સંજય રાઉતનો શિંદે અને ભાજપ પર હલ્લા બોલ! સત્તાના નશામાં ભાન ભૂલ્યા શિંદે, ભાજપના કાવતરાને કારણે લોકતંત્રનો બની રહ્યો છે મજાક

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે 12 સાંસદને શિંદે જૂથમાં સામેલ થવાની જાહેરાત કરવા માટે આજે સવારે એટલે કે મંગળવારે દિલ્હી પહોંચ્યા છે અને આ દરમિયાન સંજય રાઉતે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત છે. વિદર્ભ અને મરાઠવાડાના લોકો સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને મુખ્ય પ્રધાન સરકાર બચાવવા માટે દિલ્હી પહોંચ્યા છે. અત્યાર સુધી શિવસેનાના કોઈ પણ મુખ્ય પ્રધાન દિલ્હીની શરણમાં ગયા નથી. તેમને મળવા દો, એ લોકો સ્વતંત્ર છે. તેમનું પોતાનું સ્વતંત્ર જૂથ છે. આ લોકોનો શિવસેના સાથે કોઈ સંબંધ નથી. તેઓ એવો દાવો પણ કરી શકે છે કે તેમની પાસે 12 નહીં 18 સાંસદ છે. આવતી કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે તેથી તેઓ ગભરાઈ ગયા છે. આ કાર્યવાહીથી બચવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ શિવસેના ખાલી વિધાનસભ્યો અને સાંસદોથી નહીં હજારો લાખો શિવસૈનિકોથી બની છે.
સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, આવતી કાલે તેઓ શિવસેના ભવન અને માતોશ્રી (ઉદ્ધવ ઠાકરેનું ખાનગી નિવાસસ્થાન) પર પણ દાવાઓ કરી શકે છે. કહેવાની વાત આવે તો એમ પણ કહી શકે છે કે બાળાસાહેબ ઠાકરેનો શિવસેના સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તેમને એ યાદ રાખવું જોઈતું હતું કે આજે જે કંઈ પણ છે કે બાળાસાહેબ ઠાકરેની શિવસેનાને કારણે છે.
શિંદે પર વધુ આકરા પ્રહાર કરતાં રાઉતે જણાવ્યું હતું કે, શિવસેનાના નામ પર તેઓ ચૂંટાઈને આવ્યા છે. અલગ જૂથ બનાવ્યું એ તો ઠીક, પરંતુ બાળાસાહેબ ઠાકરે દ્વારા આપવામાં આવેલા પક્ષના નામનો ઉપયોગ ન કરવો જોઈએ, બાકી જે મરજી કરે. તેમના જૂથને બંધારણીય માન્યતા નથી. સત્તાના નશામાં રહેલી વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. નશામાં રહેવા દો. આવતી કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે અને અમને ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસો છે. અમિત શાહનું દબાણ અમારા પર પણ હતું, પરંતુ અમે એ જ માર્ગે ગયા જે અમને યોગ્ય લાગ્યો. બધાના ઘરોની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બધાને ડર લાગી રહ્યો છે. આ ભાજપનું કાવતરું છે, લોકતંત્રનો મજાક બની રહ્યો છે.
સંજય રાઉતે કહ્યું કે ભાજપ નેતાઓ ખુલ્લેઆમ કહેતા ફરે છે કે મહારાષ્ટ્રને ત્રણ ભાગમાં વિભાજિત કરવું છે, પણ શિવસેના આ કામને પૂરું થવા નથી દેતી, એટલે શિવસેનાને ખંડિત કરવાનું ષડયંત્ર બનાવવામાં આવ્યું, પરંતુ અમે તેને સફળ થવા નહીં દઈએ. બળવાખોર સાંસદોના જે નામ હું લિસ્ટમાં જોઈ રહ્યો છું તેમને વિવિધ પ્રકારની મુશ્કેલીઓથી માતોશ્રીએ બચાવ્યા છે. તેમનું માન સમ્માન કાયમ કાયમ રહે તે માટે બનતી તમામ મદદ કરવામાં આવી છે. એ લોકો જો આવા પગલાં ભરે તો દુખ થાય છે. જોકે, આ સમય પણ જતો રહેશે અને શિવસેના આ સંકટનો સામનો કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.