(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત શુક્રવારે એનસીપીસુપ્રીમો શરદ પવારને મળવા ગયા હતા. ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલના વિવાદને મુદ્દે મહારાષ્ટ્ર બંધની હાકલ કરી છે તેને પગલે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્યારની રાજકીય પરિસ્થિતિ પર સંજય રાઉતે પવાર સાથે ચર્ચા કરી હતી.
સંજય રાઉતે બેઠક બાદ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહાવિકાસ આઘાડી વતી જણાવ્યું હતું કે આપણે બધા જ મહારાષ્ટ્રના સ્વાભિમાન માટે ઊભા છીએ. અત્યારે રાજ્યની અને સમયની આવશ્યકતા છે. સતત મહારાષ્ટ્રનું અપમાન થઈ રહ્યું છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાને સીમા વિવાદને મુદ્દે રાજ્ય સરકાર સામે જંગ માંડ્યો છે. આવી જ રીતે રાજયપાલ ભગતસિંહ કોશ્યારી અને ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું છે. આ બધાની સામે એકઠા થઈને આપણું પાણી દેખાડવાનો સમય આવી ગયો છે એવું ઉદ્ધવ ઠાકરેનું વલણ છેે અને તેના પર શરદ પવારની સાથે ચર્ચા કરવામાં આવી હતી. મહાવિકાસ આઘાડી તરીકે બધા એક છીએ એમ પણ રાઉતે કહ્યું હતું.