શું છે પતરા ચાલ કેસ, રૂ. 1034 કરોડનું કૌભાંડ, આ કેસના તાર સંજય રાઉત સાથે કેવી રીતે જોડાયેલા છે તે જાણો…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના પીએમસી બેંક કૌભાંડમાં એચડીઆઇએલની તપાસ થઈ હતી. સારંગ અને રાકેશ વાધવાન તથા પ્રવિણ રાઉત એચડીઆઇએલ કંપનીના ડિરેક્ટર હતા. તેઓ PMC બેંક કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી છે. એચડીઆઈએલની તપાસમાં પ્રવીણ રાઉતના વ્યવહારો બહાર આવ્યા હતા. પ્રવીણ રાઉતના વ્યવહારોની તપાસમાંથી પતરાચાલ કમ્પાઉન્ડનો ફણગો ફૂટ્યો હતો અને તેનો રેલો સંજય રાઉત સુધી પહોંચ્યો હતો.
મુંબઈના ગોરેગામ વિસ્તારમાં પતરા ચાલ આવેલી છે. પતરા ચાલ એ મહાડાનો પ્લોટ છે. ઇડીનો આરોપ છે કે સંજય રાઉતના નજીકના મનાતા પ્રવીણ રાઉતની ગુરુઆશિષ કન્સ્ટ્રક્શન કંપનીને આ ચાલના રિડેવલપમેન્ટનું કામ સોંપવામાં આવ્યું હતું અને તેમાં તેણે કૌભાંડ કરેલું છે. પ્રવીણ રાઉતની કંપની ગુરુઆશિષ કન્સ્ટ્રક્શને પતરાચાલના 3000 ફ્લેટનું બાંધકામ કરવાનું હતું જેમાંથી 672 ફ્લેટ અહીંના મૂળ રહેવાસીઓને આપવાના હતા જ્યારે બાકીના ફ્લેટ મ્હાડા અને બિલ્ડર વેચી લેવાના હતા. પરંતુ તેમના પર આરોપ છે કે ગુરુઆશિષ કન્સ્ટ્રક્શને ત્યાં કોઈ વિકાસ નથી કર્યો અને ન તો એકપણ ફ્લેટ મ્હાડાને આપ્યો. તેના બદલે તેમણે આખી જમીન અને FSI 8 બિલ્ડરને રૂ. 1034 કરોડમાં વેચી દીધી. ગુરુઆશિષ કન્સ્ટ્રક્શન કંપની HDILની સિસ્ટર કંપની છે.
આ ઉપરાંત મેડોઝ નામનો પ્રોજેક્ટ શરૂ કરીને પ્રવીણે 138 કરોડ રૂપિયા જમા કર્યા હતા. મહાડાના એન્જિનિયરે ફરિયાદ કર્યા બાદ મેડોઝ કંપનીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં માં 1039.79 કરોડ રૂપિયાનો ગોટાળો બહાર આવ્યો હતો. આમાંથી 100 કરોડ પ્રવીણ રાઉતના એકાઉન્ટમાં જમા થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ રકમમાંથી કેટલીક રકમ પ્રવીણ રાઉતે તેના સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. પ્રવીણ રાઉતની પત્ની માધુરી રાઉતના ખાતામાંથી 2010માં સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં 55 લાખ રૂપિયા લોન પેટે જમા કરાવવામાં આવ્યા હતા. આ પૈસા માંથી સંજય રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદો હોવાનો આરોપ છે. પ્રવીણ રાઉતના અલીબાગના આઠ પ્લોટ અને વર્ષા રાઉતનો ફ્લેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રવીણ રાઉતની નવ કરોડની અને વર્ષા રાઉતની બે કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
ઇડીનું માનવું છે કે પ્રવીણ રાઉત તો માત્ર એક મ્હોરા તરીકે કામ કરી રહ્યો છે. તેની કેટલાક રાજકીય વગ ધરાવતા પ્રભાવશાળી લોકો સાથે મિલીભગત છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.