સપ્ત બદરી, સપ્ત પ્રયાગ

ધર્મતેજ

જીવનનું અમૃત -ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
બ્રાહ્મણીગામ પાસે ઋષિગંગાને કિનારેકિનારે એક પગદંડી ચરણપાદુકા તરફ જાય છે. આ સ્થાન ઊંચું છે અને રસ્તો કઠિન ચઢાણનો છે. અહીં એક શિલા પર નર-નારાયણનાં પદચિહ્નો જોઇ શકાય છે.
ચરણપાદુકાની આજુબાજુ, આટલી ઊંચાઇ પર પણ હવે બે-ત્રણ આશ્રમો બન્યા છે.
જેમ નારાયણપર્વત પર મંદિરથી જમણી બાજુ બ્રાહ્મણીગામ અને તીર્થો છે, તેમ મંદિરની ડાબી બાજુ નારાયણપર્વત પર પણ તીર્થો છે. આ વિસ્તારનાં અમે દૂરથી દર્શન કર્યાં છે, પરંતુ આ વખતે ડાબી બાજુનાં તીર્થો અને અંતે માતામૂર્તિ તરફ જતી પગદંડી પર ચાલવાનો પ્રારંભ કર્યો. અહીં પ્રારંભમાં જ મંદિરના સર્વાધિકારીની ઓફિસ છે. મંદિરમાં ખૂબ ભીડ હોય ત્યારે દર્શનાર્થીઓની લાંબી લાઇન હોય છે. આ લાઇનમાં ઊભેલા દર્શનાર્થીઓ માટે પગદંડી અને તેની ઉપર છાપરુ રચવામાં આવેલ છે. આ જ રસ્તે અમે આગળ ચાલ્યા. પગદંડી સિમેન્ટથી રચવામાં આવી છે અને આ પગદંડી છેક માતામૂર્તિના મંદિર સુધી જાય છે. ભગવાન બદરીનાથની ઉત્સવમૂર્તિ અર્થાત્ ઉદ્ધવજીની મૂર્તિ માતામૂર્તિનાં દર્શન માટે વાજતેગાજતે આ જ પગદંડી પરથી જાય છે. અને આ જ પગદંડી પરથી પરત આવે છે.
પગદંડીના પ્રારંભમાં જ પગદંડીથી ડાબી બાજુ પ્રધાન મંદિરની બાજુમાં એક નાનું મકાન છે. મકાન તો બે માળનું છે, પરંતુ તોયે નાનું છે. દોરીઓ પર ભગવાં રંગનો વસ્ત્રો, ભગવા રંગના ધાબળા આદિ સૂકવવા મૂકેલાં છે તે જોઇ શકાય છે. આ કોનું નિવાસસ્થાન છે? આ નેપાલીમૈયાનું નિવાસસ્થાન છે. હવે તો માતાજી હયાત નથી, પરંતુ આ બદરીનાથધામમાં અને આ મકાનમાં માતાજી વર્ષો સુધી રહ્યાં છે. તદનુસાર આ નેપાલીમૈયાનું નિવાસસ્થાન
ગણાય છે.
અમે ધીમી ગતિથી આગળ ચાલીએ છીએ, દર્શન પામતાં-પામતાં!
અમારી જમણી બાજુએ નીચે-સાવ નીચે ભગવતી અલકનંદા પ્રચંડ નાદ અને પ્રચંડ વેગ સાથે વહી રહી છે. અલકનંદાના કિનારે જે ઘાટ દેખાય છે તે જ છે. બ્રહ્મકપાલશિલા તીર્થ, અર્થાંત કપાલમોચનઘાટ. અહીં યાત્રીઓ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિ કર્મો કરાવે છે. નજીકમાં અલકનંદાના પ્રવાહમાં
બ્રહ્મકુંડ છે.
અમે આગળ ચાલીએ છીએ. અમારી પગદંડીની સાવ બાજુમાં ડાબી બાજુ લગભગ દશેક પાકા બાંધેલા ઓરડાઓની હારમાળા છે. આ ઓરડાઓ બદરીનાથ-મંદિર સમિતિએ બંધાવેલા છે અને તેમની માલિકીના છે. કોઇ સાધુ-સંત-સાધક અહીં રહીને સાધન-ભજન કરવા ઇચ્છે અને ઉનાળાના છ મહિના અહીં રહેવા ઇચ્છે તો મંદિર સમિતિની અનુમતિથી અહીં રહી શકે છે. આ ઓરડાઓમાંથી એક ઓરડાની સામે એક સંન્યાસિની માતાજી ગરમ વસ્ત્રો તડકામાં સૂકવી રહ્યાં છે. અમે તેમનું અભિવાદન કર્યું:
“ઉૐ નમો નારાયણાય!
તેમણે પ્રત્યુત્તર આપ્યો:
“નારાયણ! નારાયણ!:
બસ આટલું જ. અમે આગળ ચાલ્યા. પછી અમે જાણ્યું કે કાલીકમલીવાલા ટ્રસ્ટે પણ બદરીનાથમાં લગભગ આવા પચાસેક ઓરડાઓ બનાવ્યા છે, જે સાધુ-સંત-સાધકોને સાધન-ભજન કરવા માટે આપવામાં આવે છે.
અમે થોડા આગળ ચાલ્યા. રસ્તાની સાવ બાજુમાં એક સાવ નાનું મંદિર છે. મંદિરમાં બિરાજે છે નાગ-નાગિન. એક મોટી શિલામાં નાગ અને નાગણીની પ્રાકૃતિક રીતે જ આકૃતિ બની ગઇ છે. બંને સામસામે ફણા ચડાવીને ઊભાં હોય તેવી આકૃતિ બની છે. આ ભાવિક હિન્દુ લોકો! ગમે તે પથ્થરને દેવ દેવી કે ભગવાન બનાવી શકે છે. એક નાનું સરખું પણ નિમિત્ત મળે તો તરત મંદિર બની જાય છે અને મંદિરને અનુરૂપ કથા પણ બની જાય છે.
અમે આગળ ચાલીએ છીએ.
હવે અમે અહીંથી ઇન્દ્રધારાના દર્શન કરી શકીએ. આમ તો હજુ ઇન્દ્રધારા દૂર છે, પરંતુ આટલી મોટી જલધારાનાં દર્શન તો દૂરથી પણ થઇ શકે ને! નારાયણ-પર્વતના એક શિખરને ભેદીન વચ્ચેથી જ આ મહાન જલધારા પ્રગટ થાય છે. પવનના ઝાપટા સાથે અટખેલિયાં કરતી-કરતી તે આખરે જમીન પર પડે છે ને ધોધમાંથી ઝરણાનુંં સ્વરૂપ ધારણ કરે છે. આ ઝરણારૂપે વહેતી જલધારા હવે પવનને બદલે ધરતીમાતા સાથે અટખેલિયાં કરતી-કરતી આગળ વધે છે અને આખરે અલકનંદાને મળીને પોતાનું આગવું અસ્તિત્વ અલકનંદાના વિરાટ અસ્તિત્વમાં વિલીન કરી દે છે. પોતાની જાતને અન્યમાં વિલીન કરી દેવાની કળા તો કોઇ આ હિમાલયનાં ઝરણાંઓ પાસેથી શીખે!
અમારી પગદંડીની બન્ને બાજુ. આ ઇન્દ્રધારાના વિસ્તારમાં એક વિશાળ મેદાન બની ગયું છે. ભૂમિ સાવ સપાટ નથી, ઢાળવાળી છે, પરંતુ હિમાલયમાં તો મેદાન ઢાળવાળાં જ હોય. નાનાં-નાનાં સુંદર ખેતરો છે. નાનાં-નાનાં સુંદર નિવાસસ્થાનો છે. કોઇક ખેતરમાં નાના-નાના બળદોથી ખેડવાનું કામ ચાલી રહ્યું છે. ક્યાંક-ક્યાંક માત્ર હાથ અને કોદાળીથી ખેતીકામ ચાલે છે. અનેક ખેતરોમાં વાવણી પણ ચાલી રહી છે. કયો પાક વવાય છે? બટાટાં! બટાટાં! બટાટાં! કોઇક ખેતરમાં પતિ-પત્ની અને કોઇક ખેતરમાં પતિ-પત્ની સાથે નાનાં-નાનાં બાળકો પણ કામમાં લાગેલાં છે.
પગદંડીની બાજુમાં જ એક ખેતરમાં સૌ પરિવારજનો ભોજન કરવા માટે બેઠાં છે. અમને નિમંત્રણ મળ્યું:
“આઇયે, મહારાજ ! ભોજન કે લિયે આઇયે!
અમને ગમ્યું. ભોજન કરીએ કે ન કરીએ, પરંતુ નિમંત્રણ પણ ગમે છે. અમે આભાર માની આગળ ચાલ્યા.
અમે ચાલતા જ રહ્યાં, ચાલતા જ રહ્યાં. આખરે ઇન્દ્રધારા પાસે પહોંચ્યા. ઇન્દ્રધારા તો પહાડમાંથી નીકળે છે અને તે સ્થાન તો અહીંથી ઠીકઠીક દૂર અને ઊંચાઇ પર છે. તે જલધારા અહીં આ પગદંડીની નીચેથી એક નાલી દ્વારા પસાર થઇને અલકનંદા તરફ વેગળી વહી રહી છે. જાણે એક નાનું બાળક વર્ષોથી વિખૂટી પડેલી પોતાની માતાને મળવા માટે દોટ મૂકે તેવી આ ઇન્દ્રધારાની અલકનંદા તરફ દોટ છે.
પરંપરાગત માન્યતા એવી છે કે એક વાર દેવરાજ ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી. બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે દેવરાજ અહીં આ નારાયણ ભગવાનની તપશ્ર્ચર્યાભૂમિમાં આવ્યા. અહીં આ નારાયણ પર્વત પર દેવરાજ ઇન્દ્રે તપશ્ર્ચર્યા કરી. તપશ્ર્ચર્યાના સામર્થ્યની અને ભગવાનની કૃપાથી અહીં ઇન્દ્રદેવ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થયા. આ ઘટનાની યાદમાં આ ધારાને ‘ઇન્દ્રધારા’ નામ આપવામાં આવેલ છે. ઇન્દ્રધારાની આજુબાજુ થોડા મકાનો છે. નાની માનવવસાહત બની ગઇ છે. આ વસાહતને, આ ગામને પણ ઇન્દ્રધારાગામ જ કહેવામાં આવે છે.
અહીં આ ઇન્દ્રધારા પાસે અમે થોડીવાર બેઠા. અદ્ભુત-સુંદર દૃશ્ય છે. નારાયણ-પર્વત પર અમે બેઠા છીએ. સામે જ ઇન્દ્રધારા ધોધ દેખાય છે. અમારી બાજુમાંથી જ ઇન્દ્રધારા વહી રહી છે. માનાગામ તરફથી આવી રહેલી ભગવતી અલકનંદાનો પ્રવાહ અહીં દેખાય છે અને પ્રવાહનો નાદ પણ અહીંથી સાંભળી શકાય છે. સામે જ નર-પર્વતનાં દર્શન થાય છે અને અહીંથી માનાગામ પણ દૃષ્ટિગોચર થાય છે.
સામે નારાયણ-પર્વતના એક ખૂણા પર સફેદ રંગનું એક નાનું મંદિર દૃષ્ટિગોચર થાય છે. તે જ છે માતામૂર્તિનું મંદિર. આ માતામૂર્તિદેવી ભગવાન નર-નારાયણનાં માતુશ્રી છે. અહીં બંને પુત્રો તપશ્ર્ચર્યા-રત છે, તેથી તેમની તપશ્ર્ચર્યામાં ભંગ ન થાય તે માટે માતુશ્રી મંદિરથી દૂર અહીં અવસ્થિત છે. નર-નારાયણના પિતાનું નામ ધર્મદેવ છે. તેમની યાદમાં આ ક્ષેત્રને ‘ધર્મક્ષેત્ર’ નામ આપવામાં આવેલ છે.
માતા-પિતાને આપેલા વચન પ્રમાણે વર્ષમાં એકવાર વામદ્વાદશીના દિવસે ભગવાન પોતાની ઉત્સવમૂર્તિ અર્થાત્ ઉદ્ધવમૂર્તિના માધ્યમથી અહીં માતાજીનાં દર્શન માટે આવે છે. તે દિવસે ભગવાન પાલખીમાં બેસીને અહીં પધારે છે. આ દિવસે ખૂબ મોટો મેળો ભરાય છે અને આ ક્ષેત્ર સર્વ માનવો, મંદિરના કર્મચારીઓ, યાત્રીઓ-સૌ આ યાત્રા અને મેળામાં સંમિલિત થાય છે. યાત્રામાં રાવલજી પણ સાથે પધારે છે. પરંપરાગત માન્યતા પ્રમાણે પિતા ધર્મદેવ અલકનંદાના સામેના કિનારે વસુધારા પાસે તપશ્ર્ચર્યા-રત છે.
ઇન્દ્રધારા અલકનંદાને મળે છે ત્યાં નદી કિનારે પણ એક તીર્થ છે-અત્રિ-અનસુયા-તીર્થ! ખૂબ રમણીય અને એકાંત સ્થાન છે. અહીં એક નાનો ઓરજો પણ બન્યો છે. એકાંતસાધના કે અનુષ્ઠાન માટે ખૂબ ઉપયુક્ત સ્થાન છે.
અમે હવે પાછા ફરવાની તૈયારીમાં છીએ. અચાનક એક યુવાન સજજન સાથે મુલાકાત થઇ. આ સજનનું નામ છે. જીતસિંહ. અહીંના જ નિવાસી છે. અમારી તેમની સાથે થોડી વાતો થઇ. તેમની સાથેની વાતચીત દ્વારા આ બદરીનાથક્ષેત્ર વિશે કાંઇક જાણકારી પ્રાપ્ત થઇ છે, જે અહીં પ્રસ્તુત છે:
આપણી સામાન્ય માન્યતા એવી છે કે આ બદરીનાથક્ષેત્રમાં એક જ ગામ છે-માનાગામ! પરંતુ આ માન્યત સાચી નથી. વસ્તુત: આ ક્ષેત્રમાં સાત ગામ છે.
નારાયણપર્વત પર ચાર ગામ છે:
૧. ઇન્દ્રધારા
૨. ગજકોટિ
૩. બદરીનાથ
૪. બ્રાહ્મણીગામ
નર પર્વત પર ત્રણ ગામ છે
૫. માનાગામ
૬. પટિયા
૭. ધંતોલિ.

બદરીનાથગામમાં પુરોહિતો, પંડાઓ, મંદિરના કર્મચારીઓ, વેપારીઓ, હોટેલ-વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ, યાત્રીઓ આદિ વસે છે. મૂળ બદરીનાથ ગામ તો નારાયણ-પર્વત પર વસેલું છે, પરંતુ હવે તેનો ઘણો વિસ્તાર થયો છે અને તદનુસાર બદરીનાથનગર હવે અલકનંદાના બંને કિનારે અર્થાત્ નારાયણ અને નર એમ બન્ને પર્વતો પર વસેલું છે.
બાકીના છ ગામોમાં અહીં આદિવાસી પ્રજા અર્થાત્ જનજાતિ પ્રજા વસે છે. માત્ર બ્રાહ્મણીગામમાં સામાન્ય જનજાતિ પ્રજા વસે છે. બાકીનાં બીજાં ગામોમાં મારચા જાનજાતિ પ્રજા વસે છે. મારચા જનજાતિ મૂલત: ભોટિયા પ્રજાની એક પેટા-જાતિ છે.
આ જનજાતિ પ્રજા અહીં છ મહિના રહે છે. અહીં તેમનાં ખેતરો અને મકાનો છે. આ છ માસ દરમિયાન, અર્થાત્ મે મહિનાથી ઑક્ટોબર મહિના સુધીમાં તેઓ અહીં ખેતી કરે છે. મોટા ભાગે બટાટાંનું વાવેતર થાય છે. અહીંની ઠંડીમાં બટાટાં મબલખ પાક ઊતરે છે. નવેમ્બરથી એપ્રિલ એમ શિયાળાના છ માસ સુધી આ સર્વ લોકો નીચેના વિસ્તારમાં ચાલ્યા જાય છે. તેમના પશુઓેને પણ સાથે લઇ જાય છે. બ્રાહ્મણીગામની પ્રજા પાંડુકેશ્ર્વરમાં રહે છે. ત્યાં તેમના મકાનો છે. બાકીના ગામના લોકો ચમોલીમાં શિયાળો વિતાવે છે. ત્યાં તેમનાં મકાનો છે, પરંતુ જમીન નથી. આ છ માસ દરમિયાન આ સર્વ કાંતવું, વણવું, સીવવું, ગૂંથવું આદિ કામો કરે છે. જોકે હવે આ ગૃહઉદ્યોગો ઝડપથી ઘટી રહ્યાં છે.
જીતસિંહે અમને સમજાવ્યું કે આ નારાયણ-પર્વત અને આ નર-પર્વતમાંથી નીકળીને અનેક જલધારાઓ અલકનંદાને મળે છે. આ અનેકમાંથી પ્રધાન જલધારાઓ આ પ્રમાણે છે.
નર-પર્વત પરથી ચાર પ્રધાન ધારા નીકળે છે.
૧. ઋગ્વેદધારા
૨. યજુર્વેંદધારા
૩. સામવેદધારા
૪. અથર્વવેદધારા
નારાયણ-પર્વત પરથી છ પ્રધાન જલધારા નીકળે છે:
૫. ઇન્દ્રધારા
૬. ભૃગુધારા
૭. અગ્નિધારા
૮. પ્રહ્લાદધારા
૯. કૂર્મધારા
૧૦. ઋષિગંગા
ઇન્દ્રધારા પાસે તો અમે બેઠા છીએ.
અમારી પાછળ ભૃગુધારા પણ અહીંથી જોઇ શકાય છે.
અગ્નિધારા એટલે તપ્તકુંડમાં આવતી ઉષ્ણજલધારા.
પ્રહ્લાદધારા અને કૂર્મધારા બદરીનાથ ગામ વચ્ચેથી વહે છે, અર્થાત્ બ્રાહ્મણીગામ અને બદરીનાથમંદિરની વચ્ચેના ભાગમાં આ બન્ને જલધારા છે. ઋષિગંગા બ્રાહ્મણીગામ પાસે છે.
હવે અમે ઇન્દ્રધારાથી મંદિર તરફ પાછા આવી રહ્યાં છીએ. ઇન્દ્રધારાથી
પાછા ફરતાં એક જલધારા આવી. નાનું બોર્ડ પણ મૂકયું છે: ભૃગુધારા.
રમેશભાઇ અહીંથી જ સીધા અમારે ઉતારે પહોંચવા માટે નીકળ્યા. હું એકલો જ ભૃગુધારાને કિનારે-કિનારે ઉપરની દિશામાં આગળ ચાલ્યો. થોડા ચઢાણ પછી એક નાનું બીજું બોર્ડ આવ્યું: ભૃગુગુફા આશ્રમ.
અહીં એક નાની સુંદર ગુફા છે-ભૃગુગુફા. આ સ્થાનને મહર્ષિ ભૃગુની તપશ્ર્ચર્યાભૂમિ માનવામાં આવે છે. અહીં ત્રણ ચાર બીજા ઓરડા અને એક નાની ગૌશાળા પણ છે.
અહીં એક સાધુનાં દર્શન થયાં. નામ છે કૃપાંશાચાર્ય ! તેમના ગુરુમહારાજ મુકુંદાચાર્ય સાથે તેઓ વર્ષમાં છ મહિના અહીં રહે છે અને છ મહિના જોષી મઠ તરફ એક અન્ય આશ્રમમાં રહે છે. ગુુરુમહારાજ મુકુંદાચાર્ય હજુ અહીં આવ્યા નથી, હવે આવશે. અમને દર્શન થઇ શક્યાં નહીં.
કૃપાંશાચાર્યના કહેવા પ્રમાણેે ગુરુ મુકુંદાચાર્યની વય ૯૫ વર્ષની છે. તેઓ છેલ્લાં ૬૫ વર્ષથી અહીં આ ભૃગુગુફા આશ્રમમાં રહે છે. તેમના કહેવા પ્રમાણે આ બદરીનાથક્ષેત્રમાં વસતા સાધુઓમાં સૌથી જૂના સાધુ તેઓ જ છે.
શ્રી કૃપાંશાચાર્ય સાથે સારો સત્સંહ થયો. તેઓ શાંત સ્વભાવના, મિતભાષી અને સાત્ત્વિક પ્રકૃતિના સાધુ છે તેમ લાગ્યું. તેઓ રામાનુજપરંપરાના સાધુ હોવાનું જણાય છે.
શ્રી કૃપાંશાચાર્યની વિદાય લઇને હું મંદિર તરફ આવવા નીકળ્યો અન મંદિરે દર્શન કરીને અમારે ઉતારે પહોંચી ગયો.
સાંજે પાંચ વાગ્યે અમારે કર્પૂર-આરતીમાં ભાગીદાર થવાનું છે.
ભગવાન બદરીનાથ અને તેમની પંચાયતના સર્વ દેેવોનાં નિરાંતે દર્શન પામ્યા. કર્પૂક આરતી થઇ. લગભગ પંદરેક મિનિટ મંદિરમાં સભામંડપમાં રહ્યાં. પુન:પુન દર્શન પામીને આખરે અમે પણ સૌની સાથે મંદિરની બહાર આવ્યા.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.