બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન જે પણ વ્યક્તિ સાથે મિત્રતા કરે છે તેને આજીવન નિભાવવામાં વિશ્વાસ રાખે છે. તેણે સોનાક્ષી સિન્હા, ઝરીન ખાન અને સૂરજ પંચોલીને બોલીવૂડમાં બ્રેક આપ્યો હતો અને હવે ખબર મળી રહી છે તે સલ્લુમિયા તેના બોડીગાર્ડ શેરાના પુત્ર અબીર ઉર્ફે ટાઈગરને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મળતી માહિતી અનુસાર સલમાને સતિશ કૌશિકને ટાઈગરને લોન્ચ કરવાની વિનંતી કરી છે. આટલું જ નહી ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર કરવામાં આવી ચુકી છે અને આ ફિલ્મનું શૂટિંગ 2023માં શરૂ થાય તેવી ભારોભાર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અબીર ઉર્ફે ટાઇગર, સલમાનના બોડીગાર્ડ ગુરમિત સિંહ જોલી ઉર્ફે શેરાનો દિકરો છે. સલમાનની જેમ અબીર પણ ફિટનેસનો શોખીન છે. અબીરે અલી અબ્બાસ ઝફરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘સુલતાન’ને આસિસ્ટ કરી છે, જેમાં સલમાન લીડ રોલમાં હતો.
સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ માઈકલ જેક્સન, વીલ સ્મિથ, જેકી ચાન, જસ્ટિન બિબર સહિતના સેલેબ્સની સુરક્ષા કરી છે.