Homeમેટિનીસલમાન સત્તાવનનો થયો

સલમાન સત્તાવનનો થયો

ફોકસ -રાજેશ યાજ્ઞિક

‘અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન.’ આવું નામ ક્યાંય સાંભળ્યું હોય એવું યાદ આવે છે? તમે કહેશો કે અમે સલમાન ખાન નામ સાંભળ્યું છે! તો તમને જણાવી દઈએ કે તમે સાચા છો. કારણકે બોલીવુડ સુપરસ્ટાર, મોસ્ટ ડિઝાયરેબલ મેન, લાખો ચાહકોના લાડીલા એવા સલમાન ખાનનું જ આ આખું નામ છે. ૧૯૬૫માં જન્મેલો સલમાન ખાન પોતાના માતા પિતાનું સૌથી પહેલું સંતાન છે. તેના ભાઈ બહેનોમાં સોહેલ ખાન, અરબાઝ ખાન, અલ્વિરા ખાન ઉપરાંત માનેલી બહેન અર્પિતા પણ સામેલ છે. આ વર્ષની ૨૭ ડિસેમ્બરના સલમાન ખાન ૫૭ વર્ષનો થઇ ગયો. તેના જીવનની ખાટીમીઠી વાતો આ અવસરે વાગોળવા જેવી ખરી.
સલમાનની ફિલ્મી કરિયર
સલમાનની ફિલ્મી કરિયર ૧૯૮૮માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ ફિલ્મથી શરૂ થઇ, જેમાં તેણે સપોર્ટિંગ રોલ ભજવ્યો હતો. પણ સલમાનને ખ્યાતિ મળી ‘રાજશ્રી પ્રોડક્શન’ની સુપર ડુપર હિટ ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મથી. ત્યાર બાદ તો સલમાન બોલીવુડમાં જ નહીં, લાખો કુંવારી છોકરીઓનાં દિલની ધડકન બની ગયો. પણ આપણે બધા જાણીએ છીએ તેમ સલમાન હજી પણ કુંવારો જ છે! ખેર, સલમાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રીતસર છવાઈ જ ગયો. લગભગ એંશીથી વધારે ફિલ્મો સલમાનના નામે બોલાય છે. તેમાં સફળ ફિલ્મોની જ માત્ર વાત કરીએ તો પણ આ લેખ પૂરો થઇ જાય તેમ છે. પણ જાણીતી ફિલ્મોમાં મૈને પ્યાર કિયા ઉપરાંત, સાજન, અંદાઝ અપના અપના, રાજશ્રીની બીજી સુપર ડુપર હમ આપકે હૈં કૌન, કરન અર્જુન, ખામોશી ધ મ્યુઝિકલ, કુછ કુછ હોતા હૈ, હમ દિલ દે ચુકે સનમ, દબંગ વગેરે અનેક ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી ચુકી છે.
ત્રીસ વર્ષથી વધુની તેની ફિલ્મી કરિયરમાં તેને ફિલ્મ પ્રોડ્યુસર તરીકે બે નેશનલ એવૉર્ડ અને અભિનેતા તરીકે બે ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે.
પ્રસિદ્ધિના શિખર ઉપર સલમાન
નિ:શંકપણે સલમાન ભારતના સૌથી વધુ પ્રસિદ્ધ અભિનેતાઓમાંથી એક છે. પણ સલમાનની ખ્યાતિ સરહદો ઓળંગીને પરદેશમાં પણ ખુબ ફેલાઈ છે.
વર્ષ ૨૦૦૪માં અમેરિકાના ‘પીપલ’ મેગેઝિન દ્વારા દુનિયાનો ૭મો સૌથી દેખાવડો પુરુષ જાહેર થયો. ૨૦૦૮માં લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પૂતળું મુકાયું. ૨૦૧૦માં પીપલ મેગેઝિનની ભારતીય આવૃત્તિએ સલમાનને ધરતીનો સૌથી સેક્સી પુરુષ જાહેર કર્યો હતો. ૨૦૧૨માં ન્યુયોર્કના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પણ તેનું પૂતળું મુકાયું. ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૩માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના મોસ્ટ ડિઝાયરેબલ મેન ના લિસ્ટમાં ક્રમશ: બીજા, પહેલા અને ત્રીજા સ્થાને સલમાન રહ્યો હતો. ૨૦૧૩માં સલમાનને ઈન્ટરનેટ ઉપર સૌથી વધુ સર્ચ કરાતા સેલિબ્રિટી જાહેર કરાયો હતો. ૨૦૧૪માં સલમાન ફોર્બ્સ ઇન્ડિયા ચાર્ટમાં પણ ટોપ પર રહ્યો હતો.
સલમાનની પ્રસિદ્ધિનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકશો કે વિશ્ર્વની મોસ્ટ એડમાયર્ડ પર્સનાલિટીના લિસ્ટમાં સલમાન ૨૦૧૫માં અમેરિકાના પ્રેસિડન્ટ બારાક ઓબામા કરતાં પણ આગળ હતો! એ જ વર્ષે ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સ દ્વારા સલમાનને ભારતની “સૌથી આકર્ષક વ્યક્તિ જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રસિદ્ધિના શિખરથી વિવાદોની
ખાઈમાં સલમાન
સલમાન જેટલો પોતાના આકર્ષક દેખાવ અને ફિલ્મોને કારણે પ્રસિદ્ધ થયો તેટલો જ ફિલ્મોની બહાર તેના વર્તનને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. વિવાદો અને સલમાનને જૂનો સંબંધ રહ્યો છે. સલમાનના સ્વભાવને કારણે ઘણા સાથે તેના વાદ-વિવાદ થયા છે. તેવા જાહેરમાં ગાજેલા કેટલાક કિસ્સાઓ આ રહ્યા.
કાળા હરણનો શિકાર
રાજસ્થાનમાં ‘હમ સાથ સાથ હૈ’ ના શૂટિંગ દરમ્યાન બે કાળા હરણની શિકાર કરવા બદ્દલ ભારે ઉહાપોહ મચ્યો હતો. કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા સુણાવી હતી અને તેને જેલ પણ જવું પડ્યું હતું.
હિટ એન્ડ રન કેસ
વર્ષ ૨૦૦૨માં બાંદ્રાના હિલ રોડ ઉપર સલમાનની ટોયોટા લેન્ડ ક્રુઝર ફૂટપાથ ઉપર ચડી ગઈ હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ચાર ઘાયલ થયા હતા. એકમાત્ર સાક્ષી હતો તેનો બોડી ગાર્ડ રવીન્દ્ર પાટીલ, જેણે પહેલી એફઆઈઆર લખાવી હતી, જેમાં ઉલ્લેખ કર્યો હતો કે ગાડી સલમાન હલાવતો હતો અને નશામાં હતો. તેને ચેતવણી આપવા છતાં તેણે ગાડીની ગતિ ધીમી કરી
નહોતી. પણ પાટીલ શંકાસ્પદ સંજોગોમાં ગાયબ થઇ ગયો. બે વર્ષ બાદ તે ફૂટપાથ ઉપર મળી આવ્યો અને ટીબીથી પીડાતો હતો. આ રોગને કારણે પાછળથી તેનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું.
સલમાન અને ઐશ્ર્વર્યા
ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ દરમ્યાન સલમાન અને ઐશ્ર્વર્યા એકમેકની ખૂબ નજીક આવી ગયા હતાં. સલમાન ઐશ્ર્વર્યા માટે એટલો પઝેસિવ થઇ ગયો હતો કે ઐશ્ર્વર્યા જે કોઈ ફિલ્મમાં કામ કરે તેના હીરો તરફ તે શંકાશીલ થઇ જતો હતો. કહેવાય છે કે તેણે ઐશ્ર્વર્યા ઉપર હાથ પણ ઉપાડ્યો હતો અને તેના પિતા સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો હતો. સલમાનના વ્યવહારથી કંટાળીને ઐશ્ર્વર્યાના પિતાએ તેના ઉપર ફરિયાદ દાખલ કરાવ્યાની વાત પણ વહેતી થઇ હતી. આખરે બે વર્ષના સંઘર્ષમય સંબંધોનો અંત આવ્યો.
તેમના બ્રેકઅપ પછી ઐશ્ર્વર્યા, વિવેક ઓબેરોયની નજીક આવી હતી. પણ સલમાને વિવેકને ધમકાવ્યાનું કહેવાય છે. વિવેકે પ્રેસ કોન્ફરન્સ કરીને સલમાને ટેક્સ્ટ મેસેજીસમાં તેને ધમકાવ્યાનો આક્ષેપ કર્યો હતો. કહેવાય છે કે સલમાનને કારણે વિવેક -ઐશ્ર્વર્યાનો સંબંધ ટકી શક્યો નહીં.
સલમાન અને શાહરુખ
આજે તો સલમાન અને શાહરુખ એકમેકના મિત્રોની જેમ વર્તે છે, પણ એક સમયે બંને વચ્ચે દુશ્મનાવટ થઇ ગઈ હતી. કેટરીના કૈફના જન્મદિનની પાર્ટીમાં શાહરુખે ઐશ્ર્વર્યનું નામ લઈને તેને ચીઢવ્યો તેમાંથી વાતનું વતેસર થયું અને સલમાને શાહરૂખને જાહેરમાં એલફેલ બોલ્યાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે શાહરુખ-ઐશ્ર્વર્યા સ્ટારર ફિલ્મના શૂટિંગ સમયે ત્યાં જઈને સલમાને હંગામો ખડો કર્યો હતો. ઐશ્ર્વર્યાએ ફિલ્મથી હાથ ધોવા પડ્યા અને સલમાન- શાહરૂખના અબોલા થઇ ગયા. થોડા વર્ષો પછી ઈફ્તાર પાર્ટીમાં એકમેકને ગળે મળીને તેઓ જૂની વાતોને ભૂલ્યા.
સલમાન ખાન – અરિજિત સિંહ – સોનુ નિગમ
એક એવૉર્ડ ફંક્શનમાં અરિજિત સાથે સલમાનની બોલાચાલી થઇ ગઈ હતી. ત્યારબાદ સલમાને અરિજિત વિશેનો પોતાનો ગુસ્સો ઘણી વખત જાહેરમાં વ્યક્ત કર્યો છે. કહેવાય છે કે સલમાનને કારણે અરિજિતને ઇન્ડસ્ટ્રીમાં કામ મળતું ઓછું થઇ ગયું હતું.
બીજી બાજુ સોનુ નિગમે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો શેર કરીને સલમાનની દાદાગિરી વિશે તેનું નામ લીધા વિના તેના ઉપર કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું હતું કે પોતે તેની દાદાગીરીનો શિકાર બન્યો છે અને ઘણા નવા ગાયકો પણ બને છે.
સુલતાનના પ્રોમોશન દરમિયાન અસંવેદનશીલ ટિપ્પણી
સલમાનને જ્યારે તેના શૂટિંગ શેડ્યુલ વિશે પુછાયું ત્યારે તેણે એવો જવાબ આપેલો કે દિવસને અંતે તેને બળાત્કાર થયો હોય તેવી સ્ત્રી જેવી લાગણી થાય છે. તેના આ વિધાને ભારે ચર્ચા જગાવેલી. નારી અધિકાર સંગઠનો અને લોકોએ સલમાનની આવી અસંવેદનશીલ ટિપ્પણીની જોરદાર ટીકા કરી હતી.
યાકુબ મેમણ ઉપર ટિપ્પણી
સલમાન ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ ન લેતો હોય તેવો કિસ્સો વર્ષ ૨૦૧૫માં બન્યો જયારે તેણે એક પછી એક ટ્વિટ કરીને કહ્યું કે ટાઇગર મેમણના કારણે યાકુબને સજા ન મળવી જોઈએ, તે નિર્દોષ છે. તેના વિધાને વિવાદનો મધપૂડો છેડ્યો અને લોકો તેના ઘરની બહાર દેખાવો કરવા ભેગા થયા. પોલીસ બોલાવવી પડી. તેના પિતા સલીમ ખાને પણ તેની ટીકા કરી. આખરે તેણે ટ્વીટ પાછા ખેંચ્યા અને માફી માગી.
આ ઉપરાંત પણ મુંબઈ આતંકવાદી હુમલા વખતે તેની એક કહેવાતી કમેન્ટ ચર્ચામાં આવી હતી. ઘરે ગણપતિ લાવવા બદલ તેની સામે ફતવો જાહેર કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સાથે ઉતરાણમાં પતંગ ચગાવવા ઉપર પણ વિવાદના પતંગ ચગ્યા હતા. તેના ફાર્મ હાઉસના પાડોશીએ પણ સલમાન જમીન પચાવી પાડવા દાદાગીરી કરી રહ્યો હોવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ કરી છે.
પણ જો સલમાનના સમગ્ર જીવનને જોઈએ તો અપાર સફળતા, ચાહકોના અપાર પ્રેમથી તે ક્યારેય વંચિત રહ્યો નથી. તેનો પરિવાર પ્રેમ પણ લોકોમાં ખૂબ વખણાયો છે. તેની સાથે જોડાયેલા વિવાદોમાં જેટલું જાહેરમાં આવ્યું તેટલું જ આપણે જાણીએ છીએ. પણ તેની ફિલ્મો, તેનાં પાત્રોએ લોકોનું ભરપૂર મનોરંજન કર્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેના ‘બીઇંગ હ્યુમન’ કપડાંનો પણ જબરજસ્ત ચાહક વર્ગ છે. તેમાંથી કમાયેલા નાણાં તે સામાજિક કાર્યોમાં વાપરે છે. ૫૭ વર્ષની ઉંમરે પણ તે હજી હીરો તરીકે ફિલ્મોમાં આવે છે, અને લોકો તેને જોવાનું પસંદ કરે છે તે જેવી તેવી વાત તો ન જ કહેવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular