મુંબઈઃ રાજ્યના સત્તા સંઘર્ષની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે અને આ સુનાવણી અંતિમ તબક્કામાં હોવાનું અત્યારે તો લાગી રહ્યું છે. બંને પક્ષ દ્વારા યુક્તિવાદ ચાલી રહ્યો છે અને પાંચ ન્યાયમૂર્તિની બેન્ચ સમક્ષ આ સુનાવણી ચાલી રહી છે. સતત ત્રીજા દિવસે હજી સુનાવણી ચાલી રહી છે ત્યાં ઠાકરે જૂથના સંજય રાઉતે પોતાની સંજય દ્રષ્ટિનો ઉપયોગ કરીને કોર્ટના ચૂકાદા બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં પણ સંજય રાઉતના આ નિવેદનને પગલે રાજકીય વર્તુળોમાં બધાની આંખો પહોળી થઈ ગઈ છે.
શિવસેના નામ અને પક્ષનું ચિહ્ન સીએમ એકનાથ શિંદેને આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ ચૂકાદો આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચના આ નિર્ણયના વિરોધમાં ઉદ્ધવ ઠાકરેના વકીલ સુપ્રીમ કોર્ટમાં ગયા છે અટલે ચિન્હ અને પક્ષનું નામ ફરી પોતાને પાછું મળશે એવી આશા ઠાકરે જૂથને છે.
દરમિયાન રાજ્યના સત્તાંતર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહીછે, જેમાં ગઈ કાલે જ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે હવે સુપ્રીમ કોર્ટ જ એક માત્ર આશાનું કિરણ છે. એવામાં સંજય રાઉતે કેન્દ્રિય ચૂંટણી પંચનો ચુકાદો વિરોધમાં જશે, એવી માહિતી હોવાની પ્રતિક્રિયા આપી હતી અને હવે રાઉતે એનાથી પણ આગળ જઈને ખળભળાટ મચાવે એવી પ્રતિક્રિયા આપી છે.
પ્રસાર માધ્યમને આપવામાં આવેલી એક મુલાકાતમાં સંજય રાઉતે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો અમારા વિરુદ્ધ જ આવશે એવું માનીને અમે આગળ ચાલી રહ્યા છીએ. અમે લોકો લડવૈયા છીએ, એટલે અમે આવા ચૂકાદાથી ડરતા નથી. ચિન્હ અને પક્ષનું નામ ભલે જાય, પણ અમારી પાસે ઠાકરે બ્રાન્ડ છે. આ બ્રાન્ડને આધારે અમે ચૂંટણી લડીશું, એવું રાઉતે વધુમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત રાઉતે અંધેરીની પેટા ચૂંટણીનું ઉદાહરણ પણ આપ્યું હતું. પક્ષનું નામ બદલાયું, ચિન્હ બદલાયું એના પર અમે ચૂંટણી લડ્યા અને જિત્યા પણ ખરા. એટલે અમે લોકો લડી લેનારા લોકો છીએ, આવા ચૂકાદાઓ અમને ડરાવી નહીં શકે. જમાનો સોશિયલ મીડિયાનો છે એટલે પક્ષનું નામ અને ચિન્હ લોકો સુધી પહોંચવામાં સમય લાગતો નથી. હવે જોવાની વાત એ છે કે સંજય રાઉતના આ નિવેદનથી રાજકારણમાં કેવો અને કેટલો મોટો ભૂકંપ આવે છે.
સંજય રાઉતની “સંજય દ્રષ્ટિ”: ન્યાયવ્યવસ્થા બાબતે કરી દીધું આવું ચોંકાવનારું નિવેદન
RELATED ARTICLES