હિમાલયના દર્શન માટે પદયાત્રા જ ખરી યાત્રા છે

જીવનનું અમૃત – ભાણદેવ

ભવિષ્યબદરીની પ્રથમ યાત્રા કર્યાને આજે બાવીસ વર્ષ વીતી ગયાં છે. બાવીસ વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે. બાવીસ વર્ષમાં તો બદલાઈ જ જાય ને! દુનિયા અને તદંતર્ગત હિમાલય પણ બદલતો જ રહે છે. હિમાલય કાંઈ લોખંડનો ટુકડો નથી કે બાવીસ વર્ષ પછી પણ એવો ને એવો જ રહે! અને લોખંડનો ટુકડો પણ એવો ને એવો ક્યાં રહે છે? બધું – બધું જ પરિવર્તનશીલ છે. હા, એક આત્મા – ચૈતન્ય અપરિવર્તનશીલ છે, અપરિણામી છે, શાશ્ર્વત છે.
હવે સલધારથી ભવિષ્યબદરી તરફ અમારી પદયાત્રાનો પ્રારંભ થયો છે. પદયાત્રા જ ખરી યાત્રા છે. હિમાલય માટે તો ખાસ પદયાત્રા જ ખરી હિમાલયયાત્રા છે. મોટરમાં બેસીને હિમાલયયાત્રાથી હિમાલયનાં યથાર્થ દર્શન ન થાય. મોટરયાત્રાથી હિમાલયને યથાર્થત: પામી ન શકાય. હિમાલયની તો પદયાત્રા જ હોય ને! આ મોટર અને આ મોટરરસ્તાએ અમારી હિમાલયયાત્રા ઝૂંટવી લીધી છે!
આ સલધાર શું છે? સલધાર એક ગામ છે – હિમાલયન ગામ છે. આ રસ્તા પરથી જોઈ શકાય તેવું ગામ નથી. યાત્રી સલધારના નાક પાસેથી ઉપર ચડવાનો પ્રારંભ કરે છે ત્યાંથી સલધાર ગામનો પ્રારંભ થાય છે. આ સલધાર પગદંડીના કિનારે-કિનારે પાઘડીપને ખૂબ લાંબું થઈને વસેલું ગામ છે.
સલધારના નાકે પગપાળા રસ્તે ચડીએ ત્યાંથી જ, અર્થાત્ પ્રારંભથી જ આકરા ચઢાણનો રસ્તો છે.
હવે અમે સલધાર ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યા છીએ. છે તો પગદંડી, પરંતુ પાકી બાંધેલી પગદંડી છે. અમે પહેલી વાર આવ્યા ત્યારે કાદવિયો રસ્તો હતો. પગરસ્તો તો લગભગ તેનો તે જ છે, પરંતુ રસ્તો સિમેન્ટથી બનાવેલો પાકો છે. આમ છતાં સાવધાન રહેવું જોઈએ. સાવધાન ન રહીએ તો લપસી પડવાનું જોખમ તો ખરું જ.
ચઢાણ-સતત ચઢાણ! સો ફૂટનો પણ સપાટ રસ્તો આવતો નથી. આ પાંચ કિલોમીટર અર્થાત્ છેક ભવિષ્યબદરી સુધી સતત, અનવરત ચડવાનું જ છે. હા, સતત – અનવરત ચડવાનું જ છે. પાંચ કિલોમીટર સુધી સતત આકરું ચઢાણ ચડવાની તમારી તૈયારી હોય તો અને તો જ આગળ ચાલો, નહીંતર પાછા વળી જાઓ! કોણે તમને ભવિષ્યબદરીની યાત્રા કરવા માટે પાણો મૂકયો છે? અમને કોઈએ ભવિષ્યબદરીની યાત્રા કરવા માટે પાણો મૂકયો નથી અને અમારે પાછા પણ વળવું નથી. અમારે તો થાકતાં-થાકતાં અને હાંફતાં-હાંફતાં પણ ઉપર-છેક ઉપર ચડવું જ છે અને ભવિષ્યબદરીનાં દર્શન કરવાં જ છે; તો પછી ફરિયાદ શા માટે કરો છો? અમે ફરિયાદ કરતા જ નથી. અમે તો માત્ર રસ્તાની કઠિનાઈનું કથન કરીએ છીએ. કથન – તટસ્થ કથન!
અહીં કોઈ બે મકાન એક સપાટી પર નથી જ! એક મકાન અને ચડીને આગળ ચાલીએ એટલે તેનાથી વધુ ઊંચાઈ પર બીજું મકાન અને તેનાથી વધુ ઊંચાઈ પર ત્રીજું અને આમ એક પછી એક મકાનોને પાર કરતાં-કરતાં અમે આગળ ચાલતા રહીએ છીએ. કેટલાંક એવાં મકાનો પણ જોયાં, જેમના એક ઓરડા કરતાં બીજો ઓરડો વધુ ઊંચાઈ પર છે.
મોટા ભાગનાં મકાનોની આગળ નાનું વાડોલિયું છે. વાડોલિયામાં શાકભાજી ઉગાડેલાં છે.
વચ્ચેવચ્ચે ખેતરો પણ છે જ. નાનાં-નાનાં પહાડી ખેતરો અને ખેતરના ખૂણામાં ખેડૂતનું મકાન. અહીં દૂરદૂરનાં ખેતરોમાં ખેડૂતોનાં એકલવાયાં મકાનો જોવા મળે છે અને આવા એકલવાયા સ્થાનમાં પણ ખેડૂતો મજાથી અને નિર્ભયતાથી રહે છે, જીવે છે. અહીં સલામતીની કોઈ ચિંતા નથી, કારણ કે અહીંના લોકોને ચોરી, લૂંટ આદિ શું કહેવાય તેની જાણ જ નથી. હે ભગવાન! તેમને આ બધી અંધકારની સેનાથી અજાણ જ રાખજે.
વચ્ચે વચ્ચે નાનાં નાનાં સુંદર ઝરણાં આવી રહ્યાં છે. કેવા નિર્મલ નિર્દોષ ઝરણાં! જાણે ધરતીમાતા સાથે અટખેલિયાં કરી રહ્યા છે.
આ ગામ સલધાર તો કેટલું લાંબું છે! પાર આવતો નથી રે! પાર આવતો નથી. આ સલધાર ગામ તો ધાર્યા કરતાં ઘણું લાંબું નીકળ્યું. હિમાલયની પદયાત્રા હંમેશાં ધાર્યા કરતાં લાંબી જ નીકળે છે. અંતર તો જેટલું છે તેટલું જ છે, પરંતુ આપણા જેવા મેદાની માનવો માટે આ ચઢાણ લાંબું જણાય છે, પરંતુ અમારે હૈયે ધરવ છે. આખરે રસ્તો ખૂટશે, અમે ખૂટવાના નથી. અને એમ જ થયું. સલધાર ગામ પૂરું થયું જ! હવે માત્ર ખેતરો જ ખેતરો છે. સલધાર ગામનાં જ ખેતરો હશે. અહીં વૃક્ષ-વનરાજિ પણ ખૂબ છે. અહીં કોઈ વૃક્ષોને કાપનાર નથી. આ પહાડી લોકો જંગલનો સોથ નીકળી જાય તેવી રીતે વૃક્ષોને કાપતા નથી.
અમે ચાલ્યા જ કરીએ છીએ અને ચાલતા જ રહીએ છીએ. પ્રારંભથી લગભગ છેક સુધી ચઢાણ છે અને કઠિન ચઢાણ છે.
ચડતાં-ચડતાં એક બીજું ગામ આવ્યું. ગામનું નામ છે સુંભાઈ! આ સુંભાઈ પણ પગદંડીના કિનારેકિનારે વસેલું લાંબુંલચક ગામ છે. ક્યાંક પગદંડીની એક બાજુ અને ક્યાંક પગદંડીની બંને બાજુ નાનાં-નાનાં પણ સુંદર ઘરો છે. કોઈક ઘરના ફળિયામાં બહેનો અનાજ સાફ કરે છે. કોઈક ઘરના વાડોલિયામાં કોઈ બહેન કાંઈક રોપી-ચોપી રહ્યાં છે. અમે પૂછીએ છીએ:
“ક્યા લગાયા હૈ?
“થોડી સબ્જી, થોડે ફૂલ.
“સબ્જી તો ખાને કે લિયે, ફૂલ કિસકે લિયે?
“ફૂલ દેવતા કો ચઢાને કે લિયે.
સમજાયું! મને ‘ઈશાવાસ્યોપનિષદ’નો મંત્ર યાદ આવ્યો:
विद्यां चाविद्यां च यस्तद् वेदोभयं सह।
अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्‍नुते॥
-ईशावास्योपनिषदः1
“જે વિદ્યા અને અવિદ્યા બંનેને સાથે જાણે છે તે અવિદ્યા દ્વારા મૃત્યુને તરી જાય છે અને વિદ્યા દ્વારા અમૃતને પામે છે.
વિદ્યા એટલે અધ્યાત્મવિદ્યા અને અવિદ્યા એટલે ભૌતિકી વિદ્યા. શાકભાજીની ખેતી ભૌતિકી વિદ્યા છે અને દેવો માટે ફૂલો ઊગાડવાં તે ઉપાસના છે. અધ્યાત્મવિદ્યા છે. આ બહેન બંનેની ઉપાસના કરે છે એવો એક વિચાર મારા મનમાં ઝબકી ગયો.
વચ્ચે વચ્ચે નાનાં નાનાં સુંદર ખેતરો છે અને સામે જ એક ખીણમાં અડાબીડ જંગલ પણ છે.
ઘરોને, ખેતરોને, ઝરણાંઓને અને માનવોને નીરખતાં-નીરખતાં અમે આગળ ને આગળ ચાલતા રહીએ છીએ, કહો કે ઉપર ને ઉપર ચડતા રહીએ છીએ. બેએક ખેતર અને પછી વળી બેએક ઘર અને ત્યારપછી વળી એકાદ વૃક્ષઝુંડ અને આમ વિવિધ સૃષ્ટિને જોતાં-જોતાં, માણતાં-માણતાં અમે ચાલતા રહીએ છીએ. એક વાત અમારા મનમાં નક્કી છે: જે ચાલશે તે પહોંચશે અને બીજી વાત પણ એટલી નક્કી છે આખરે રસ્તો ખૂટશે, અમે ખૂટવાના નથી.

Google search engine