સપ્ત બદરી, સપ્ત પ્રયાગ: ભવિષ્યબદરીનાથમાં સ્થાનિકોની શ્રદ્ધા જોઈ મન પ્રસન્ન થઈ જાય

ધર્મતેજ

જીવનનું અમૃત – ભાણદેવ

અમારી પગદંડીની પાસે જ એક નાનું સુંદર ઘર છે. અમે ઊભા રહ્યા. અમે હવે ઠીકઠીક થાકયા છીએ. થાક તો છે જ અને હવે ભૂખ પણ લાગી છે. મનમાં સતત પ્રશ્ર્ન થયા કરે છે: હજુ આ ભવિષ્યબદરી કેટલું દૂર છે? પણ પૂછવું કોને? ઘરના આંગણામાં એક વૃદ્ધ માજી બેઠાં છે. કાંઈક સાંધવા-સીવવાનું કામ કરી રહ્યાં હોય તેમ લાગે છે. હિમાલયમાં મનુષ્યો – ખાસ કરીને બહેનો ભાગ્યે જ ક્યારેય કામ વિનાનાં, અર્થાત્ નવરાં હોઈ શકે. તેમના હાથ સતત કોઈ ને કોઈ કામમાં જોતરાયેલા જ હોય છે!
અમે તે વૃદ્ધ માજીને કહ્યું:
“નમસ્કાર!
તેમણે પણ સામે હાથ જોડીને કહ્યું:
“નમસ્કાર!
હવે અમે પૂછ્યું:
“માતાજી! હવે ભવિષ્યબદરીનું મંદિર અહીંથી કેટલું દૂર છે?
માતાજી ઊભાં થયાં. હાથ લાંબો કરીને બોલ્યાં:
“અરે! આ સામે જ છે. પેલું સામેના પહાડ પર વિશ્રામસ્થાન દેખાય છે ને તેની પાછળ જ છે.
“રસ્તો ચઢાણનો જ છે કે સીધો પણ આવશે?
“અરે! થોડું-થોડું ચઢાણ છે. પછી તો ખેતરોમાં સીધો જ રસ્તો છે.
અમે સામેના પહાડ પરના વિશ્રામસ્થાનના થાંભલાને જોઈ રહ્યા. આ માતાજીને સાવ નજીક અને સાવ સહેલું લાગે છે, પરંતુ અમને તો ઘણું દૂર અને ઘણું કઠિન લાગે છે. આમ કેમ? નજીક-દૂર, સરળ-કઠિન- આ તો બધું સાપેક્ષ છે.
હવે માતાજી અમને પૂછે છે:
“આપ ક્યાંથી આવો છો?
“ગુજરાત!
“ગુજરાત? મોદીજીનું ગુજરાત?
“હા, મોદીજીનું ગુજરાત!
હિમાલયની અનેક યાત્રાઓ દરમિયાન મેં અનેક વાર જોયું છે કે પદયાત્રા દરમિયાન આપણે હિમાલયના નિવાસીઓને પૂછીએ કે હવે આ અમુક સ્થાન કેટલું દૂર છે, તો તેમનો ઉત્તર લગભગ આવો જ હોય:
“અરે! હવે ખાસ દૂર નથી.
“અરે! આપ પહોંચી જ ગયા તેમ સમજો.
“અરે! આ સામે જ રહ્યું.
“અરે! રસ્તો તો સાવ સરળ છે.
આવા ઉત્તરો તેઓ બે કારણસર આપે છે: એક, તેમના માટે આ રસ્તો સરળ અને નજીક જ છે અને બીજું, તેઓ યાત્રીને હિંમત આપવા ઈચ્છે છે.
પરંતુ આપણા માટે તો આમ સમજવાનું છે:
જે-તે તીર્થ તેઓ કહે તેટલું નજીક પણ નથી અને તેઓ કહે તેટલું સરળ પણ નથી.
અમે માતાજીને પૂછયું:
“આપ ભવિષ્યબદરીનાથને માનો છો?
“અરે! કેમ ન માનીએ? તેઓ તો અમારા દેવ છે. અહીં સૌ લોકો બદરીનાથબાબામાં (અર્થાત્ ભવિષ્યબદરીમાં) ખૂબ માને છે.
થોડી વાર અટકીને માતાજી આગળ ચલાવે છે:
“અરે! તમારા બદરીનાથ (અર્થાત્ બદરીનાથતીર્થમાં પ્રતિષ્ઠિત બદરીનાથ) તો બનાવેલા છે. અમારા આ બદરીબાબા (અર્થાત્ ભવિષ્યબદરીનાથ) બનાવીને બેસાડેલા નથી. આ બાબા તો આપોઆપ પ્રગટ થયા છે અને આ અમારા બદરીબાબા જ ભવિષ્યમાં પ્રધાન બદરીનાથ બનશે.
આ માતાજીની ભવિષ્યબદરીનાથમાં આવી અબોધ, પણ સાચકલી શ્રદ્ધા જોઈને મન પ્રસન્ન થઈ ગયું.
અમે માતાજીને નમસ્કાર કરીને આગળ ચાલ્યા.
માતાજીએ કહેલ ‘આ સામે જ દેખાય છે તે’ વિશ્રામસ્થાન દેખાય છે તો સાવ સામે જ, પરંતુ સાવ નજીક તો નથી જ અને સરળ પણ નથી જ! બે કલાકના આકરા અને વાંકાચૂંકા ચઢાણ પછી અમે તે વિશ્રામસ્થાને પહોંચ્યા. વિશ્રામસ્થાને પહોંચીએ એટલે થોડો વિશ્રામ તો કરવો જ જોઈએ ને! અને તેથી પણ અધિક અમે ખૂબ થાકયા છીએ!
હું રમેશભાઈને પૂછું છું:
“રમેશભાઈ! બરાબર છે ને?
રમેશભાઈ ઉત્તર આપે છે:
“હા, સ્વામીજી! બરાબર છે.
અને પછી રમેશભાઈ મને પૂછે છે:
“સ્વામીજી! આપ બરાબર છો ને?
હું ઠાવકું મોઢું રાખીને ઉત્તર આપું છું: “હા-હા, બરાબર છે.
થાક તો બરાબર લાગ્યો છે અને તેથી પણ વિશેષ ભૂખ પણ ખૂબ લાગી છે; પરંતુ ‘બાપ રે! થાકી ગયા!’ કે ‘ઓ મા! હવે તો ખૂબ ભૂખ લાગી છે!’ – એમ રોદણાં રોવાથી શો ફાયદો થવાનો છે? એના કરતાં આ ‘બધું બરાબર છે!’ આ તકિયાકલામનું રટણ કરવું સારું છે.
અમારી પગદંડી ખીચોખીચ મકાનોની વચ્ચેથી પસાર થઈ રહી છે. ક્યારેક તો દ્વિધા થાય છે: આ ભવિષ્યબદરી જવાની પગદંડી છે કે કોઈ પહાડી સજ્જનના ઘરમાં જવાનાં પગથિયાં છે? ક્યારેક તો અમારે પૂછવું પડે છે:
“ભવિષ્યબદરી જવાની આ જ પગદંડી છે?
ઉત્તર મળે છે:
“હા, આ જ ભવિષ્યબદરીની પગદંડી છે!
અમે આગળ અને આગળ ચાલ્યા જ કરીએ છીએ.
એક વાર અમારી પગદંડી એક ઘરના પ્રાંગણમાંથી પસાર થઈ. અમને તરસ લાગી છે. અમે સ્વચ્છ જલની શોધમાં છીએ. અમે જે ઘરના પ્રાંગણમાં પહોંચ્યા છીએ તે ઘરની ઓસરીમાં એક યુવાન બહેન ઊભાં છે. નરી સાત્ત્વિકતાની મૂર્તિ હોય તેવાં લાગે છે. તેમની સાત્ત્વિકતા તેમના સ્વરૂપમાં નીતરે છે. જે સાત્ત્વિક હોય તે સુંદર હોય જ!
અમે પૂછ્યું:
“પાણી મળશે?
“જરૂર મળશે. આવો, બાબાજી! બેસો.
તેઓ આસન લેવા દોડ્યાં. તેઓ આવે તે પહેલાં તો અમે આસન વિના જ બેસી ગયા. અંદરના ખંડમાંથી તેમના પતિ પણ બહાર આવ્યા. અમને સ્વચ્છ પાત્રમાં સ્વચ્છ પાણી મળ્યું. અમે પાણી પી રહ્યા છીએ. બહેને પૂછ્યું:
“ચા બનાવું?
અમે આભાર માનીને ના કહી.
એક સાત્ત્વિક-પ્રસન્ન દંપતીને જોઈને આનંદ થયો.
બંને સારું ભણેલાં છે તેમ લાગ્યું. બંને અહીં ખેતી કરે છે. તેમના પરિવારજીવન કે અંગત જીવન વિશે અમે કાંઈ પૂછ્યું નહીં. અમે તેમની રજા લઈને આગળ ચાલ્યા.
આ વિશ્રામસ્થાનથી હવે પગદંડી પહાડની બીજી બાજુ વળાંક લે છે. અમે પણ રસ્તા પ્રમાણે હવે વળાંક લઈને આગળ ચાલ્યા. અમે આગળ અને આગળ ચાલતા જ રહીએ છીએ. અમારી સાથે એક સંન્યાસી મહારાજ પણ ચાલે છે. તેઓ પણ અમારી જેમ ભવિષ્યબદરીના યાત્રી છે. તેઓ કવચિત્ અમારાથી પાછળ, કવચિત્ આગળ અને કવચિત્ સાથે ચાલે છે.
આખરે હવે થોડી થોડી સપાટ ભૂમિ આવે છે. સપાટ મોટાં ખેતરો છે અને પગદંડી ખેતરોની વચ્ચેથી પસાર થાય છે. લગભગ બધાં ખેતરોમાં મોટા ભાગે બટેટાંનું વાવેતર છે. આ ઠંડા પ્રદેશમાં બટેટાંનો પાક અનુકૂળ છે અને સારો થાય છે. અહીં એક વાર બટેટાંનું વાવેતર કર્યા પછી પાણી આપવું પડતું નથી. લગભગ અઠવાડિયે એકાદ વાર વરસાદ આવી જાય છે અને તદનુસાર વરસાદના પાણીથી જ બટેટાં પાકી જાય છે.
હવે અમે ભવિષ્યબદરીક્ષેત્રમાં પહોંચી ગયા છીએ તેમ લાગે છે. બેએક નાનાં નાનાં મકાનો જોવા મળે છે. જુદા જુદા વિસ્તારમાં દેવદારનાં ઝુંડ જોવા મળે છે. અમે આગળ ને આગળ ચાલ્યા જ કરીએ છીએ. અમારી ગતિ હવે વધી ગઈ છે. કેમ? એક તો મંદિર હવે નજીક છે તેમ જાણીને અમે હિંમતમાં આવી ગયા છીએ. બીજું, રસ્તો હવે સીધો અથવા હળવા ચઢાણનો છે.
ને આમ આખરે અમે બાબા ભવિષ્યબદરીનાથના મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા અને હવે તો મંદિરના દ્વાર સુધી પહોંચી ગયા.
અમે જોયું કે આ મંદિરના પ્રાંગણના સામેના છેડે એક ઓરડો છે. અમે અનુમાન કર્યું કે તે પૂજારીજીનું નિવાસસ્થાન છે. ઓરડાની પાછળ એક નળ છે. તે નળ પર થોડાંક યુવાન-યુવતીઓ વાસણો સાફ કરી રહ્યાં છે. સંભવત: તેમણે પૂજારીજીના નિવાસસ્થાને હમણાં જ ભોજન કર્યું હશે અને હવે તેઓ ભોજનનાં વાસણો સાફ કરી રહ્યા છે.
અમને જોઈને પૂજારીજી અમારી પાસે મંદિરના દ્વાર પર આવ્યાં. અમે તેમની અનુમતિથી અને તેમની સાથે ભગવાન ભવિષ્યબદરીના મંદિરમાં પ્રવેશ પામ્યા. અમે નિરાંતે બેઠા અને નિરાંતે અને ભાવપૂર્વક ભગવાન ભવિષ્યબદરીનાં દર્શન પામ્યા.
પૂજારીજીએ અમને દર્શન કરાવ્યાં અને આ ધર્મસ્થાનનો મહિમા પણ સમજાવ્યો.
પૂજારીજી અમને સમજાવે છે:
“અહીં આ ભવિષ્યબદરીનાથજીની મૂર્તિ બહારથી ઘડીને મૂકવામાં આવી નથી. આ તો એક પ્રાકૃતિક શિલામાંથી ધીમે ધીમે પ્રગટ થઈ રહેલી મૂર્તિ છે. વર્તમાનકાળમાં તો આ શિલામાં બદરીનાથ ભગવાનની ઝાંખી-ઝાંખી અને અધૂરી આકૃતિ બની છે. આ મૂર્તિ પૂરેપૂરી પ્રગટ થઈ જશે ત્યારથી અહીં બદરીનાથધામ બનશે તેવી લોકમાન્યતા છે. તેથી જ આ સ્થાનને ભવિષ્યબદરી કહે છે અને આ વિગ્રહને ભવિષ્યબદરીનાથ કહેવામાં આવે છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.