એકનાથ શિંદેની કાંધ પર બંદૂક રાખી મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાનો દાવ, સંજય રાઉતનો ગંભીર આક્ષેપ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શિવસેનાના નેતા સંજય રાઉતે ફરી એક વાર ભાજપ પર મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ભાજપને મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવું છે. એમ કરીને મુંબઇનું મહત્વ ઓછું કરવું છે. એ માટે તેમણે શિંદેના કાંધા પર બંદૂક રાખી દીધી છે. શિંદેએ સ્પષ્ટપણે રાજ્યની જનતાને જણાવવું જોઇએ કે મુંબઇ પર તો શિવસેનાનો જ ભગવો રહેશે, પણ નહીં… તેમને શિવસેનાને પરાસ્ત કરવા માટે જ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે અને પ્રધાન મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જનતાને સામે બધું ધીમે ધીમે સ્પષ્ટ થશે.
શિંદે સમર્થકો દ્વારા પોસ્ટર પર શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ફોટો લગાવવામાં આવે છે, એ અંગે પણ પ્રતિક્રિયા આપતા રાઉતે જણાવ્યું હતું કે લોકોની આંખમાં ધૂળ નાખવા માટે આવું કરવામાં આવે છે. ઉદ્ધવ ઠાકરે સ્પષ્ટપણે જણાવી ચૂક્યા છે કે શિંદે શિવસેનાના મુખ્ય પ્રધાન નથી. ઉદ્ધવ ઠાકરેના કહેવા છતાં પણ શિંદે જૂથના લોકો આમ કરી રહ્યા છે તો તેમના મનમાં કંઇક ખોટું કર્યું હોવાનો વસવસો હોવો જોઇએ. આપણે કંઇ ખોટું કર્યું છે, આપણે ગુનો કર્યો છે. આપણા પોતાના નેતાને જ આપણે ફસાવ્યા છે, આપણે આપણી શિવસેનાને ફસાવી છે, એવી લાગણી તેમના મનમાં જાગતી હશે. એટલે જ તેઓ આમ કરી રહ્યા છે. લોકોને ભ્રમિત કરવાની ભાજપની સ્ટ્રેટેજી જ છે. આવી જ રીતે શિવસેનાનું બળવાખોર જૂથ લોકોને ભ્રમિત કરી રહ્યું છે, પણ લોકોને બધી ખબર છે, એમ રાઉતે કહ્યું હતું.
ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપતા પોસ્ટરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો ફોટો ગાયબ હતો. આ અંગે રાઉતને પૂછવામાં આવતા તેમણે આ ભાજપનો અંગત મામલો છે, એમ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.