એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
હિન્દી ફિલ્મોમાં નાના નાના રોલ કરીને પણ મોટું નામ કમાઈ જનારા સતિષ કૌશિકની વિદાયને હજુ અઠવાડિયું પણ થયું નથી ત્યાં આવા જ વધુ એક કલાકાર સમીર ખખ્ખરે વિદાય લઈ લીધી. ગુજરાતી રંગભૂમિ, ટી.વી. સિરિયલ અને ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું મંગળવારે દુ:ખદ અવસાન થયું છે. સમીર ખખ્ખરને શ્ર્વાસ લેવામાં તકલીફ અને બીજી પણ શારીરિક સમસ્યાઓ હતી.
મંગળવારે બપોરે તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થવા લાગતાં બોરીવલીની એમએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ તેનાથી ફરક ના પડ્યો. ડૉક્ટરો સમીર ખખ્ખરને ના બચાવી શક્યા ને મંગળવારે રાતે ૧૦ વાગ્યે સમીર ખખ્ખરે અંતિમ શ્ર્વાસ લઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી.
સતિષ કૌશિકની સરખામણીમાં સમીર ખખ્ખર બહુ નાનું નામ કહેવાય, સતિષ કૌશિકે તો સંખ્યાબંધ મસ્ત મજાના રોલ કર્યા ને સારી સારી ફિલ્મો પણ ડિરેક્ટ કરી. તેની સરખામણીમાં સમીર ખખ્ખરે બહુ ઓછું કામ કર્યું પણ છતાં કમ સે કમ હિન્દી ફિલ્મો ને વિશેષ તો ટીવી જોનારાં લોકોની એક આખી પેઢી એવી આવી ગઈ કે જે સમીર ખખ્ખરને કદી નહીં ભૂલી શકે. સમીર ખખ્ખરની વિદાય સાથે ૧૯૮૦ના દાયકામાં શરૂ થયેલી ભારતીય ટીવીની સીરિયલ સફરની યાદો પાછી તાજી થઈ ગઈ.
સમીર ખખ્ખર નવી પેઢી માટે બહુ મોટું નામ નથી કેમ કે છેલ્લાં કેટલાકં વરસોથી તેમણે એવા કોઈ જોરદાર રોલ જ કર્યા નથી. હાલમાં રિલીઝ થયેલી શાહિદ કપૂરની વેબ સિરીઝ ‘ફર્ઝી’માં સમીર ખખ્ખર જોવા મળ્યા હતા. એ પહેલાં સિરિયલ ‘સંજીવની’માં ગુડ્ડુ માથુરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સમીર થોડાં વર્ષો પહેલાં ‘હસી તો ફસી’, ‘જય હો’, ‘પટેલ કી પંજાબી શાદી’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
આ ફિલ્મો, સિરિયલ ને વેબ સિરીઝમાં પણ તેમના રોલ બહુ નાના નાના ને નગણ્ય હતા તેથી નવી પેઢીને સમીર ખખ્ખર યાદ ના રહે તેમાં આઘાત પામવા જેવું કશું નથી પણ ૧૯૮૦ના દાયકામાં કિશોરાવસ્થા કે યુવાનીમાં પગ મૂકનારી પેઢી માટે સમીર ખખ્ખરનો ચહેરો એકદમ પરિચિત હતો અને હંમેશાં રહેશે. સમીર ખખ્ખરનો ચહેરો તેમના દિલમાં કોતરાઈ ગયેલો હતો એમ કહીએ તો ચાલે.
સમીરે પહેલાં નાટકો કરેલાં પણ ટીવી અને ફિલ્મોમાં એક્ટિંગ કરિયરની શરૂઆત સિરિયલ ‘નુક્કડ’થી કરી હતી. દૂરદર્શન પર આવતી સિરિયલ નુક્કડમાં ‘ખોપડી’નો રોલ કરીને સમીર છવાઈ ગયા હતા. કોઈ એક જ રોલ કોઈ કલાકારની આખી જિંદગી માટે ઓળખ બની જાય એવું ઘણા બધા લોકોના કિસ્સામાં બનતું હોય છે. સમીર ખખ્ખરના કિસ્સામાં એવું જ બન્યું છે. કમનસીબે ફિલ્મ અને ટીવી સર્જકોએ તેમને ’ખોપડી’ની ઈમેજમાંથી બહાર ના નીકળવા દીધા તેના કારણે તેમની કારકિર્દી મર્યાદિત થઈ ગઈ.
‘ખોપડી’ના રોલમાં સમીર એવા છવાઈ ગયેલા કે, મોટા ભાગના લોકોને આજે પણ તેમનું સાચું નામ યાદ નહીં હોય. ‘ખોપડી’ જ તેમની ઓળખ ને સમીર પડદા પર આવે એટલે લોકો ‘ખોપડી’ને જ યાદ કરે. મજાની વાત એ છે કે, મોટા ભાગનાં લોકો સમીર કઈ સિરિયલમાં ‘ખોપડી’ના બનેલા એ ભૂલી ગયા છે પણ ‘ખોપડી’ને નથી ભૂલ્યા.
લોકોને ભલે ‘ખોપડી’ કઈ સિરિયલમાં હતા એ યાદ ના હોય પણ આપણે યાદ કરાવી દઈએ કેમ કે ‘ખોપડી’નો રોલ દૂરદર્શનના ગોલ્ડન પિરિયડનાં યાદગાર પ્રકરણોમાંથી એક છે. સમીરે ‘ખોપડી’નો રોલ કર્યો એ સિરિયલ ‘નુક્કડ’ કુંદન શાહ અને સઈદ મિર્ઝાએ બનાવેલી. જાને ભી દો યારો જેવી બેજોડ ક્લાસિકલ સટાયર મૂવી બનાવનારા મૂળ ગુજરાતી કુંદન શાહ અને શાહરૂખ ખાનને બ્રેક આપનારા સઈદ મિર્ઝાની ‘નુક્કડ’ એક માઈલસ્ટોન છે. ‘નુક્કડ’ અત્યારની સિરિયલોની જેમ ધનિક પરિવારોની લફરાબાંજી, કાવાદાવા અને બીજાં બધાં અનિષ્ટોથી ભરપૂર સિરિયલ નહોતી પણ સામાન્ય લોકોની વાત કહેતી સિરિયલ હતી. ગુરૂ, કાદરભાઈ, હરી, રાજા, કુંદુ મોચી, કરીમ હજામ, રાધા, ટીચરજી, ગણપત હવાલદાર વગેરે આપણી આસપાસનાં પાત્રોના જીવનના સંઘર્ષને કુંદન શાહ અને સઈદ મિર્ઝા ટીવીના પડદે લઈ આવેલા. તેના કારણે લોકોને આ સિરિયલ સાથે પોતીકાપણું લાગતું હતું. વાસ્તવમાં દૂરદર્શન પર એ જમાનામાં આવતી તમામ સિરિયલો સાથે લોકોને પોતીકાપણું લાગતું ને લોકો આતુરતાથી તેની રાહ જોતા. ‘નુક્કડ’નાં બધાં પાત્રો જાણીતાં થયેલાં પણ સમય જતાં મોટા ભાગનાં પાત્રો ભૂલાઈ ગયાં. ‘ખોપડી’ એક એવું પાત્ર હતું કે જે આખી જિંદગી સમીરભાઈ સાથે જોડાયેલું રહ્યું. સમીર ખખ્ખરે શાહરૂખની પહેલી સિરિયલ ‘સર્કસ’માં ચિંતામણિનો રોલ પણ કર્યો હતો અને ડીડી મેટ્રોની સિરિયલ ‘શ્રીમાન શ્રીમતી’માં ફિલ્મ નિર્દેશક ટોટોની ભૂમિકા પણ ભજવી હતી પણ એ યાદ ‘ખોપડી’ના રોલના કારણે જ રહ્યા.
સમીર ખખ્ખરનો બીજો આવો યાદગાર રોલ કમલ હસનની ક્લાસિક મૂંગી ફિલ્મ ‘પુષ્પક’નો છે. કમલ હસન જેનું અપહરણ કરીને તેની જગાએ પોતે ફાઈવ સ્ટાર હોટલમાં રહેવા લાગે છે એ બિઝનેસમેનનો રોલ સમીર ખખ્ખર સિવાય બીજું કોઈ કરી જ ના શકે એવું આજે પણ ‘પુષ્પક’ જુઓ તો લાગે. રોલમાં કંઈ દમ નથી પણ સમીર ખખ્ખરની પર્સનાલિટી સાથે પરફેક્ટ મેચ થતો આ રોલ હતો. શરાબી બિઝનેસમેન તરીકે સમીર ખખ્ખરને ભૂલી જ ના શકાય.
આ એ બે રોલના કારણે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં સમીર ખખ્ખર ફિલ્મોમાં જાણીતો ચહેરો બની ગયા હતા. ‘પુષ્પક’, પછી ‘શહેનશાહ’, ‘રખવાલા’, ‘દિલવાલે’, ‘રાજા બાબુ’ જેવી ઘણી ફિલ્મોમાં સમીર ખખ્ખરે કામ કર્યું. આ બધા રોલ મોટા નહોતા પણ સમીરભાઈને સતત કામ મળ્યા કરતું હતું. ‘પુષ્પક’ પછી સમીર ખખ્ખરે ત્રીસેક ફિલ્મોમાં કામ કર્યું હતું.
સમીર ખખ્ખર પોતે સોફ્ટવેર એન્જિનિયર હતા પણ એક્ટિંગ તરફ લગાવ હોવાથી ફિલ્મી લાઈનમાં આવી ગયેલા. એકાદ દાયકા પછી એક્ટિંગથી કંટાળ્યા એટલે ૧૯૯૬માં ભારત છોડીને અમેરિકામાં જતા રહ્યા હતા. હાલમાં રિલીઝ થયેલી શાહિદ કપૂર સાથે ‘ફર્ઝી’માં પણ જોવા મળ્યા હતા. અમેરિકામાં તેમણે જાવા કોડર તરીકે નોકરી કરી હતી. ૨૦૦૮માં આવેલી મંદીમાં નોકરી જતી રહી પછી જોરદાર સંઘર્ષ પણ કરવો પડેલો.
આ સંઘર્ષથી થાકીને છેવટે ૨૦૧૪માં ભારત પાછા આવ્યા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમને ભૂલી ચૂકી હતી તેથી અહીં પણ સંઘર્ષ જ રહ્યો. આ સંઘર્ષ પત્યો જ નહીં ને થોડાક નાના નાના રોલ કરીને તેમની જીવનલીલા સંકેલાઈ ગઈ.