કેન્દ્ર સરકારે સજાતીય લગ્નોને માન્યતા ન આપવા સુપ્રિમ કોર્ટમાં સોગંદનામુ રજૂ કરતા વિશ્વના પ્રથમ જાહેર થયેલા રોયલ ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સરકારે સમજવું જોઇએ, સાચી વાત બહાર લાવવી જોઇએ અને સત્યને સ્વિકારવું જોઇએ. સમલૈંગિક સબંધ અને સમલૈંગિક વિવાહ ભારતીય સંસ્કૃતિનો જ એક ભાગ છે મોહન ભાગવતના આ વિધાનને માનવેન્દ્રસિંહ ગોહિલે સમર્થન આપ્યું હતું.
સજાતિય લગ્નોને માન્યતા આપવાનો મુદ્દો હાલ ચર્ચાઓમાં છે. હાલમાં જ એક સજાતિય યુગલે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી સજાતિય લગ્નોને માન્યતા આપવાની માંગણી કરી છે. તો બીજી બાજુ સુપ્રિમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગતા કેન્દ્ર સરકારે એક સોગંદનામુ રજુ કરી આવા લગ્નોને સંસ્કૃતિ વિરુદ્ધ ગણાવી મંજુરી ન આપવાનો પોતાનો મત રજૂ કર્યો હતો. ત્યારે આ બાબતે દેશના પ્રથમ જાહેર થયેલ રોયલ ગે પ્રિન્સ અને ગે એક્ટિવિસ્ટ માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આર.એસ.એસના વડા મોહન ભાગવતે હાલમાં જ એક નિવેદન આપ્યું હતું કે ‘સમલૈંગિક સંબધ અને સમલૈંગિક વિવાહ ભારતીય સંસ્કૃતિનો જ એક ભાગ છે.’ તેમના આ નિવેદનને સરકારે સમજવું જોઇએ, અને સાચી વાત બહાર લાવવી જોઇએ અને સત્યને સ્વિકારવું જોઇએ.
પ્રિન્સ માનવેન્દ્રસિહં ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે મા-બાપ બળજબરીથી ગે પુરુષને સ્ત્રી સાથે અને લેસ્બિયન સ્ત્રીને પુરુષ સાતે પરણાવે છે. જેને કારણે સ્ત્રી અને પુરુષ બંનેના જીવન બરબાદ થાય છે. જો સજાતિય લગ્નોનને માન્યતા મળે તો જોઇન્ટ બેન્ક એકાઉન્ટ ખોલાવવા, કોઇ પ્રોપર્ટી લેવી હોય, સાથે ધંધો કરવો હોય તો તે માટે પડતી તકલીફો દૂર થઇ જશે. આંતરરાષ્ટ્રિય ગે સમાજના લોકો ભારત દેશમાં આવસે જેનાથી દેશને પણ આર્થિક રીતે ઘણો લાભ થશે. જેવી રીતે સ્ત્રી-પુરુષને એક સાથે રહેવાનો અધિકાર છે એવી જ રીતે ગે પુરુષ- પુરષ અને લેસ્બિયન સ્ત્રી-સ્ત્રીને પણ લગ્ન કરી એક સાથે રહેવાની માન્યતા મળવી જોઇએ. જેથી તેઓ ભવિષ્યમાં કોઇ કાયદાકીય પગલાં લઇ શકે.
પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, સજાતિય લગ્નને માન્યતા માટેની સુનાવણી જે જજોની બેન્ચ કરી રહી છે એ અમને ન્યાય આપશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અમારી આ લડાઇ માનવ અધિકારીની લડાઇ છે. ભારતના નાગરીક હોવાને નાતે અમને અમારા પસંદગીના જીવન સાથી સાથે રહેવાનો પૂરેપૂરો અધિકાર છે.