે બંસીનારાયણ નામનું એક સુંદર તીર્થસ્થાન છે. અહીંથી બંસીનારાયણનો પહાડ જોઈ શકાય છે. બંસીનારાયણ ૧૧,૨૦૦ ફૂટની ઊંચાઈ પર છે. કલ્પેશ્ર્વરની ઊંચાઈ ૭,૫૦૦ ફૂટ છે. પાંચેય કેદારમાં કલ્પેશ્ર્વર સૌથી નીચું અને સૌથી છેલ્લું છે.
હવે અમે કલ્પેશ્ર્વર શિવજીને પુન: પ્રણામ કરીને પાછા વળ્યા.
અમારા ડ્રાઈવર પ્રવીણભાઈના વારંવાર ફોન આવે છે :
“રસોઈ તૈયાર છે. તમે જલદી આવો.
અમે ઉત્તર આપીએ છીએ :
“હા, આવીએ છીએ, પરંતુ ચાલીને આવીએ છીએ, ઊડીને નહીં!
આમ, હવે અમારી વળતી યાત્રા ચાલે છે. અમે તે પક્ષીનો મધુર અવાજ સાંભળીએ છીએ. તે જાણે સતત બોલ્યા જ કરે છે. આ વખતે અમે તેમનાં દર્શન પણ કર્યાં, પરંતુ હજુ અમે તેનું નામ જાણતા નથી.
ચાલતાં-ચાલતાં રસ્તામાં અમને થોડી વિદ્યાર્થિનીઓ સામે મળી. તેમણે શાળાનો યુનિફૉર્મ પહેર્યો છે. તેમની પીઠ પર સ્કૂલબૅગ પણ ગોઠવેલી છે. અમને નવાઈ લાગી: આ બાળાઓ ક્યાંથી અને ક્યાં ભણવા જતી હશે?
અમે પૂછ્યું અને જાણ્યું
સામેના પહાડ પર ખૂબ ઊંચાઈ પર એક નાનું ગામ દેખાય છે. તે ગામથી દરરોજ અહીં ઉરગમમાં ભણવા માટે તેઓ આવે છે. દરરોજ આટલી ઊંચાઈથી ઊતરીને અને પછી તેટલી જ ઊંચાઈ ચડીને આ નાની બાલિકાઓ ભણવા માટે આવનજાવન કરે છે! અમે તે ગામની ઊંચાઈ અને આટલી નાની બાલિકાઓ જોઈને છક થઈ ગયા.
ઉરગમ-ઘાટીમાં ૧૨ ગામો છે. આ બારેય ગામોમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા છે, પરંતુ માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા માત્ર સૌથી મોટા ગામ ઉરગમમાં જ છે, તેથી આ નાના ગામોનાં બાળકો અને બાલિકાઓ માધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ માટે દરરોજ આટલું ચાલીને, કહો કે ચઢાણ ચડીને અને ઉતરાણ ઊતરીને ઉરગમ આવે છે. તેમની શિક્ષણપ્રીતિ અને તિતિક્ષા જોઈને માથું નમી ગયું. અહીં શાળાની બસો જ નથી અને બસો ચાલી શકે તેવા રસ્તા સર્વત્ર નથી.
અમારી હિમાલયની યાત્રા દરમિયાન મેં અનેક વાર જોયું છે કે હિમાલયમાં ભણતરનો માહોલ ઘણો સારો છે, શિક્ષણની ટકાવારી ઊંચી છે.
બાલિકાઓની એવી એકાધિક મંડળીઓ અમને સામી મળી. હવે તેઓ શાળાએથી ઘર તરફ પ્રયાણ કરી રહી છે.
અમે આગળ ચાલ્યા.
આ વિસ્તૃત, સુંદર અને સમૃદ્ધ વૅલીનું દર્શન કરતાં-કરતાં અમે આગળ ચાલી રહ્યા છીએ. આ વૅલીનું સાંસ્કૃતિક અને શૈક્ષણિક ધોરણ ઘણું ઊંચું છે અને હવે તો આ વૅલીને મોટરરસ્તો પણ મળી ગયો છે, તેથી તેના વિકાસની તકો અનેકગણી વધી ગઈ છે.
અમારા ડ્રાઈવર પ્રવીણભાઈનો ફોન વારંવાર આવે છે:
“રસોઈ તૈયાર છે. જલદી આવો.
અમે જલદી ચાલી શકીએ, પરંતુ દોડી ન શકીએ.
આમ ઝડપથી ચાલતાં-ચાલતાં અમે અમારી મોટર પાસે પહોંચ્યા. એક નાના પતરાના ઢાળિયામાં એક હિમાલયન હોટલ ચાલે છે. અહીં ભોજન અને ચા-પાણીની વ્યવસ્થા થઈ શકે છે. પ્રવીણભાઈનું ભોજન તો સંપન્ન થયું છે. અમે હાથ-મોં ધોઈને ભોજન માટે બેઠા. આલુ-પરોઠાં, દાળ, ભાત, શાક, કચુંબર આદિ વાનગીઓ પ્રચુર માત્રામાં બનાવી છે અને ખૂબ સારી રીતે તૈયાર કરી છે. અમે ભોજન કરતાં-કરતાં ભોજન બનાવનાર બહેનની પ્રશંસા કરી અને પતિદેવ બોલી ઊઠ્યા:
“મહારાજ! મારે બે પત્ની છે. બંને પત્નીથી બાળકો છે. એક પત્ની અને બધાં બાળકો ગામમાં રહે છે. અમે બંને અહીં રહીએ છીએ.
હું તો તેમનું આ પરાક્રમ સાંભળીને નારાજ થઈ ગયો, પરંતુ તેમનાં પત્ની તો મરકમરક હસી રહ્યાં છે.
તે જ સમયે અમે પેલા પક્ષીનો મધુર અવાજ સાંભળ્યો.
મેં અમારા હોટેલ માલિકભાઈને આ પક્ષીનું નામ પૂછ્યું. તેમણે કહ્યું: “આ સંગીતકાર પક્ષીનું સ્થાનિક નામ તો ‘લંબપૂંછા’ છે. તેની પૂંછડી લાંબી છે, તેથી અમે તેને લંબપૂંછા કહીએ છીએ. તેનું ખરું નામ મને યાદ નથી. બાજુમાં બેસી ચા પી રહેલા ભાઈએ નામ કહ્યું: “ન્યુલી. તો આ ન્યુલી છે.
આ ન્યુલી અને તેના ગાન વિશે આ વિસ્તારમાં એક કથા પ્રચલિત છે. હોટલના માલિકભાઈએ અમને આ કથા કહી:
અહીં આ વિસ્તારમાં એક બહેન સાસરે રહેતાં હતાં. તેમના પર સાસુનો બહુ ત્રાસ હતો. એક વાર તે બહેને પોતાને પિયર જવા માટે સાસુ પાસે રજા માગી. સાસુએ રજા ન આપી, એટલું જ નહીં, પણ લોખંડનો એક સળિયો ગરમ કરીને તે ગરમ સળિયો તેના મસ્તકમાં ભરાવી દીધો. તે બહેન પિયરનું સ્મરણ કરતાં-કરતાં અને ‘મૈજ-મૈજ’ બોલતાં-બોલતાં મૃત્યુ પામ્યા. સ્થાનિક ભાષામાં પિયરને મૈજ કહે છે. તે દુખિયારી બહેન પછીના જન્મમાં પક્ષી બની. તે જ આ લંબપૂંછા અર્થાત્ ન્યુલી છે. ગત જન્મના દુ:ખદ સ્મરણરૂપે આજે પણ આ ન્યુલી ‘મૈજ-મૈજ’ અર્થાત્ ‘પિયર-પિયર’ એમ પોકારતી રહે છે.
આપણે જેને પક્ષીનું મધુર ગીત ગણીએ છીએ તે વસ્તુત: પક્ષીનું આક્રંદ છે!
અમારું ભોજન પૂરું થયું અને અમારી આ ન્યુલીની કથાનું શ્રવણ પણ પૂરું થયું.
અમે સૌની વિદાય લીધી. અમે અમારી મોટરમાં બેઠા. મોટર સડસડાટ દોડવા લાગી અને અમે હેલંગ પહોંચ્યા. હેલંગથી મોટર હવે બદરીનાથ-હૃષિકેશ રોડ પર દોડવા લાગી.
ઉરગમ-ઘાટીની અમારી ધ્યાનબદરીની યાત્રા પરિપૂર્ણ થઈ.

***

RELATED ARTICLES

Most Popular