જૂની બસોને મહિલાઓ માટેના શૌચાલયમાં ફેરવવા પત્રકારે છોડી નોકરી

પુરુષ

સાંપ્રત-પ્રથમેશ મહેતા
કહે છે કે પ્રવાસનો ખરો આનંદ મંઝિલે પહોંચવામાં નહીં, મુસાફરીમાં છે, પણ ચાલુ પ્રવાસે સૌથી વધુ કોઈ વાતની સમસ્યા નડતી હોય તો એ છે સારાં, સ્વચ્છ શૌચાલયોની. તમે પ્રવાસ રસ્તા માર્ગે કરતા હો કે રેલવે દ્વારા, ગંદાં-ગોબરાં શૌચાલયોની સમસ્યા સહુને નડે છે. કમનસીબે આ સ્થિતિનો સૌથી વધુ સામનો મહિલાઓને જ કરવો પડે છે. તેને કારણે તેમના માટે લાંબો પ્રવાસ કોઈ દુ:સ્વપ્ન સમાન સાબિત થાય છે.
૨૦૧૮માં જ્યારે દીપ્તેન્દુ રોય તેના વ્યાવસાયિક વિચારને રજૂ કરવા માટે ઊભરતા ઉદ્યોગ સાહસિકોથી ભરેલા ઓરડામાં પ્રવેશ્યા, ત્યારે ચારે બાજુ દબાયેલું હાસ્ય છવાઈ ગયું. જ્યારે તે તેની સીટ પર પાછો ફર્યો, ત્યારે તેની બાજુમાં બેઠેલા સજ્જને તેને પૂછ્યું કે તે શા માટે તેની પત્નીના પૈસા ગટરમાં વહેવડાવવા માટે આટલો મક્કમ છે.
એક સમયે પત્રકાર એવો દીપ્તેન્દુ હવે એવા પ્રોજેક્ટને આગળ ધપાવતો હતો કે જેના વિશે તે ખૂબ જ ઉત્સાહિત હતો – ખાસ કરીને ભારતના હાઇવે પર મહિલા પ્રવાસીઓ માટે સ્વચ્છ જાહેર શૌચાલય સુલભ બનાવવા. દીપ્તેન્દુ લાંબા સમયથી આના વિશે વિચાર કરી રહ્યો હતો. આખરે તેણે કશુંક હટકે કરવા માટે તેની સારા પગારની નોકરી છોડી દીધી હતી અને તે સમયે તેને ટેકો આપવા માટે સંપૂર્ણપણે પત્ની પર આધારિત હતો.
દીપ્તેન્દુ કહે છે કે તે જાણતો હતો કે આ વિચાર પર કામ કરનાર તેનું પ્રથમ સ્ટાર્ટઅપ નથી, પણ વ્યક્તિગત અનુભવોએ તેને પ્રેરણા આપી અને ઈલૂ માટે પાયો નાખ્યો. આ પાયલટ પ્રોજેક્ટ સ્વ-સહાય જૂથ બોલપુર મહિલા મહાસંઘ અને રાયપુર સ્થિત સ્ટાર્ટઅપ વચ્ચેના સમજૂતી કરારનું પરિણામ છે.
મહિલાઓની મુસાફરી કેવી રીતે આરામદાયક બનાવી શકીએ?
દીપ્તેન્દુ કહે છે, ‘હું મારી પત્ની સુનીતા ચક્રવર્તી સાથે દક્ષિણ છત્તીસગઢના હાઈવે પર મુસાફરી કરી રહ્યો હતો. છેવાડાના કિલોમીટર સુધી ત્યાં કોઈ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ નહોતી. હું હજુ પણ રસ્તાના કિનારે રોકાઈ શકતો હતો અને ઝાડ પાછળ જઈ શકતો હતો, પરંતુ સુનીતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.’
જોન હોપક્ધિસ મેડિસિન અનુસાર, કોઈ વ્યક્તિના પેશાબને વધુ સમય સુધી રોકી રાખવાથી મૂત્રાશયની વિસંગતતા થઈ શકે છે. રોડ ટ્રિપમાં ઘણી સ્ત્રીઓ માટે રસ્તામાં સારા સ્વાસ્થ્યપ્રદ શૌચાલયના અભાવને કારણે આનંદનું તત્ત્વ છીનવાઈ જાય છે.
ગુરુગામની રહેવાસી નેહા શર્મા કહે છે, ‘હું બેકપેકિંગ અને મુસાફરીનો આનંદ માણું છું, પણ હવે મેં રોડ ટ્રિપ કરતાં પહેલાં બે વાર વિચારવાનું શરૂ કર્યું છે. સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ એટલો મોટો અવરોધ છે. એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યારે મને યુરિનની નળીઓના ચેપ (યુટીઆઈ)ના ખરાબ હુમલાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે મારે એન્ટિબાયોટિક્સ લેવાની જરૂર પડી હતી.’
ઘણી સ્ત્રીઓને મુસાફરી કરતી વખતે આ અનુભવ ડંખે છે. કેટલાક પાણી ન પીવાનું પસંદ કરે છે અને કેટલાક તેમના ગંતવ્ય સુધી પહોંચે ત્યાં સુધી યુરિન રોકી રાખવાનું પસંદ કરે છે, જે બંને નુકસાન પહોંચાડે છે.
દીપ્તેન્દુ કહે છે, ‘હાઈવે પર મહિલાઓ માટે આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવવો એ આ સ્ટાર્ટઅપ બનાવવાનો મારો પ્રાથમિક ઉદ્દેશ્ય હતો.’ ૨૦૧૮માં છત્તીસગઢ સરકાર સમક્ષ આ વિચાર મૂકવામાં આવ્યો અને તેણે રાજ્ય સરકાર દ્વારા સુવિધા આપવા માટેના ફેલોશિપ પ્રોગ્રામ માટે નોંધણી કરાવી.
હાઈવે પરના ઢાબાના માલિકો સાથે તેણે કરેલી ઘણી વાતચીતો દ્વારા તેને જાણવા મળ્યું કે સ્ત્રીઓ તેમની મુસાફરી દરમિયાન પાણી પીવાનું ટાળે છે જેથી તેઓ તેમના ગંતવ્ય સ્થાને ન પહોંચે ત્યાં સુધી તેમને શૌચાલયનો ઉપયોગ કરવાની જરૂર ન પડે. તે કહે છે, ‘આ વાતચીતો રહસ્ય છતું કરતી હતી અને સ્ત્રીઓ જે પરિસ્થિતિનો સામનો કરતી હતી તેના વિશે હું ખૂબ જ અસહાયતા અનુભવતો હતો.’
ઈલૂ કેવી રીતે કામ કરે છે?
જૂની બંધ બસોનો ઉપયોગ કરીને સ્ટાર્ટઅપે શાંતિનિકેતનમાં તેમનો પ્રથમ પ્રોટોટાઇપ લોન્ચ કર્યો. તે કહે છે, ‘આ શૌચાલય અનન્ય છે, કારણ કે અમે આ જૂની બસોનો ઉપયોગ તેમને બનાવવા માટે કરીએ છીએ, જેનો અર્થ એ પણ છે કે અમારો સેટ-અપ ખર્ચ નોંધપાત્ર રીતે સસ્તો છે. શાંતિનિકેતનના શૌચાલયમાં મહિલાઓ માટે ત્રણ શૌચાલય છે, એક લિંગ-તટસ્થ શૌચાલય, એક બાથરૂમ અને એક કપડાં બદલવાની જગ્યા જે સ્તનપાન માટેની જગ્યા તરીકે પણ વાપરી શકાય છે. શૌચાલયનું સંચાલન બોલપુર મહિલા મહાસંઘની મહિલાઓ કરે છે. તેમની આવકને પૂરક બનાવવાના પ્રયાસમાં, શૌચાલયનો આગળનો ભાગ પેન્ટ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. એસએચજીની મહિલાઓને હળવો નાસ્તો અને પીણાં વેચવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમે મિશન નિર્મલ બાંગ્લા યોજના હેઠળ આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. જિલ્લા વહીવટી તંત્રે અમને મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રોજેક્ટ માટે ભંડોળ આપ્યું હતું.’
સ્વ-સહાય જૂથનાં એક સભ્ય યાસ્મિન સુલતાના કહે છે, ‘વર્તમાન કાર્યાત્મક શૌચાલય શાંતિનિકેતનમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને આગામી કેટલાંક છત્તીસગઢમાં હાઇવે પર બનાવવામાં આવી રહ્યાં છે.’
દીપ્તેન્દુના મિત્ર અને ઇન્ટીરિયર ડિઝાઇનર અંકિત ચાંડકે રેસ્ટરૂમ ડિઝાઇન કરવામાં મદદ કરી. દીપ્તેન્દુ કહે છે, ‘તેની ટેક્નિકલ જાણકારી ન હોત તો આ પ્રોજેક્ટને અમલમાં મૂકવો ખૂબ જ પડકારજનક હોત. તેણે તેની નિયમિત નોકરી છોડી દીધી અને તે મારી સાથે જોડાયો, એ જાણવા છતાં કે આ કામમાં એટલી કમાણી નથી.’
અંકિત કહે છે, આ વ્યક્તિગત રીતે સંતોષકારક પ્રોજેક્ટ હતો. મેં જોયું કે અમલીકરણ સાથે આપણે કેટલા જીવનને અસર કરી શકીએ છીએ. પડકારો પૈકી એક એવી જગ્યા બનાવવાની છે જે વપરાશકર્તા માટે ગૂંગળામણ ન કરે. અમારી પાસે જે હતું તેની સાથે અમારે કામ કરવાનું હતું અને એ સારું દેખાય તેનું ધ્યાન પણ રાખવાનું, પૂરતી જગ્યા ધરાવતું હોય અને કાર્યશીલ હોય.
ક્રોસિંગ રોડ બ્લોક્સ
દીપ્તેન્દુ સ્વીકારે છે કે ભૂતકાળમાં આવી ઘણી પહેલો કરવામાં આવી છે, પરંતુ તેણે એ હકીકત પર આધાર રાખ્યો કે હજી જાહેર શૌચાલયની ઉપલબ્ધતામાં મોટો તફાવત છે. તેને આ વિચારને અમલમાં મૂકવા માટે લગભગ બે વર્ષ લાગ્યાં અને તે કહે છે કે ‘રસ્તામાં ઘણા પડકારો હતા. રસ્તામાં ઘણી અણધારી વસ્તુઓ બની – છેલ્લાં બે વર્ષ કોવિડ-૧૯નો સામનો કરવામાં, લગ્ન કરવાં અને આ સાહસની સાથે પોતાનું ઘર તૈયાર કરવા સુધી.’
‘એવો સમય હતો જ્યારે મારી પત્નીના સંબંધીઓ પૂછતા કે હું શું કરું છું અને જ્યારે મેં સમજાવ્યું કે હું જાહેર શૌચાલય બનાવી રહ્યો છું ત્યારે મારો જવાબ સાંભળીને સામે હંમેશાં હાસ્ય ઉત્પન્ન થતું. આ માટે સારી ખાનગી નોકરી છોડવાના મારા નિર્ણયને કોઈ સમજી શક્યું નહોતું. મહિલાઓ માટે મુસાફરીને આરામદાયક બનાવવાના વિશાળ ધ્યેય પ્રત્યેની પ્રતિબદ્ધતાએ મને કાર્ય ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યો. તે ઉપરાંત મને પત્ની તરફથી પણ ટેકો મળ્યો. ઘરનું સંચાલન હકીકતમાં તે જ કરતી હતી. તેણે મને આ પેશન પ્રોજેક્ટ પર પ્રયોગો અને કામ કરવાની મંજૂરી આપી,’ દીપ્તેન્દુ કહે છે.
દીપ્તેન્દુ ઇન્ક્યુબેટર પ્રોગ્રામનો ભાગ હતો ત્યારે તેણે સાંભળેલી બીજી બીભત્સ ટિપ્પણી યાદ કરે છે. ‘મને પૂછવામાં આવ્યું કે હું મારાં બાળકોના ભવિષ્ય માટે શૌચાલય બનાવવાનું કામ કર્યું એ કેવી રીતે સમજાવીશ. મને જે રીતે પૂછવામાં આવ્યું તે મારા માટે આઘાતજનક હતું. આ ટિપ્પણીઓ અને મહેણાંઓ સફળ થવામાં મારી પ્રતીતિને વધુ મજબૂત બનાવતી હતી. હું દૃઢપણે માનું છું કે કોઈ પણ કામ નાનું કે હલકું નથી હોતું. મહિલાઓની મુસાફરી, ખાસ કરીને હાઈવે પર, આરામદાયક બનાવવા માટે આ મારું નાનકડું યોગદાન છે,’ દીપ્તેન્દુ કહે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.