મુંબઈઃ મનસેના નેતા સંદીપ દેશપાંડે પર ગઈકાલે સવારે અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલા માટે પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓને 9મી માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે.
શુક્રવારે સવારે શિવાજી પાર્ક ખાતે સંદીપ દેશપાંડે પર અજ્ઞાત આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતાના આધારે મુંબઈ પોલીસ દ્વારા બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે, પરંતુ પોલીસ આ મામલે વધુ તપાસ કરાઈ રહી છે.
મનસેના નેતા સંદીપ દેશપાંડે પર હુમલો કરવા માટે ધરપકડ કરાયેલા અશોર ખરાત એ એક હિસ્ટ્રીશિટર છે અને તેની સામે 13 ગુના નોંધવામાં આવ્યા છે. ગવળી ગેંગના એક જણની હત્યા કરવા પ્રકરણે ખરાત સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ખરાતની સામે મકોકા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાંડુપ પરિસરમાં ખરાત રાજકારણમાં ખૂબ જ એક્ટિવ છે અને બે વખત લોક જનશક્તિ નામની પાર્ટી તરફથી પાલિકાની ચૂંટણી પણ લડ્યો છે.
પરિસરમાં દહેશત નિર્માણ કરીને પોતાનો દબદબો કરવો એ આ હુમલા પાછળનો હેતુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું હોવા છતાં પણ આ એક રાજકીય ષડયંત્ર હોય એવી શક્યતાને નકારી શકાય એમ નથી.