કચ્છના ‘સંત કબીર’ સંત દાદા મેકરણ

વીક એન્ડ

કેફિયત-એ-કચ્છ-રાજેશ માહેશ્ર્વરી

કચ્છની ભૂમિ સંતોની પાવન ભૂમિ છે. તેમાં અનેક સંત, ફકીર, ઓલિયાપીરે કચ્છની ધરા પર જન્મ લીધો છે.
તેમાં સંતશ્રી દાદા મેકરણનો જન્મ જલારામ બાપાની માફક લોકકલ્યાણ અને ભૂખ્યા-તરસ્યા માનવીની સેવા કરવા માટે જ થયો હતો. તેમની સેવાની સુવાસ આજે પણ ફેલાયેલ છે. અને તે પ્રેરણાના સ્ત્રોત છે.
સંતશ્રી દાદા મેકરણનો જન્મ કચ્છ જિલ્લાના નાની ખોંભડી ગામે ભાટી રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી હરગોપાલજી અને માતા શ્રીપન્તાબાઇ હતાં.
તેમનું બચપણનું નામ મોકાયજી હતું. નાનપણથી જ લોકસેવા અને પ્રભુભક્તિમાં રચ્યા-પચ્યા રહેતા હતા. તેમાં તેમને અનેરો આનંદ આવતો હતો, આથી પિતાશ્રીજી પારંપરિક વ્યવસાયમાં રસ ન દાખવીને માત્ર ૧૨ વર્ષની ઉંમરમાં જ દાદાએ સાધુ તરીકે દીક્ષા લીધી હતી અને મોકાયજીમાંથી મેકરણ થયા હતા. ગિરનારી સંતોની આજ્ઞા અને ઇચ્છાથી જૂનાગઢમાં બિલખા મધ્યે ઘણાં વર્ષો સુધી કઠોર તપ કર્યું હતું. ત્યારબાદ કચ્છ વાગડમાં જંગી અને પાવર પટ્ટીના લોડાઇ ગામે પધાર્યા હતા ત્યારે તેમને સંત નિર્મલગિરિ સાથેનો ભેટો થયો હતો અને ધ્રંગ ગામે પધાર્યાં હતાં. સંત દાદા મેકરણની કર્મભૂમિ તે ધ્રંગ, ભુજ તાલુકાનું આ ગામ ભુજથી ૪૦ કિ.મી.ની અંતરે છે. ધ્રંગ આવતી વખતે દશનામી સંત માયા ગિરિજી સ્વામી તથા માતાજી વીરબાઇનો પરિચય થયો. કચ્છના રાજવી મહારાજ દેશળજીએ દાદા મેકરણનું ગુરુ પદ સ્વીકારેલું.
‘જી નામ’ ‘જીનામ’ નામની અલખ જગાડનાર કચ્છના કબીરનું ઉપનામ દાદાને મળે છે.
એક વખત તીર્થ યાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કર્યા પછી તેમના ખભે કાવડમાં ગંગા જળ ભરીને દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા, તે દરમિયાન માર્ગમાં કોઇ જંગલી હિંસક પ્રાણીએ એક ગધેડા પર હિંસક હુમલો કર્યો અને તેને ઘાયલ કર્યો અને ગધેડો જીવવા માટે તરફડતો હતો. દાદા મેકરણથી આ કરુણતા જોવાઇ નહીં આથી તેમણે તરત જ કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટ્યું અને થોડું ગધેડાને પીવડાવ્યું. તેથી તેના ઘાવ સાફ કર્યા. આમ કરવાથી ગધેડાની પીડામાં થોડી રાહત થઇ.
આ જોઇને જમાતના સાધુ-સંતો દાદા પર ફિટકાર વરસાવા, તિરસ્કાર કરવા લાગ્યા અને મોટેથી બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું? પવિત્ર ગંગાજળ ગધેડાને પાઇને તમે પવિત્ર ગંગાજીનું અપમાન કર્યું છે. સમર્થ દાદા મેકરણ જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું.
“પીપર મે પણ પ્રાણ નાય, બાવર મે બ્યો!
નીમ મે ઉ નારાયણ ત કંઢે મેં (ગધેડામાં) કયો?
અર્થાત્ જો પીપળામાં જે પ્રાણ છે તે બાવળમાં પણ છે, જો લીમડામાં નારાયણ હોય તો પ્રાણીઓમાં કેમ નહીં?
આ સાંભળી જમાતના સાધુઓ અવાક થઇ ગયા અને દાદાના ચરણે પડી ગયા.
આ પછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો જેનું નામ દાદાએ “લાલિયો રાખ્યું હતું. સમય જતાં એક કૂતરો પણ દાદા સાથે રહેવા લાગ્યો તેનું નામ દાદા એ “મોતિયો રાખ્યું હતું. આમ લાલિયા તથા મોતિયાની જોડી જામી ગઇ હતી. અને આ શ્ર્વાન અને ગધેડો દાદાની સાથે સેવા કાર્યમાં જોડાઇ ગયા હતા. દાદાની ઉંમર થતાં લાલિયો પાણી, રોટલાનો ભાર વહન કરતો અને મોતિયો (શ્ર્વાન) શ્ર્વાન હોવાને લીધે ગંધ પારખવાની શક્તિ અદ્ભુત હતી માટે લાલિયાને માર્ગ નિર્દેશન કરી રણમાં અટવાયેલા મુસાફરો, વટેમાર્ગુઓને શોધી શોધીને ભોજન અને પાણી આપતા, આમ દાદા અને તેના બે વફાદાર સાથીદારો સાથે સમગ્ર જીવન કચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું હતું. અને અબોલ પ્રાણીઓમાં પણ સમજદારી અને વફાદારી હોય છે. તે દાદાએ દુનિયાને પ્રમાણ આપી દીધું, માટે દાદા સંતશ્રી મેકરણે ઉત્કૃષ્ટ પંક્તિઓ કહી હતી.
“લાલિયો મુંઝે લખણવંતો મોતિયો જેડો ભા
મૂછારા પર ઘોરે ફગાઇયાં, ઇનીજા પૂરછ મથાં
અર્થાત્ આ મારો લાલિયો લખણવંતો છે. તો મોતિયો કયાં ઓછો છે? આ બન્ને ભિન્ન ભિન્ન જ્ઞાતિમાં જન્મ્યાં છે. પરંતુ બન્ને ભાઇઓ જેવા છે. ક્યારેક મને થાય છે કે મરદ-મૂછાળાઓને પણ આ બન્નેનાં કાર્યો જોતા એમના મૂઠરપથી જાણે ઓળઘોળ કરી મૂકું!
સંતશ્રી દાદાએ શ્રીગુરુ ગંગારાજી પાસેથી ઉપદેશ લીધો અને કાપડી પંથને વધુ પ્રકાશમાં લાવ્યા. દાદા મેકરણે મહાન સમર્થ સંત હતા જેથી તેમના કાપડી પંથમાં એક નવી શાખા શરૂ થઇ જે હાલમાં મેકાપંથી નામેે ઓળખાવે છે.
સંતશ્રી દાદા મેકરણ અનેક ઉત્કૃષ્ઠ પંક્તિઓની રચના કરી હતી તેમાં,
“જીયો ત ઝેર ન થિયો સક્ક થિયો મૂંઝા સેણ
મરી વૈધા માંડુઆ પણ સૈધા ભલે જા વેણ.
અર્થાત્ જીવનમાં સાકર જેવા મીઠા શબ્દો બોલીને સદવર્તન કરવાનું જણાવ્યું, મીઠા શબ્દોથી મનુષ્યના સંંબંધો વિકસતા રહે છે. માનવી આ ફાની દુનિયા છોડી જાય ત્યારે એણે વદેલા (બોલેલા) સારા શબ્દો લોકો વાગોળતા જ રહે છે.
“પીર પીર કુરો કર્યો’ તા, નાંય પીરેજી ખાણ
પંજ ઇન્દ્રિયુ વસ કર્યો ત પીર થીંઓ પાણ.
અર્થાત્ પીર જન્મતા નથી, પીરોની કોઇ ખાણ નથી કે જેમાંથી પીર નીકળે, પરંતુ કોઇ પણ માનવી પોતાની પાંચેય ઇન્દ્રિયોને વશમાં રાખે તો પીર કે પછી યોગી બની શકે.
આવી અનેક એકથી એક ચઢિયાતી ઉક્તિઓ કહી છે. અને જે આજે પણ પ્રેરણાદાયી છે. અને હાલના સમયમાં પણ પ્રસ્તુત છે.
સાંસારિક જીવનનો ત્યાગ કરી ગિરનારમાં ઉગ્ર તપસ્યા આદરી માત્ર કંદમૂળ અને ઝરણાના પાણી પર દેહ નિભાવ કરતા હતા, ગિરનારની પરિક્રમા સમય તેમને ગુરુ દત્તાત્રેએ કાવડ આપી. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ આપતા રહે તેવા આશીર્વાદ આપ્યા હતા, તેમને કાવડવાળા કાપડીની ઉપમા મળી હતી.
આમ કચ્છના આ અમર સંતે સંવત ૧૭૮૬માં આસો વદ-૧૪ના દિવસે ધ્રંગ
ખાતે સમાધિ લીધી ને જીવનલીલા સંકેલી લીધી. દાદાની સમાધિ સામે જેમણે
મુસ્લિમ ધર્મ સ્વીકારેલો તે પીર પતંગ શાહના ફલોર. દાદાની સાથે સમાધિ લેનાર
સાથીઓમાં આહિરાણી લીરબાઇ, સાધુ સુંદરદાસ, જોષી પ્રેમજી મહારાજ, ઠકરાણા પ્રેમાબા, કથળ સુથાર, આહીર વીધો, પ્રોમાબા જાડા, ખોઅરજી રાજપૂત, તુંબર વાઘોજી, રામદે પક્ષેત્રા, મોકાના રાજપૂત, દશનામી સંત માયા ગિરિજાએ એમની
સાથે જીવતે સમાધિ લીધી હતી. દાદાના અખાડાની બરાર લાલિયા-મોતિયાની પણ સમાધિ આવેલી છે.
દાદા મેકરણે કુલ ચાર જગ્યાએ ઘૂણા ધખાવ્યા હતા. તેઓ એક જગ્યાએ બાર વરસ સુધી રહેતા બારમું વરસ પૂરું થાય એટલે ત્યાંથી જી નામ કહીને ઊભા થઇ જતા, એમણે પહેલો ધૂણો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે શરભંગ, ઋષીનો આશ્રમ પરબ વાવડીમાં જે પાછળથી સત દેવીદાસ બાપુએ ફરીથી પેટાવ્યો.
બીજો ધૂણો ભચાઉ તાલુકાના જંગી ગામે,
ત્રીજો ધૂણો લોડાઇ ગામે…
તથા ચોથો ધૂણો ધ્રંગ ગામે… જયાં દાદાની સમાધિ આવેલી છે.
જી નામનો અર્થ: એવો છે કે માત્ર માનવ, પંખી, જાનવર તમામ શરીરધારી, કોઇપણ રૂપધારી આત્માઓ પછી તે માનવ હોય કે પશુ હોય તેના શરીરના અંગોના જુદા જુદા નામ છે. હાથ, પગ, વાળ, નખ. પણ તેમાં જીવ છે. તે જીનામ છે. જેનું નામ જીનામ આવો બોલો,જીનામ તે તેનો ઉત્તર જીવો રામ જીવો રામ.
આ ભક્તિધામમાં દર્શનાથ હિન્દુ-મુસ્લિમ સૌ કોઇ આવે છે. અને પાવન થાય છે.
સંપૂર્ણ….

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.