‘હર ઘર તિરંગા’-કેટલો અને કેવી રીતે ખર્ચ કરી રહી છે સરકાર?

વીક એન્ડ

સાંપ્રત-અનંત મામતોરા

ભારતમાં હજી થોડા સમય પહેલાં જ સહુને પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવવાની આઝાદી મળી છે. તે પહેલા કાયદાની દૃષ્ટિએ ઘણા નિયંત્રણો હતા. પણ હવે પોતાનો વતનપ્રેમ પ્રગટ કરવા કોઈપણ સામાન્ય નાગરિક તિરંગાનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખીને આખું વર્ષ પોતાના ઘર ઉપર ફરકતો રાખી શકે છે. અત્યારે, જયારે આપણે આઝાદીના ૭૫ વર્ષનો ઉત્સવ માનવી રહ્યાં છીએ ત્યારે, આ ઉત્સવને ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ નામ અપાયું છે. આ પ્રસંગે ભારત સરકારે ‘હર ઘર તિરંગા’ ના અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત ૧૩થી ૧૫ ઑગસ્ટ દરમ્યાન દરેક ઘર પર તિરંગો લહેરાવવા વડા પ્રધાન મોદીએ આગ્રહ કર્યો છે. સરકાર મુજબ આ અભિયાનથી દરેક નાગરિકનો તિરંગા સાથે સંબંધ ગાઢ થશે, લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનશે.
અત્યારે રાષ્ટ્રઘ્વજ સાથે લોકોનો વ્યક્તિગત નહીં પણ ઔપચારિક અને સંસ્થાગત સંબંધ છે. ભારત સરકારને લાગે છે કે ‘હર ઘર તિરંગા’ અભિયાન બાદ આ સંબંધ વધુ વ્યક્તિગત બનશે.
હજી તો અભિયાનની ઘોષણા થઇ નથી, ત્યાં તેને લગતો વિવાદ પણ શરૂ થઇ ગયો છે.
પહેલો વિવાદ જમ્મુ-કાશ્મીરનો છે. ત્યાં બડગામ જિલ્લાના ઝોનલ એજ્યુકેશન ઑફિસર તરફથી ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે, જેને લઈને ત્યાંના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.
પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ ટ્વીટ કરતાં લખ્યું કે, “દુર્ભાગ્યપૂર્ણ છે કે તિરંગો ફરકાવવાનો આદેશ અધિકારીએ બહાર પાડ્યો અને ભોગવવું નીચલી કક્ષાના અધિકારીઓને પડે છે. બધાની જાણ માટે આ એ સરકારી આદેશ છે જેમાં બાળકો માટે હર ઘર તિરંગા અંતર્ગત રાષ્ટ્રીયધ્વજ ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મહેબુબા મુફ્તીના આ ટ્વીટથી હર ઘર તિરંગાના ખર્ચનો વિવાદ શરૂ થયો. કેન્દ્ર સરકારે લગભગ ૨૦ કરોડ ઘરો ઉપર તિરંગો લહેરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ક્ધફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (ઈઅઈંઝ) અનુસાર અત્યારે માત્ર ચાર કરોડ ઝંડા ઉપલબ્ધ છે. તેનો અર્થ એ કે બાકીની સંખ્યા માટે કેન્દ્ર અથવા રાજ્ય સરકારોએ પોતાના સ્તરે ઝંડા બનાવડાવીને વેચાણ સ્થળે પહોંચતા કરવા પડશે.
રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર પાસે પોતાને જોઈતી સંખ્યા મુજબ ઝંડાની માંગણી કરી શકે છે અથવા પોતાની રીતે વ્યવસ્થા કરી શકે છે. કેન્દ્ર સરકાર મુજબ ઝંડા ત્રણ સાઈઝમાં ઉપલબ્ધ હશે અને તેમની કિંમત અનુક્રમે રૂપિયા ૯, ૧૮ અને ૨૫ હશે. ઝંડા બનાવનાર કંપનીઓ શરૂઆતમાં રાજ્યો અને કેન્દ્ર સરકારને ઉધારમાં ઝંડા ઉપલબ્ધ કરાવશે. નાગરિકોએ પોતાના પૈસે ઝંડા ખરીદવા પડશે. લોકો ઈચ્છે તો જથ્થામાં ઝંડા ખરીદીને બીજાને ભેટ પણ આપી શકે છે. ‘કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી’ અંતર્ગત આમ કરી શકાય છે. પંચાયતો, દુકાનદારો, સ્કૂલ અને કોલેજોને આ અભિયાનમાં જોડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ૧ ઑગસ્ટથી પોસ્ટ ઑફિસમાં પણ ઝંડા મળવાના શરૂ થઇ જશે. ઝંડાની કિંમત જો ૧૦ રૂપિયા પણ ગણવામાં આવે તો ૨૦ કરોડને હિસાબે ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થાય. આ ૨૦૦ કરોડ ઝંડા ખરીદનાર પાસેથી જ આવશે. સ્વાભાવિક છે કે એટલા મોટાપાયે ઝંડા કોઈ બિઝનેસ હાઉસ નહીં બનાવતું હોય. આ માટે ઘણા સ્વયં સહાય ગ્રુપ, નાના અને માધ્યમ ઉદ્યોગો અને બિઝનેસ હાઉસને ટેન્ડર આપવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ માત્રામાં લોકો માટે ઉપલબ્ધ થઇ શકે.
રાજસ્થાનના ઉદાહરણથી આ પૂર્ણ અભિયાનને સમજવા પ્રયત્ન કરીએ.-
રાજસ્થાન સરકારે એક કરોડ ઘરોમાં ધ્વજ ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે, તેમાંથી ૭૦ લાખ ઝંડા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે. બાકીના ૩૦ લાખ ધ્વજની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. રાજસ્થાને ૭૦ લાખ સાત ડિવિઝનમાં માંગ્યા છે. પણ આ પ્રક્રિયામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સમસ્યાઓ સામે આવી રહી છે. સમસ્યા એ કે, દસ રૂપિયામાં ઝંડો, ડંડો અને લાવવા-લઇ જવાનો ખર્ચ પણ શામેલ છે. કેટલીક કંપનીઓ માટે આ કિંમત બહું ઓછી છે માટે કેન્દ્ર સરકાર રાજ્યોને માત્ર ધ્વજ ઉપલબ્ધ કરાવશે અને તે પણ રાજ્યની કેટલીક જગ્યાઓ ઉપર, બધા જિલ્લાઓમાં નહીં.
બીજી સમસ્યા ચુકવણીની છે. કેટલીક રાજ્ય સરકારો દ્વારા ચૂકવણી ઝંડા વેચાય પછી કરવાની વાત છે. તેવામાં કંપનીઓને ડર છે કે જો બધા ઝંડા ન વેચાય તો ચુકવણીનું શું થશે?
રાજકારણમાં જેમ હંમેશ થાય છે તેમ, ટીએમસી નેતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકેત ગોખલે દ્વારા આ સમગ્ર અભિયાનને એક ‘સ્કેમ’ કહી દેવામાં આવ્યું છે! એક પછી એક, ચાર ટ્વીટમાં તેમણે આ અભિયાનને મોદી સરકારની ઉદ્યોગ ગૃહો સાથેની સાંઠગાંઠ કહી છે અને એમ પણ કહ્યું કે તેને માટે સરકારે ઇન્ડિયન ફ્લેગ કોડમાં ફેરફાર પણ કર્યા છે.
ઇન્ડિયન ફ્લેગ કોડ ૨૦૦૨ મુજબ રાષ્ટ્રીયધ્વજ માત્ર હાથેથી વણેલા અથવા હાથેથી વણેલા કાપડની સામગ્રીમાંથી જ બનાવી શકાય માટે ઓછા સમયમાં મોટી સંખ્યામાં ધ્વજ બનાવવા આસાન નથી. પાછલા ડિસેમ્બર માસમાં ફ્લેગ કોડમાં બદલાવ કરવામાં આવ્યો. આ બદલાવ અનુસાર હવે રાષ્ટ્રીય ધ્વજ હાથેથી કાંતેલા, હાથેથી વણેલા અથવા મશીનથી બનાવેલા રેશમ, સુતરાઉ, પોલિયેસ્ટરના પણ હોઈ શકે. સાકેત ગોખલેનો દાવો છે કે પોલિયેસ્ટર કપડાના ભારતના સૌથી મોટા ઉત્પાદક આરઆઇએલ છે.
બીબીસી દ્વારા અપાયેલી જાણકારી મુજબ ભારતના અલગ-અલગ પ્રદેશોની અલગ-અલગ કાપડ મિલોને ધ્વજ બનાવવાનું કામ સોંપાયું છે, જેમાં સીધી રીતે આરઆઇએલનો સમાવેશ નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ જે કંપનીઓએ સમયસર ઝંડા બનાવી આપવા હા કહી છે, તેઓ કામ સમય પર પૂરું કરવા આગળ બીજા વેપારીઓને કૉન્ટ્રાકટ આપી રહ્યાં છે.
એટલુંજ નહીં એવો પણ વિવાદ શરૂ થયો છે કે આરએસએસ દ્વારા પોતાની ઑફિસમાં ક્યારેય ધ્વજવંદન નથી થયું તો અચાનક આવું ફરમાન કેમ? આસામના એઆઈયુડીએફના નેતા અમિનુલ ઇસ્લામ આ કારણસર, આ અભિયાનને મોદી સરકારનો ‘વિરોધાભાસ’ ગણાવી રહ્યા છે. અમિનુલ ઇસ્લામ કહે છે કે આખું અભિયાન જનતાના ખિસ્સામાંથી ૧૬ રૂપિયા કઢાવવાનું છે. તેમની માન્યતા મુજબ કોઈ પરિવાર ૧૬ રૂપિયા ખર્ચીને પોતાની દેશભક્તિ સાબિત ન કરી શકે. કૉંગ્રેસ નેતા જયરામ રમેશે પણ આ અભિયાનને ‘દંભ’ ગણાવીને ટ્વીટ કર્યું, “આ લોકો ખાદીમાંથી રાષ્ટ્રીય ધ્વજ બનાવનારાઓની આજીવિકા છીનવી રહ્યાં છે, જેને નહેરુએ ભારતની આઝાદીનો પોશાક કહ્યો હતો.
એક રિપોર્ટ મુજબ ફ્લેગ કોડમાં બદલાવ પછી હુબલીમાં ખાદીના ધ્વજ બનવતા યુનિટને ગયે વર્ષે ૯૦ લાખ ઝંડાનો ઓર્ડર મળ્યો હતો. જયારે આ વર્ષે માત્ર ૧૪ લાખ ઝંડાનો ઓર્ડર મળ્યો છે. ખાદીના ઝંડાની આ હાલત ત્યારે છે, જયારે વડા પ્રધાન મોદી ખાદીને પ્રોત્સાહન આપવા ઓછામાં ઓછું ખાદીનો એક રૂમાલ વાપરવાની સલાહ આપી ચૂક્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.