Homeધર્મતેજસપ્ત બદરી, સપ્ત પ્રયાગ

સપ્ત બદરી, સપ્ત પ્રયાગ

રુદ્રપ્રયાગ અને દેવપ્રયાગ -૨

જીવનનું અમૃત -ભાણદેવ

શ્રીનગરમાં એક મોટો પાવર પ્રોજેક્ટ બન્યો છે. આ પાવર પ્રોજેક્ટ માટે આવશ્યક એક તળાવ પણ બન્યું છે. આ તળાવના એક છેડા પર, પરંતુ તળાવની અંદર એક મંદિર છે. તે જ છે ધારીદેવીનું મંંદિર. અમે રાજમાર્ગ પરથી અમારી મોટરને જમણી બાજુ ફંટાતા એક નાના રસ્તા પર વાળી અને અમે તે રસ્તા પરથી થોડીવારમાં સરોવરના કિનારે પહોંચી ગયા. મોટર કિનારા પર મૂકીને અમે દર્શન માટે મંદિરમાં ગયા.
આ મંદિર મૂલત: દક્ષિણકાલીનું મંદિર છે. બાજુમાં એક ગામ છે. તે ગામનું નામ ધારી છે. તદનુસાર આ દેવીને લોકો ‘ધારીની દેવી’ કે ‘ધારીદેવી’ કહે છે.
વસ્તુત: આ ધારી દેવીનું મંદિર આ પાવર પ્રોજેક્ટ માટે બનેલ તળાવમાં ડૂબમાં આવી જાય છે, તેથી તે જ સ્થાન પર સિમેન્ટના મોટા પિલર્સ બનાવીને તેના પર નવું મોટું મંદિર બનાવીને તેના પર દેવીની પ્રતિષ્ઠા કરવી, તેથી વસ્તુત: આ મંદિર કે દેવીનું સ્થાન બદલાતું નથી, પરંતુ મંદિર નીચાણમાં છે. તે ભાગ સરોવરમાં ડૂબમાં જાય છે, એટલે તે સ્થાન પર સિમેન્ટના મોટા પીલર બનાવી તેના પર દેવીનું પ્રતિષ્ઠાન કરવું એવો કોન્ટ્રાક્ટ કંપનીનું નવું આયોજન છે. તદનુસાર મોટા પીલર્સ બની ગયા છે. તેના ઉપર મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું. તે જ ભાગમાં પીલર્સ પર કામચલાઉ મંદિર બનાવીને તેમાં ધારીદેવી અર્થાત્ દક્ષિણકાલીદેવીની પ્રતિષ્ઠા થઇ છે. યાત્રીઓ તે સ્થાન પર જઇ શકે છે અને દર્શનપૂજા પણ કરી શકે છે. અમે પણ મંદિરમાં ગયા નિરાંતે દર્શન પામ્યા. દક્ષિણ કાલીમાતાની તે જ પ્રાચીન મૂર્તિ અહીં ઊંચા સ્થાન પર પ્રતિષ્ઠિત થઇ છે.
મંદિર અને માતાજીની મૂર્તિને પોતાના મૂળ સ્થાનેથી ઉપર લેવાના કાર્ય સામે માતાજીના સ્થાનિક ભક્તોએ ખૂબ મોટો વાંધો લીધો, ધરણાં થયાં, દેખાવો થયા, હડતાળો પડી, આંદોલનો થયાં, કોઈક સ્વરૂપનું સમાધાન પણ થયું, પરંતુ બધા સ્થાનિક લોકોને માન્ય તેવું સમાધાન મળી શક્યું નહીં.
મંદિર અને ધારીદેવીની મૂર્તિને ઊંચી ભૂમિકાએ મૂકવા માટે મૂળ સ્થાનેથી ઉપર લેવા સિવાય કોઈ ઉપાય જ નથી.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે જે દિવસે ધારીમાતાની મૂર્તિ ક્રેનથી મૂળ સ્થાનેથી ખસેડીને ઉપર લેવામાં આવી તે જ દિવસે કેદારનાથમાં ભયંકર ખાનાખરાબી થઈ. લોકોએ માની લીધું અને જાહેરાત પણ થઈ કે ધારીદેવીને તેમના મૂળ સ્થાનેથી ખસેડવાથી દેવીનો પ્રકોપ થયો છે, તેથી આ ખાનાખરાબી થઈ છે.
આપણે શું માનવું? મૂક રહેવા સિવાય આપણી પાસે કોઈ ઉપાય નથી. અમે નિરાંતે દર્શન કર્યાં. બીજા અનેક દર્શનાર્થીઓ હતા. પૂર્વવત્ દર્શન, પૂજા, માનતા, નાળિયેરગ્રહણ આદિ વિધિઓ ચાલે છે અને વિશાળ મંદિરનું નવેસર નિર્માણકાર્ય પણ ચાલુ જ છે.
અમે દર્શન કરીને આગળ ચાલ્યા. હવે સાંજ થવા આવી છે, એટલે અમારે હવે રાત્રિનિવાસ અહીં શ્રીનગરમાં જ કરવો તેવું નક્કી થયું છે. અમારો ઉતારો ગઢવાલ વિકાસ નિગમના અતિથિગૃહમાં થયો છે. આ પહેલાં અમે આ ગઢવાલના શ્રીનગરમાં અનેક વાર આવી ચૂક્યા છીએ. શ્રીનગર બે છે: એક કાશ્મીરનું શ્રીનગર અને બીજું આ ગઢવાલનું, અર્થાત્ ઉત્તરાખંડનું શ્રીનગર.
આપણા દેશની એવી પરંપરા છે કે કોઈ પવિત્ર નદી જે સ્થાને ધનુષ્યના આકારનો ગોળાકાર વળાંક લે તે સ્થાનને વિશેષ પવિત્ર અને વિશેષ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીં આ શ્રીનગરમાં અલકનંદાનો પ્રવાહ ધનુષ્યના આકારની જેમ વળાંક લે છે, તેથી શ્રીનગર ગઢવાલ રાજ્યની જૂની રાજધાનીનું નગર છે. ચંદ્રપુરગઢીથી ગઢવાલની રાજધાની અહીં શ્રીનગરમાં આવી. ત્યાંથી કીર્તિનગર અને ત્યાંથી ટિહરીમાં બદલવામાં આવી છે.
કમલેશ્ર્વર શ્રીનગરનું સૌથી મહત્ત્વનું અને પ્રસિદ્ધ મંદિર છે. એમ માનવામાં આવે છે કે આ સ્થળે ભગવાન વિષ્ણુએ સહસ્ત્ર કમળથી ભગવાન શિવની પૂજા કરી હતી. પૂજા દરમિયાન એક કમળ ઓછું પડતાં કમળના સ્થાને ભગવાન વિષ્ણુએ પોતાની આંખ ચડાવી હતી, આથી પ્રસન્ન થઈને શિવજીએ ભગવાન વિષ્ણુને સુદર્શનચક્ર આપ્યું હતું. વિષ્ણુ દ્વારા કમળથી પૂજિત થયા હોવાના કારણે અહીં શિવજીનું નામ કમલેશ્ર્વર શિવ થયું છે. મંદિરની ધર્મશાળામાં યાત્રીનિવાસની વ્યવસ્થા છે. કોઈ સ્થળે આ પૂજા ભગવાન રામે કરી હતી તેવો ઉલ્લેખ પણ મળે છે.
શ્રીનગરનું બીજું મહત્ત્વનું સ્થાન શાંકર મઠ છે. અહીંના લોકોની એવી માન્યતા છે કે આદિ શંકરાચાર્યને બાલિકાસ્વરૂપે ભગવતીનાં દર્શન આ સ્થાને થયાં હતાં. આ ઘટના કાશ્મીરના શ્રીનગરમાં શંકરટેકરી પાસે બની હતી તેમ પણ કહેવાય છે. બેમાંથી કયા શ્રીનગરમાં આ ઘટના બની હતી તે નક્કી કરવાનો આપણી પાસે કોઈ ઉપાય નથી. વળી, આ જ સ્થાનને લક્ષ્મીજીનું પ્રાગટ્યસ્થાન માનવામાં આવે છે. નારદજીને માયાનગરીમાં મોહ થયો તે વખતે શીલનિધિ રાજાને ત્યાં લક્ષ્મીજી ક્ધયારૂપે પ્રગટ થયાં હતાં. તે ઘટના આ જ સ્થળે બની હતી તેમ ભક્તો માને છે. તદ્નુસાર લક્ષ્મીજીની પ્રાગટ્યભૂમિ હોવાથી જ આ સ્થાનને શ્રીનગર કહેવામાં આવે છે.
એમ માનવામાં આવે છે કે પ્રાચીન કાળમાં અહીં અલકનંદાને કિનારે પથ્થરનું એક મોટું શ્રીયંત્ર હતું. આ યંત્ર પર દરરોજ એક માનવનું બલિદાન આપવામાં આવતું. ભગવાન આદિ શંકરાચાર્યે આ પ્રથા બંધ કરાવી અને પોતાના હાથથી કોશ મારીને શ્રીયંત્રને ઊંધું કરી નાખ્યું. આ યંત્ર અલકનંદાને કિનારે હમણાં સુધી ર્જીણ હાલતમાં હતું. ઈ.સ. ૧૮૯૩માં ગોહનાતાલ તૂટી જતાં વિરહીનદીમાં અને તેના દ્વારા અલકનંદામાં પ્રચંડ પૂર આવ્યું. આ પૂરમાં શ્રીનગર સાવ તણાઈ ગયું. તે વખતે શ્રીયંત્ર પણ તણાઈ ગયું. અત્યારનું શ્રીનગર તો નવું વસેલું શ્રીનગર છે.
આ સ્થાને રાજા નરિષ્યમાને અશ્ર્વમેધયજ્ઞ કર્યો હતો. યજ્ઞના ઘોડાને દેવરાજ ઈન્દ્ર ચોરી ગયા હતા. રાજાએ અહીં જ તપશ્ર્ચર્યા કરીને ઘોડાની શોધ કરી હતી, તેથી આ સ્થાનને અશ્ર્વતીર્થ પણ કહે છે.
અલકનંદા ધનુષાકારે વહેતી હોવાથી આ સ્થાનને ધનુષતીર્થ પણ કહે છે.
શ્રીનગરની આજુબાજુ વિશાળ ખુલ્લી જગ્યા છે. ગઢવાલ યુનિવર્સિટીનું વડું મથક અહીં છે. શ્રીનગરની આજુબાજુ અનેક શિવમંદિરો છે. આ ઉપરાંત શ્રીનગરમાં નાગેશ્ર્વર, કંસમર્દિની, હનુમાનમંદિર, ગૈરોલામઠ, સત્યનારાયણમંદિર, ઠાકુરદ્વારા, સંસ્કૃત પાઠશાળા આદિ અનેક પ્રસિદ્ધ સ્થાનો છે.
આ શ્રીનગરનાં દર્શન તો અમે અનેક વાર કર્યાં છે. આ વખતે એક ધારીદેવી અને બીજા કમલેશ્ર્વર મહાદેવનાં દર્શન કરીને સંતોષ માન્યો.
આજનો રાત્રિનિવાસ તો શ્રીનગરમાં થયો. બીજા દિવસે સવારે અમે દેવપ્રયાગ તરફ પ્રયાણ કર્યું.
અમારી સપ્તબદરી-સપ્તપ્રયાગ-યાત્રાનું આ અંતિમ તીર્થ છે. ઋષિકેશ તરફથી ગણીએ તો આ પ્રથમ પ્રયાગ છે, પરંતુ અમારી યાત્રાનો પ્રારંભ બદરીનાથથી થયો છે, તદ્નુસાર આ અંતિમ અર્થાત્ સપ્તમ પ્રયાગ છે.
હિમાલયના આ સપ્તપ્રયાગમાં આ દેવપ્રયાગ સૌથી વિશાળ અને સૌથી પ્રધાન પ્રયાગ ગણાય છે.
અહીં આ દેવપ્રયાગમાં ભાગીરથી અને અલકનંદાનો સંગમ થાય છે. પ્રચંડ વેગથી અને અફાટ જલરાશિ સાથે આવતી હિમાલયની આ બે મહાનદીઓ અહીં મળે છે. ભાગીરથી ગોમુખ-ગંગોત્રીથી આવે છે અને અલકનંદા બદરી-કેદારનો જળરાશિ લઈને આવે છે. અહીં જલરાશિ અને જલનો વેગ એવો છે કે જો હાથીને આ પ્રવાહમાં મૂક્યો હોય તો તે બિચારો હાથી ફોતરાની જેમ ફેંકાઈ જાય. સંગમસ્થાન વિશાળ, ભવ્ય અને સુંદર છે.
સંગમસ્થાને બહુ સરસ, સુંદર અનેક ઘાટ બનાવ્યા છે. સંગમસ્થાન પર બેસીને ભાગીરથી અને અલકનંદા પ્રવાહનો તથા તેમના મિલનને કલાકો સુધી નીરખ્યા જ કરો, કંટાળો ન જ આવે, તેવો સુંદર અને ભવ્ય આ સંગમ છે. અહીંથી આ મહાનદી ગંગા નામ ધારણ કરે છે.
આ દેવપ્રયાગમાં સ્નાનનો ખૂબ મહિમા છે. યાત્રી સંગમસ્થાન પર સારી રીતે સ્નાન કરી શકે તેવા ઘાટની રચના કરવામાં આવી છે. અહીં ઘાટ પણ બહુમાળી છે, અર્થાત્ ઘાટની રચના સોપાનશ્રેણી જેવી છે. નદીઓમાં પાણી વધે તો ઉપરના ઘાટ પર અને તેથી પણ પાણી વધે તો તેથી પણ ઉપરના ઘાટ પર સ્નાન થઈ શકે છે. આ રીતે બહુમાળી મકાનની જેમ ઉત્તરોત્તર ઊંચા એવા ચાર ઘાટ બનાવવામાં આવેલ છે. નદીઓનાં પાણીનો સ્તર વધારે હોય ત્યારે સ્નાનાર્થી ઉત્તરોત્તર ઉપરના ઘાટ પર સ્નાન કરી શકે તેવું આયોજન છે.
અહીં પાણીનો વેગ ખૂબ હોય છે, તેથી જાળવીને સ્નાન કરવું જોઈએ.
દેવપ્રયાગમાં સંગમથી ઉપર ભગવાન રઘુનાથનું ભવ્ય અને સુંદર મંદિર છે. યાત્રી સંગમ પર સ્નાન કરીને રઘુનાથજીનાં દર્શન કરવા જાય છે. મંદિરમાં પ્રતિષ્ઠિત રઘુનાથજીની મૂર્તિ ખૂબ મનોહર છે. મંદિરના પ્રાંગણમાં અન્ય મૂર્તિઓ પણ છે.
કથા એવી છે કે રાવણવધથી ભગવાન શ્રીરામને બ્રહ્મહત્યા લાગી. આ બ્રહ્મહત્યાના નિવારણ માટે ભગવાને અહીં તપશ્ર્ચર્યા કરી હતી. ભગવાન શ્રીરામની તપશ્ર્ચર્યાસ્થલી તરીકે આ સ્થાન અને આ મંદિરનો અપરંપાર મહિમા છે.
અહીંથી નજીક દશરથાચલ નામનો એક પર્વત છે, જ્યાં મહારાજ દશરથનું સ્મૃતિસ્થાન છે. હવે ત્યાં પહોંચવાનો મોટરમાર્ગ બની ગયો છે. છેલ્લા બે કિ.મી. ચાલવું પડે છે.
જ્યારે બદરી-કેદાર આદિ તીર્થો માટે મોટરમાર્ગ હતો નહીં અને ચાર ધામની યાત્રા પગપાળા જ થતી ત્યારે અહીં યાત્રીઓની ખૂબ અવરજવર રહેતી. મોટરમાર્ગો બન્યા અને વાહનો દ્વારા યાત્રા થાય છે, તેથી હવે અહીં યાત્રીઓની અવરજવર ઓછી થઈ ગઈ છે.
બદરીનાથના તીર્થપુરોહિતનાં નિવાસસ્થાન અહીં દેવપ્રયાગમાં છે. તેમના પરિવાર અહીં રહે છે અને તેઓ પણ શિયાળામાં અહીં આવી જાય છે.
અહીંથી ચંદ્રવદનીદેવીના મંદિરે જવાનો રસ્તો છે. દેવપ્રયાગ-ટિહરી મોટરમાર્ગ પર જમનીખાલથી એક રસ્તો જુદો ફંટાઈને ચંદ્રવદનીદેવીના મંદિર તરફ જાય છે. છેલ્લે એકાદ કિ.મી. જેટલો રસ્તો પગવાટ છે, તેટલું ચાલવું પડે છે.
દેવપ્રયાગની ભૂમિ ખૂબ શાંત, રમણીય અને પવિત્ર છે. અહીંનું વાતાવરણ અધ્યાત્મસાધના માટે ખૂબ અનુકૂળ છે.
યાત્રીઓ માટે અહીં દેવપ્રયાગમાં ભોજન-નિવાસની વ્યવસ્થા થઈ શકે છે.
સવારે શ્રીનગરથી નીકળેલા અમે ત્વરિત ગતિથી દેવપ્રયાગ સુધી પહોંચી ગયા.
અમે ઉપરના રસ્તા પરથી જ મોટર છોડી દીધી. મોટર અમને સામેના કિનારે મળશે તેવું અમારું આયોજન છે.
અમે સીડીઓ ઊતરીને રઘુનાથમંદિરે પહોંચ્યા. આ પહેલાં અમે રઘુનાથજીનાં દર્શન અનેક વાર કર્યાં છે, પરંતુ દેવદર્શન તો વારંવાર કરવાં જોઈએ ને! તદ્નુસાર અમે ભગવાન રઘુનાથનાં ભાવપૂર્વક દર્શન કર્યાં. ભગવાનને વારંવાર પ્રણામ કર્યાં. દેવમંદિરમાં ઓછામાં ઓછું થોડી વાર તો રોકાવું જોઈએ. તદ્નુસાર અમે પણ દર્શન કરીને પછી થોડી વાર મંદિરના પ્રાંગણમાં બેઠા અને થોડી વાર વિહરણ પણ કર્યું.
અમે પૂજારીજી સાથે પણ થોડો સત્સંગ કર્યો. આખરે અમે બહાર જવા માટે મંદિરના દ્વાર તરફ ચાલ્યા. દ્વાર પાસે એક વિરલ દૃશ્ય જોઈ મારા પગ થંભી ગયા.
મેં એક સજ્જન જોયા, જેમના બંને પગ સાથળથી કપાયેલા હતા અને જેમના બંને હાથ કોણીથી કપાયેલા હતા. મારે તેમની પાસે રોકાવું જ પડ્યું. હું તેમને અતિક્રમીને આગળ ચાલી ન શક્યો. પ્રથમ તો મેં બંને હાથ જોડીને તેમને પ્રણામ કર્યાં. તેઓ સામે પ્રણામ કેવી રીતે કરે? તેમના તો બંને હાથ કોણીથી કપાયેલા હતા. તો પણ બંને કપાયેલા હાથ જોડીને તેમણે મને સામા પ્રણામ કર્યાં.
મેં તેમના મુખ તરફ જોયું. તેમનું મુખ પ્રતિભાવંત અને આંખો તેજસ્વી છે. મુખ પર વેદના કે વૈફ્લ્યનાં કોઈ ચિહ્નો નથી. નાની થોડી કાપેલી દાઢી છે. તેમનાં જડબાં એવાં તો દૃઢતાથી જોડાયેલાં છે કે તેમાંથી સંકલ્પ અને દૃઢતા ટપકી રહ્યાં છે.
મેં સહજ-સ્વાભાવિક રીતે પૂછ્યું-ખરું પૂછો તો મારાથી પુછાઈ ગયું:
“આમ કેવી રીતે?
મને તેમના મુખના ભાવ પરથી લાગ્યું કે તેઓ મારા પ્રશ્ર્નથી નારાજ નથી થયા, રાજી થયા છે. તેમનો આવો અનુકૂળ પ્રતિભાવ જાણીને હું તેમની પાસે બેસી ગયો. તેમના શરીરની રચના જ એવી બની ગઈ છે કે હું બેઠો છું અને તેઓ ઊભા છે, તો પણ અમારાં મુખ સમાંતર ગોઠવાય છે. તેમણે મારી જિજ્ઞાસાનો જે ઉત્તર આપ્યો તેનો સાર આ પ્રમાણે છે.
તેઓ એક ભૂતપૂર્વ સૈનિક છે. તેઓ ચીન-ભારતની સરહદ પર ફરજ પર નિયુક્ત હતા. દીર્ઘકાલ સુધી કાતિલ ઠંડીમાં રહેવાથી તેમના હાથ અને પગમાં હિમડંખ લાગી ગયા. ચિકિત્સા માટે સેનાની હૉસ્પિટલમાં પહોંચતાં વાર થઈ. દીર્ઘ ચિકિત્સા ચાલી. લગભગ પાંચ વર્ષ તેઓ હૉસ્પિટલમાં રહ્યા. આખરે બંને હાથ અને બંને પગ કાપવા જ પડ્યા.
તેઓ બ્રાહ્મણ છે અને આ દેવપ્રયાગના જ વતની છે. આ દેવપ્રયાગ જ તેમની જન્મભૂમિ છે. પેન્શન મળે છે. જન્મભૂમિમાં જ રહે છે. થોડુંથોડું ચાલી શકે છે, પરંતુ હાથપગ બંને ન હોવાથી તેમના જીવનની ઘણી ક્રિયાઓ કોઈના દ્વારા થાય છે. દા.ત. ભોજન, સ્નાન, વસ્ત્ર-પરિવર્તન, બૂટ પહેરવા-કાઢવા આદિ, પરંતુ આ વીર જવાંમર્દ નિરાશ થયા નથી. જેમ એક નિવૃત્ત સૈનિક આનંદથી જીવે તેમ તેઓ જીવે છે. કોઈ ફરિયાદ નથી.
રાજી હૈં હમ ઉસમેં જિસમેં તેરી રજા હૈ,
યા તો યૂં ભી વાહવાહ હૈ, યા તો વૂં ભી વાહવાહ હૈ!
પ્રારંભમાં તેમને જોઈને વિષાદ થયો હતો, પરંતુ વિદાય લેતી વખતે મને પ્રસન્ન થઈ ગયું અને મુખમાંથી-મનમાંથી નીકળી ગયું: “વાહ!
પ્રથમ દૃષ્ટિએ-આપણી દૃષ્ટિએ આ જવાંમર્દ પુરુષ દુ:ખી જાણાય છે, પરંતુ વસ્તુત: તેઓ દુ:ખી નથી.
અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ તે આપણી સ્વતંત્રતા નથી, પરંતુ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સુખી થવું કે દુ:ખી થવું અથવા ન થવું તે માનવીની સ્વતંત્રતા છે. સુખ-દુ:ખ આપણી પસંદગી છે, કારણ કે સુખ-દુ:ખ પરિસ્થિતિ નથી, મનોવ્યાપાર છે.
અમે તેમને વંદન કરીને, પ્રસન્નતા વ્યક્ત કરીને આગળ ચાલ્યા. હવે અમે દેવપ્રયાગ-સંગમ તરફ જઈએ છીએ.
આ દેવપ્રયાગ અમારી સપ્તબદરી-સપ્તપ્રયાગની યાત્રાનું અંતિમ તીર્થ છે. અમે સંગમ પર પહોંચ્યા. આ પહેલાં અનેક વાર આ સંગમનાં દર્શન થયાં છે. પ્રત્યેક વાર આ સંગમનું સ્વરૂપ નવું જ જણાયું છે.
આજે આ બંને નદીઓમાં પાણીનો રાશિ અને તેનો વેગ બંને ખૂબ છે. આ સંગમ વિશે મેં અનેક વાર લખ્યું છે:
“આ જલરાશિમાં કોઈ હાથીને મૂકો તો અહીં હાથી પણ ફોતરાની જેમ ઊડી જાય.
આ વિધાન સાવ સાચું લાગે છે. આજે અત્યારે જલરાશિ અને જલનો વેગ આવા જ છે.
અમે સંગમ પર પહોંચીને વંદન, આચમન, પ્રોક્ષણ આદિ વિધિ કરી, સ્નાન કર્યું નહીં. થોડી વાર ઘાટ પર બેઠા. અમે બંને નદીઓ અને સંગમનાં મનભર દર્શન કર્યાં દર્શન કરીને આગળ ચાલ્યા.
ઘાટના એક ખૂણા પર એક દૃશ્ય જોઈને અમે અટકી ગયા. એક ભારતીય સાધુ અને એક વિદેશી સાધુ સાથે બેઠા છે. અમે તેમની સંમતિથી તેમની સાથે થોડી વાર બેઠા. અમે જાણ્યું:
આ સંન્યાસી મૂળ જોર્જિયાના વતની છે. તેમની માતૃભાષા રશિયન છે, પરંતુ થોડું અંગ્રેજી જાણે છે. જોર્જિયા મૂળ રશિયાનું એક રાજ્ય હતું, પરંતુ હવે તે એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. તેઓ રશિયન ઑથોડેક્સ ચર્ચના સાધુ છે અને જોર્જિયામાં કાળાં વસ્ત્રો ધારણ કરે છે. અહીં આવીને સંન્યાસ ગ્રહણ કર્યો છે અને ભગવાં વસ્ત્રો ધારણ કર્યાં છે. વિઝા અનુમતિ આપશે તે પ્રમાણે ભારતમાં રોકાશે.
મેં તેમને જોર્જિયાની વિશેષતા વિશે પૂછ્યું. તેમણે બે વિશેષતાઓ ગણાવી. જોર્જિયામાં વિશ્ર્વનો શ્રેષ્ઠ દારૂ બને છે અને તે વિશ્ર્વભરમાં પહોંચે છે. આ જોર્જિયાની પ્રથમ વિશેષતા છે.
બીજી વિશેષતા છે જોર્જિયન નૃત્ય.
તેમણે મને પૂછ્યું :
“તારે જોર્જિયન નૃત્ય જોવું છે?
પહેલાં તો હું સમજ્યો નહીં. અહીં જોર્જિયન નૃત્ય કેવી રીતે બતાવશે?
તેમણે પોતાનો મોબાઈલ કાઢ્યો. મોબાઈલ સાથે વાયરથી જોડાયેલા બે ઈયર-પ્લગ મારા કાનમાં તેમણે ભરાવી દીધા. સંગીતનો નાદ શરૂ થયો અને મોબાઈલના પડદા પર દૃશ્યોની રમઝટ શરૂ થઈ. નૃત્યનાં દૃશ્યો અને ગાયન બંને એકાકાર થઈ ગયાં. થોડી વાર તો નૃત્ય અને સાથે ચાલતાં ગાયન-વાદનની રમઝટમાં હું એકાકાર થઈ ગયો.
આખરે નૃત્યનો તે અંશ પૂરો થયો. મેં તેમનો આભાર માન્યો. તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી. અમે આગળ ચાલ્યા. હિમાલયમાં અને ભારતના અન્ય ભાગોમાં પણ વિદેશી મૂળનાં અનેક સંન્યાસીઓ અને સંન્યાસિનીઓ રહે છે અને સાધનપરાયણ-અધ્યાત્મપરાયણ જીવન જીવે છે.
હિમાલયનાં સપ્તબદરી અને સપ્તપ્રયાગની યાત્રા આ દેવપ્રયાગનાં દર્શન સાથે સંપન્ન થઈ ગણાય. અમે સાતેય બદરી અને સાતેય પ્રયાગની યાત્રા પરિપૂર્ણ કરી છે. આમ છતાં યાત્રા પરિપૂર્ણ થઈ નથી. અમે અહીંથી દેવપ્રયાગથી હરિદ્વાર પહોંચીએ ત્યારે યાત્રા પરિપૂર્ણ થઈ તેમ ગણાય, અર્થાત્ યાત્રાનું સમાપન હજુ બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular