Homeઈન્ટરવલખોટ ખાઈને પણ સંગત લાખેણાની જ કરવી

ખોટ ખાઈને પણ સંગત લાખેણાની જ કરવી

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

ચોવકો આમ તો કચ્છી લોકસાહિત્યનો જ એક પ્રકાર ગણી શકાય. જેમ દરેક બાબતમાં અપવાદ હોય છે તેવું ચોવકમાં પણ છે. હરેશ દરજી ‘કસભી’એ તેના ચોવક ગ્રંથમાં ટાંક્યું છે કે કોઈક મોટા રચનાકારની રચના કે તેનો એક નાનકડો હિસ્સો કાળક્રમે ચોવકનું સ્વરૂપ ધારણ કરે છે, જેમ કે સંત કબીરની આ આખી ચોવક બની ગઈ છે:
‘જા કા ગુરુ અંધાલા, ચેલા ખરા નિરન્ધ
અંધે અંધા ઠેલિયા, દોનું કૂપ પડન્ત!’
એવી જ રીતે સંત તુલસીદાસનો આ દુહો:
‘તુલસી હાથ ગરીબ કી, કભી ન ખાલી જાય,
મૂએ ઢોર કે ચામ સેં લોહા ભસ્મ હો જાય’
આ દુહાનો એક ભાગ ‘મૂએ ઢોર કે ચામ સેં લોહા ભસ્મ હો જાય’ એ કાળક્રમે ચોવકમાં બદલાઈ ગયો છે. ખેર!
એક અંગ્રેજી કહેવત યાદ આવે છે? ‘જૅક ઑફ ઑલ બટ માસ્ટર ઑફ નન’ એવા અર્થવાળી પણ કચ્છી ચોવક છે: ‘સોંય મેં શૂરો, સે મિણી મેં અધૂરો’ મતલબ કે જ્ઞાન બધી બાબતોનું હોય પણ એક પણ બાબતમાં નિપુણતા નહીં. ‘સોંય’ મેં શૂરો એટલે સો જેટલી બાબતનું જ્ઞાન ધરાવનાર. ‘મિણીમેં અધૂરો’ એટલે એકનું પણ પૂરું જ્ઞાન નહીં!
દરેક અલગ અલગ પ્રસંગે ચોવકને બંધ બેસતી કરવામાં આવે છે. દરેક બાબતનાં બે પાસાં હોય છે એવું કહેવા માટે કચ્છીમાં કહેવાય છે કે, ‘સિજ હિકડો ને પરછાઈયા, બ ‘સિજ’ એટલે સૂરજ. પરછાઈયા એટલે પડછાયા. અર્થ એવો થાય છે કે સૂરજ એક અને પડછાયા બે. કહેવું એમ જ છે કે, ‘એક જ ચીજના બે પાસાં’ હોય છે.
એક અત્યંત વ્યવહારુ ચોવક માણવા જેવી છે. ‘સવા લખ જે સોણેં કનાં રૂપિયો રોકડો ખાસો’ અર્થ એવો થાય છે કે, સવા લાખનાં સપનાં જોવા કરતાં એક રૂપિયો રોકડો સારો. ‘હાથે ઈ સાથે’ના અર્થમાં જ. સવા લાખનાં સપનાં ચલણ તરીકે વટાવી ન શકાય પણ એક રૂપિયો ખિસ્સામાં હોય તો ચણા-મમરા જરૂર મળે!
પરિસ્થિતિ સીમિત બતાવવા માટે કહેવાય છે કે, ‘બૂચડા બંધર, બ ઘર નેં ત્ર્યો જંધર’ બૂચડાનો અર્થ થાય છે બેવકૂફી, બંધર એટલે વાંદરો અને જંધર એટલે ઘંટી… અને ‘બ ઘર’ એટલે કે બે ઘર… ત્રણેય વસ્તુની મર્યાદા હોવી જરૂરી છે. કોઈની મોટપ જાળવી રાખવા માટે ‘મીંઢે મોંઘા નયો શેઠ’ એવી ચોવકનો ઉપયોગ થતો હોય છે. ‘મીંઢે’ એટલે ‘મિંડું’. કાં તો, શેઠની મૂડીમાંથી એક મિંડું ઓછું થયું હોય અને કાં તો, શેઠને પાછી આપવાની રકમમાં એક મિંડું ઉમેરવાનો પ્રસંગ આવે ત્યારે સામા માણસની, ‘શેઠ’ની મોટપ જાળવી રાખવા આ ચોવક વપરાતી હોય છે.
એવા ગુણિયલ માણસોને કોઈપણ કિંમતે માન અપાય. લાખેણા માણસની સોબતનીમ કદાચ નુકસાની પણ થાય તો તે જોવાય નહીં, હસતાં હસતાં સહન કરી લેવાય. એવા અર્થમાં કહેવાય છે કે, ‘લખ ડિઈ લિખવાર વ્યારી જેે’ જેનો સીધો અર્થ થાય છે કે, લાખ રૂપિયા ખર્ચીને પણ એવા માણસનું થોડીવાર પણ સાંનિધ્ય માણવામાં સરવાળે નુકસાન નથી જતુંં!
ઘણીવાર ગણતરીઓ ખોટી પડે છે ત્યારે ચોવક કહે છે: ‘સતે વીંયેં સો ને નવ વીંયેં હજાર’ અહીં ‘વીંયેં’ એટલે વીસે. સાત વીસે સો ને નવ વીસે હજાર! અર્થ છે કે, ગણતરીઓ ઊંધી પડવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -