સંત ગુલાબદાસ મહારાજ

ઉત્સવ

ઈતિહાસ પાછળનો ઈતિહાસ -પ્રફુલ શાહ

સંત ગુલાબદાસ મહારાજ. મૂળ વિદર્ભના અમરાવતી નજીકના ગામના પણ ગુજરાતના ઝિંઝુવાડા સાથે આશ્ર્ચર્ય પામી જવાય એનો સંબંધ. એમના વિશે અહીં લખવાનું કારણ એ કે સંત ગુલાબરાવે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં નાની ઉંમરમાં વિવિધ વિષયો પર છ હજારથી વધુ પાનામાં સમાય એવા ૧૩૯ પુસ્તકો લખ્યા.
તદ્ઉપરાંત ૧૩૦ નીરિક્ષણ અને ૨૫
હજાર જેટલાં છંદ પણ. એ બધા પુસ્તકોય પાછા સંસ્કૃત, મરાઠી, હિન્દી, ફારસી અને અરબી ભાષામાં! આના અનન્ય સર્જક સંત વિશે જાણવું જ પડે ને!
મહારાષ્ટ્રના અમરાવતી શહેરથી ૧૩ માઇલ દૂર આવેલા લોણી ટાકળી નામના નાનકડા ગામમાં અષાઢ સુદ દશમે એમનો જન્મ.
તારીખ છ જુલાઇ, ૧૮૯૧ના રોજ ગોદુજી અને આલોકાબાઇના કુણબી (કણબી)
પરિવારમાં જન્મ. આ લોણી ટાકળી એટલે
મામાનું ઘર, મોસાળ એમનું પોતાનું ગામ માધાન. સંતનું બાળપણનું મૂળ નામ ગુલાબરાવ ગોદુજી મોહોડ.
પણ આ બાળકનું નસીબ કંઇક અવળચંડુ.
માત્ર નવ મહિનાની ઉંમરે કોઇક ખોટી દવા આપવાથી ગુલાબરાવે બન્ને આંખની જયોતિ ગુમાવી દીધી.
આ ઉપાધિ ઓછી હોય એમ ચાર વર્ષના થયા, ત્યાં માતાની છત્રછાયા કાયમ માટે ગુમાવી બેઠા. મા વગરના ગુલાબરાવ માધાનથી ફરી મોસાળ આવ્યા.
નાનીમા સાવિત્રીબાઇ એમને લોણી ટાકળી લઇ આવ્યા. ગુલાબરાવ તેમને ‘બાઇ’ અર્થાત્ ‘બહેન’ (હા, વિદર્ભમાં બહેનને બાઇ કહેવાય) કહીને સંબોધે. આ સાવિત્રીબાઇના પ્રેમ, કાળજી અને હૂંફના સથવારે ગુલાબરાવ મોટા થવા માંડ્યા. આખા લોણી ટાકળી ગામ માટે ગુલાબરાવ એટલે ‘ગુલ્લ્યો.’
પણ ગુલાબરાવના હસ્તરેખામાં જાણે શાંતિ-સુખનો દુકાળ. ગુલાબરાવ કંઇક કરતા
હતા. ખાટલાની ચાદર પર તેલનો દીવો કર્યો. સખારામ મામાની પત્નીને ડર લાગ્યો કે કયાંક ચાદર સળગી ઊઠી તો? તેમણે સખારામ પર હાથ ઉપાડયો.
આ જોઇને મામા તરત જ મામીને વઢયા. નાનકડા ગુલાબરાવે મામીને વિનવણી કરી કે મને મારો નહીં, માત્ર ઢોળાયેલું. તેલ જ બળશે પણ ચાદરને કંઇ નહીં થાય.
અને ખરેખર એવું જ થયું! ગુલાબરાવને નામે નોંધાયેલો આ પહેલોવહેલો ચમત્કાર. એટલું જ નહીં, નાનીમાને ઘરે ગર્ભવતી સ્ત્રી આવે, ત્યારે તેઓ કહેતા કે દીકરો થશે કે દીકરી, અને એ સાચું પણ પડે.
આની સાથોસાથ ગુલાબરાવમાં આંતરદૃષ્ટી ખીલવા માંડી હતી. દૃષ્ટી ન હોવાથી બિચારા બનીને બેસી રહેવામાં રસ નહોતો. બાળપણથી જ શ્રીકૃષ્ણના પરમ ભક્ત બની ચૂકેલા આ કિશોરમાં ઘણી વિશિષ્ટતા.
કોઇ પણ સ્ત્રીના હાથની બંગડી કે પગના ઝાંઝરના અવાજ પરથી ઓળખી જાય કે કોણ આવ્યું છે? આગંતુકનું નામ સુદ્ધાં કહે, સાવ સાચું. તેઓ જે મળે એની પાસે પુસ્તક, મોટે ભાગે ધર્મંગ્રંથ વંચાવે.
વાચનારને ખૂબ માન આપે. ગુરુપદે સ્થાપે અને યથાશક્તિ ગુરુદક્ષિણા આપે. એમના આવા
ગુરુમાં રામચંદ્ર, તુકારામ મોહોડ, બલીરામ, યાદવ ઠાકુર અને વિશ્રામ મોહોડ ખરા. એક ગુરુ
કેશવરાવ પાંડેને શાલ આપી, તો બીજા ગુરુ પાંડુરંગને હાથમાંનું ચાંદીનું કડું ગુરુદક્ષિણામાં આપી દીધું હતું.
ગુલાબરાવના સગાંસંબંધી મહાનુભાવ પંથના અનુયાયી. આ લોકો શ્રીકૃષ્ણને જ ભગવાન માને છે. આમ છતાં ગુલાબરાવનો ઝુકાવ વૈદિક ધર્મ ભણી ખરો.
એક વખત ગુલાબરાવને થયું કે પ્રભુને પુરણપોળીનો નૈવેદ્ય ધરાવું, પરંતુ એ ઇચ્છા પૂરી ન થઇ. સાથોસાથ ગામના પાટીલે એમને લાત મારી.
આ ઘટનાથી દેવનું અપમાન થયાનું માનીને તેમણે ઘર ત્યજી દીધું. હવે ક્યારેક ઝાડીઝાંખરામાં રહે કે ક્યારેક કોઇના ઓટલા પર પડ્યા રહે.
(ક્રમશ:)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.