તમામો-નો-માયે: એક હજાર વર્ષ સુધી પથ્થરમાં કેદ થયેલો આત્મા જ્યારે નાસી છૂટ્યો…

વીક એન્ડ

ભાત ભાત કે લોગ-જ્વલંત નાયક

માર્ચ, ૨૦૨૨માં જાપાની ભાષામાં થયેલા એક ટ્વિટને કારણે સોશિયલ મીડિયા પર ખાસ્સી ચર્ચાઓ જાગેલી. ટ્વિટર પર જાપાનના કોઈ એક યુઝરે એક આદમકદના તૂટેલા પથ્થરનો ફોટો પોસ્ટ કરીને લખ્યું: ‘હું અહીં કિલર સ્ટોન’ તરીકે ઓળખાતા પથ્થર પાસે છું, જે તૂટી ચૂક્યો છે અને એમાં જે નવ પૂંછડીવાળા શિયાળનો દુષ્ટ આત્મા કેદ હતો, એ હવે મુક્ત થઈ ગયો છે! પત્યું. ભૂતકાળમાં કોઈક રીતે પથ્થરમાં કેદ કરાયેલો દુષ્ટ આત્મા જો પથ્થર ફાડીને મુક્ત થઈ જાય તો આપણે શું સમજવાનું? એ દુષ્ટ આત્મા હવે કાળો કેર વર્તાવશે એમ જને? જાપાનીઓ પણ સોશિયલ મીડિયા પર આવા જ તુક્કાઓ લડાવવા માંડ્યા.
જે પથ્થર તૂટ્યો, એ જાપાનીઝ ભાષામાં ‘સેશો-સેકી’ (Sessho seki) તરીકે જાણીતો છે, જેનો અર્થ થાય ‘કિલિંગ સ્ટોન’. જ્વાળામુખી ફાટવાથી અસ્તિત્વમાં આવેલા આ પથ્થરને ‘હત્યારા’નું બિરુદ શા માટે મળ્યું, એની પાછળ રસપ્રદ લોકકથા છે. આજથી એકાદ હજાર વર્ષ પહેલાં એક દુષ્ટ સ્ત્રીના આત્માને સેશો સેકી તરીકે ઓળખાતા આ પથ્થરમાં કેદ કરવામાં આવ્યો હતો. સેશો સેકીની ફરતે મુશ્કેટાટ દોરડું પણ બાંધવામાં આવ્યું હતું. અગમ્ય કારણોસર આ વર્ષના માર્ચ મહિનામાં આ સેશો સેકી પોતાની મેળે જ તૂટી ગયો. આથી જાપાનીઝ લોકોમાં એવી વાયકા ફેલાઈ ગઈ કે નક્કી પથ્થરમાં કેદ પેલો દુષ્ટ આત્મા નાસી છૂટ્યો છે!
પ્રજા ભારતની હોય કે જાપાનની કે પછી વિકસિત ગણાતા પશ્ર્ચિમી દેશોની… વાસ્તવિકતા એ છે કે પરાભૌતિક શક્તિઓની વાતમાં બધાને રસ પડે જ છે. આપણે ત્યાં બૌદ્ધિકોનો એક વર્ગ ભારતની પ્રજાને અંધશ્રદ્ધાળુ ઠરાવવાના પ્રયત્નોમાં લાગેલો રહે છે, પણ વાસ્તવિકતા એ છે કે દુનિયાની એક્કેય પ્રજા ભૂત-પિશાચ કે પછી દૈવી અને દુષ્ટ શક્તિઓની વાતોથી મુક્ત નથી. વૈશ્ર્વિક સાહિત્ય ઘોસ્ટ સ્ટોરીઝથી ભર્યું પડ્યું છે. જાપાનીઝ લોકોની ગણના વિશ્ર્વની સખત મહેનતુ પ્રજા તરીકે થાય છે, પણ આ લોકોય ભૂત-પિશાચની વાતો ભારે રસપૂર્વક માણે છે અને એટલે જ ‘તમામો-નો-માયે’ નામની એક દુષ્ટ સ્ત્રીના આત્મા વિશેની કથાઓ જાપાનમાં ભારે લોકપ્રિય છે. તમામો-નો-માયેના રહસ્યમયી પાત્રને કેન્દ્રમાં રાખીને જાપાનમાં અનેક વીડિયો ગેમ્સ પણ બનાવવામાં આવી છે. કોણ છે આ તમામો-નો-માયે?
હજારેક વર્ષ પહેલાં એક યુગલ ગાઢ જંગલો વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું. ત્યાં નાના બાળકના રડવાનો અવાજ એમના કાને પડ્યો. આજુબાજુ તપાસ કરતાં જોયું તો કોઈક ફૂલ જેવડી નાની અમસ્તી બાળકીને અડાબીડ જંગલમાં એકલી મૂકી ગયેલું. જંગલમાં દૂર સુધી બાળકીના વાલીવારસોનો કોઈ પત્તો લાગ્યો નહિ એટલે પેલું ભલુ દંપતી બાળકીને પોતાને ઘરે લઈ આવ્યું. બાળકી હવે આ યુગલના ઘરે જ ઊછરવા માંડી. યુગલે એને નામ આપ્યું તમામો-નો-માયે!
બાળકી જેમ જેમ મોટી થઈ તેમ તેમ પાલક માતા-પિતાને ખ્યાલ આવ્યો કે આ કોઈ સાધારણ બાળકી નથી. નાની ઉંમરથી જ એ ખૂબ વાંચતી અને દરેક બાબતમાં ચબરાકીભર્યો ઉત્તર આપીને સહુને ખુશ કરી દેતી. યુવાનીના ઉંબરે પહોંચેલી તમામો અત્યંત ખૂબસૂરત હતી. એની સુંદરતા અને ચબરાકીની વાતો ઊડતી ઊડતી રાજદરબારમાં પહોંચી. દરબારમાંથી તમામોના પાલક પિતાને તેડું આવ્યું કે તમારી દીકરીને રાજદરબારમાં મોકલો. રાજા એની હોશિયારી ચકાસવા માગે છે. તમામો જાણે આ જ મોકાની વાટ જોતી હતી. રાજા સમક્ષ હાજર થઈને એણે ચબરાકીભરી વાતો દ્વારા રાજાને પ્રભાવિત કર્યો. રાજાએ એને પોતાના દરબારમાં સ્થાન આપ્યું.
અહીં સુધીની કથા તમને સાવ ચવાયેલી લાગશે, કેમ કે ભારતમાં અકબર-બિરબલ કે પછી તેનાલીરામા-મહારાજા કૃષ્ણદેવરાય જેવાં અનેક પાત્રો દ્વારા આ પ્રકારની કથાઓ પુનરાવર્તિત થતી રહી છે, જેમાં કોઈ આગવી કોઠાસૂઝ ધરાવનાર વ્યક્તિને રાજા પોતાના દરબારમાં સ્થાન આપે અને પછી સહુ ખાઈ-પીને રાજ કરે, પણ તમામો-નો-માયેના કિસ્સામાં ખાઈ-પીને રાજ કરવાની નહિ, બલકે બધું તારાજ કરવાની વાત હતી.
તમામોને પોતાના દરબારમાં સ્થાન આપનાર રાજા હતો સમ્રાટ ટોબા. ટોબા તમામોની વાક્ચાતુરી અને હોશિયારીથી પ્રભાવિત થયો હતો, પણ તમામોની કાતિલ સુંદરતાએ ટોબાને વધુ પ્રભાવિત કર્યો હતો. દરબારમાં ઉપસ્થિત થતા અનેક પ્રશ્ર્નો અંગે તમામો પોતાના મંતવ્ય અને ઉપાયો આપતી. એ ખરેખર બુદ્ધિશાળી હતી. દરબારીઓ પણ એના ચાતુર્યના પ્રભાવમાં આવતા ગયા, પણ ટોબા અને તમામો વચ્ચે અલગ જ પ્રકારના સંબંધો આકાર લેવા માંડ્યા. થોડા જ સમયમાં રાજા પોતાની દરબારી એવી સુંદરીના ગાઢ પ્રેમમાં પડી ગયો. અહીં એક આડવાત, ટોબાને પહેલેથી જ ત્રણ પત્નીઓ હતી, પણ કહેવત છે કે પ્યાર અંધા હોતા હૈ! અને આ તો પાછો રાજાનો પ્રેમ! રાજાએ ક્યાં ઝાઝું વિચારવાનું હોય?! એને મન તો રાજાને ગમી એ રાણી!
બસ, સમ્રાટ ટોબાએ પણ આવી જ ભૂલ કરી! એક સામાન્ય દંપતીને જંગલમાં મળી આવેલી કોઈ ક્ધયા આટલી હોશિયાર અને સુંદરતાની મૂર્તિ સમાન કઈ રીતે હોઈ શકે, એ વિષે રાજાના મનમાં શંકા પેદા થવી જોઈતી હતી! એના બદલે રાજા તો જાણે ધીમે ધીમે તમામોને તાંતણે બંધાતા ગયા! સમ્રાટ ટોબા દિવસનો વધુ ને વધુ સમય તમામો સાથે પસાર કરતો. એમાં એક સમય એવો આવ્યો કે રાજાની તબિયત અગમ્ય કારણોસર લથડવા માંડી. અનેક વૈદોએ જાત જાતના ઉપચાર કર્યા, પણ રાજાની તબિયતમાં કોઈ સુધારો ન થયો. એક સમય તો એવો આવ્યો કે સમ્રાટ લગભગ પથારીવશ થઈ ગયો. તમામ દરબારીઓ રાજાના દુખે દુખી હતા, માત્ર એકને છોડીને! દરબારમાં માત્ર એક જ વ્યક્તિ એવી હતી, જેના પર રાજાની વધતી જતી માંદગીની કોઈ અસર નહોતી દેખાતી. આ વ્યક્તિ એટલે રાજાની પ્રેયસી તરીકે સ્થાપિત થઈ ગયેલી તમામો-નો-માયે! આખો દરબાર રાજાના પ્રેમપ્રકરણ અંગે જાણતો હતો. રાજા મરણપથારીએ પહોંચી ગયો હોવા છતાં તમામોના ચહેરા પર ચિંતાની લકીર સુધ્ધાં જણાતી નહોતી, એ બાબતનું સહુને ભારે આશ્ર્ચર્ય થયું. આખરે કેટલાક અનુભવી દરબારીઓએ આખા મામલામાં ઊંડા ઊતરવાનું નક્કી કર્યું.
આ દરબારીઓએ આબે નો યાસુચિકા નામની એક ગૂઢવાદી વ્યક્તિને રાજાની સારવાર માટે બોલાવી. યાસુચિકાએ કોઈ ગૂઢ વિધિઓ કરીને જાણ્યું કે સમ્રાટને કોઈ જ શારીરિક તકલીફ નથી, પરંતુ તેઓ કોઈક દુષ્ટ આત્માના પ્રભાવ હેઠળ આવી ગયા છે. આ દુષ્ટ આત્મા એટલે કોણ? યાસુચિકાએ તાંત્રિક વિધિના પ્રતાપે ભાળ મેળવી કે આ દુષ્ટ આત્મા એટલે બીજું કોઈ નહિ, પણ રાજાની ખાસમખાસ દરબારી તથા પ્રેયસી તમામો-નો-માયે! ઘણાને યાસુચિકાની વાત પર ભરોસો ન બેઠો, આથી યાસુચિકાએ સમ્રાટ ટોબાના ઈલાજ માટે એક પવિત્ર વિધિ કરવાની ઘોષણા કરી. વિધિ સમયે તમામોને પણ હાજર રાખવામાં આવી. બધાના આશ્ર્ચર્ય વચ્ચે તમામોએ આ પવિત્ર વિધિમાં ભાગ લેવા માટે સ્પષ્ટ નનૈયો ભણી દીધો! પરંતુ દરબારીઓએ દબાણ કરતાં તમામોએ નાછૂટકે વિધિમાં બેસવું પડ્યું.
વિધિ શરૂ થઈ એના થોડા જ સમયમાં એક અજાયબ વાત બની. તમામોના શરીરમાંથી એક શિયાળને હોય એવી પૂંછડી ફૂટી નીકળી!! આ તો હજી શરૂઆત હતી… દરબારીઓ આઘાતથી જોતા જ રહ્યા અને તમામોની કમરમાંથી એક પછી એક નવ પૂંછડીઓ ફૂટી નીકળી! સાથે જ માથા પર શિયાળને હોય એવા બે કાન પણ ઊગી આવ્યા! યાસુચિકાની વિધિમાં સાબિત થઈ ગયું કે તમામો કોઈ સામાન્ય સુંદરી નથી, બલકે વિશિષ્ટ શક્તિઓ ધરાવતો કોઈક આત્મા છે. એવો આત્મા કે જે સમ્રાટને પોતાના વશમાં કરીને ધીરે ધીરે ખતમ કરી રહ્યો હતો! ભર્યા દરબારમાં પોતાની ઓળખ છતી થઈ જતાં નવ પૂંછડીવાળા શિયાળના અસલ સ્વરૂપમાં આવી ગયેલી તમામો બારીમાંથી નાસી છૂટી! તમામોની અસલિયત સામે આવ્યા બાદ સમ્રાટ ટોબાનું દિલ તૂટી ગયું, પણ તબિયતમાં ત્વરિત સુધારો નોંધાયો! ટોબાએ પોતાના બે ખાસ સૈનિકોને તમામોની પાછળ મોકલ્યા. તમામો માઉન્ટ નાસુ તરફ નાસી છૂટી હતી. સમ્રાટે મોકલેલા મારાઓએ એક દિવસ નવ પૂંછડીવાળા શિયાળ સ્વરૂપે રહેલી તમામોને આંબી લીધી અને તીર છોડીને મારી નાખી. એવું કહેવાય છે કે મૃત્યુ પામેલી તમામોનું શરીર એક પથ્થરમાં ફેરવાઈ ગયું! આ પથ્થર એટલે લેખની શરૂઆતમાં જેની વાત કરી, એ ‘કિલિંગ સ્ટોન’. તમામોનું મૃત્યુ થયું, એનાં એક હજાર વર્ષ સુધી, એટલે કે સાંપ્રત સમયગાળા સુધી આ કિલિંગ સ્ટોન માઉન્ટ નાસુના એ વિસ્તારમાં જ પડી રહ્યો. અનેક પ્રવાસીઓએ નોંધ્યું છે કે આ વિસ્તારમાં કોઈક અકળ કારણોસર મૃત્યુ પામેલાં જાનવરો વારંવાર જોવા મળ્યાં છે!
શું તમામોનો ‘એવિલ સ્પિરિટ’ આજે પણ જીવોનો ભોગ લઈ રહ્યો છે? તમામો શા માટે સમ્રાટને મારી નાખવા માગતી હતી? તમામો-નો-માયે વિશેના આ પ્રશ્ર્નો અને એના રસપ્રદ ઉત્તરો મેળવીશું આવતા સપ્તાહે. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.