શાનદાર વિદાય: પોતાની ટેનિસ ખેલાડી તરીકેની ભવ્ય યાત્રાના સમાપન પ્રસંગે, એક યુગના અંત સાથે નવા યુગની શરૂઆત સમાન માતા-પુત્રની જોડીએ શુભેચ્છકો-ચાહકોના સદ્ભાવ- અભિનંદનની સ્નેહવર્ષા સહર્ષ સ્વીકારી હતી.
હૈદરાબાદ: ભારતની મહાન મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ રવિવારે તે જગ્યાએથી ખેલાડી તરીકેની તેની ઐતિહાસિક સફર સમાપ્ત કરી હતી જ્યાંથી તેણે આ સફરની શરૂઆત
કરી હતી.
રોહન બોપન્ના, યુવરાજ સિંહ અને તેની ‘બેસ્ટ ફ્રેન્ડ’ બેથાની મેટેક-સેન્ડ્સ સામેની એક્ઝિબિશન મેચોમાં રમતી સાનિયાએ આખરે લાલ બહાદુર ટેનિસ સ્ટેડિયમમાં તેની શાનદાર કારકિર્દીને વિદાય આપી હતી. સાનિયાએ અત્રે લગભગ બે દાયકા પહેલા ઠઝઅ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું.
કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજીજુ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સહિતની પ્રતિષ્ઠિત હસ્તીઓએ આ એક્ઝિબિશન મેચ નિહાળી હતી.
વિદાય સંબોધન કરતી વખતે ભાવુક સાનિયાએ કહ્યું કે ૨૦ વર્ષ સુધી દેશ માટે રમવું તેના માટે સૌથી મોટું
સન્માન છે.
આ પ્રસંગે છ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા (મહિલા ડબલ્સમાં ત્રણ અને મિક્સ ડબલ્સમાં સમાન નંબર)એ બે મિક્સ ડબલ્સ પ્રદર્શન મેચ રમી અને બંનેમાં જીત મેળવી હતી.
કેટલાક ચાહકો ‘યાદો માટે આભાર’ અને ‘અમે તમને યાદ કરીશું, સાનિયા’ લખેલા પ્લેકાર્ડ સાથે પહોંચ્યા હતા. તેણે મેચ પહેલા કહ્યું હતું કે, હું તમારા બધાની સામે મારી છેલ્લી મેચ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. રિજિજુ, જે અગાઉ કેન્દ્રીય રમતગમત પ્રધાન હતા, તેલંગાણાના પ્રધાન કેટી રામારાવ, અઝહરુદ્દીન અને યુવરાજ સ્થળ પર ઉપસ્થિત મહેમાનોમાં હતા.