(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી પેઢીમાં વાંચનનો શોખ વધવાની સાથે લોકોમાં વાંચન સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ હવે પોતાની માલિકીના થિયેટર તથા સ્વિમિંગ પૂલમાં પુસ્તકો વેચવા માટે કેટલીક જગ્યા ભાડા પણ આપવાનો નિર્ણય લીધો છે.
પાલિકાએ આ નિર્ણય ૨૭ ફેબ્રુઆરીના ઊજવતા ‘મરાઠી ભાષા દિવસ’ નિમિત્તે લીધો છે. કમ્પ્યુટર અને મોબાઈલના ડિજિટલ જમાનામાં નવી પેઢી પુસ્તકોથી દૂર થઈ રહી છે. તેથી લોકોને વાંચન અર્થે પ્રોત્સાહિત કરવા માટે પ્રકાશકોને તેમના સુધી પહોંચાડવામાં મદદ કરવાની છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ પાલિકા પાસે પોતાની માલિકીના થિયેટર અને સ્વિમિંગ પૂલ છે. અહીં દરરોજ હજારો લોકો મુલાકાત લેતા હોય છે. તેથી થિયેટર અને સ્વિમિંગ પૂલના વિસ્તારમાં ૧૦ બાય ૮ ચોરસફૂટની જગ્યા ફાળવવામાં આવશે, જ્યાં પ્રકાશક પોતાના પુસ્તકોનાં પ્રદર્શન રાખી શકશે. પાલિકાની જોકે શરત રહેશે કે પુસ્તકોના વેચાણ પર ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપવું પડશે તેમ જ અહીં શૈક્ષણિક તથા અશ્લીલ પુસ્તકો સેલમાં વેચી શકશે નહીં. અનેક પ્રકાશકોએ પાલિકાનો તે માટે સંપર્ક પણ કર્યો છે.
પ્રકાશકોને ૬,૦૦૦ રૂપિયાના માસિક ભાડા પર જગ્યા આપવામાં આવશે અને પાલિકા તેમને વીજળી અને પાણી પૂરું પાડશે. પ્રકાશક કોઈ પણ ભાષા કે પ્રકાશનનાં પુસ્તકો વેચી શકશે. પુસ્તક પ્રદર્શન માટે બોરીવલી(પશ્ચિમ)માં પ્રબોધન ઠાકરે નાટ્યમંદિર, ભાયખલા (પૂર્વ)માં અન્નાભાઉ સાઠે નાટ્યમંદિર, મુલુંડ (પશ્ચિમ)માં કાલિદાસ નાટ્ય મંદિર અને વિલેપાર્લે (પૂર્વ)માં દીનાનાથ મંગેશકર નાટ્ય મંદિરનો સમાવેશ થાય છે. તો દાદર, ચેંબુર, કાંદિવલી, દહીસર(પૂર્વ), મલાડ (પૂર્વ) અને (પશ્ચિમ), અંધેરી (પૂર્વ) અને (પશ્ચિમ), વિક્રોલી, વડાલા, વરલીમાં સ્વિમિંગ પૂલની જગ્યાઓ પ્રકાશકને ફાળવવામાં આવશે. પ્રકાશકો ૧૫ ફેબ્રુઆરી સુધીમાં પાલિકાને અરજી કરી શકશે.