Homeઉત્સવનકારાત્મક શક્તિ, ભૂત - પ્રેતથી મુક્ત કરતું ધામ અને શ્રદ્ધાનું બીજું નામ...

નકારાત્મક શક્તિ, ભૂત – પ્રેતથી મુક્ત કરતું ધામ અને શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર

ભારતીય દૃષ્ટિએ ઇતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત પંચધાતુની ૫૪ ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિ સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.
હોઈ હૈ વહી જો રામ રચી રાખા
કો કરી તર્ક બઢાંવહિ શાખા
હનુમાજી ૪ કારણોથી બધા દેવતાઓમાં શ્રેષ્ઠ છે. પ્રથમ તે રિયલ સુપરમેન છે, બીજું તે પાવરફુલ હોવા છતાં ઈશ્ર્વર પ્રત્યે સમર્પિત છે. ત્રીજું તે પોતાના ભક્તોની મદદ તાત્કાલિક કરે છે, ચોથું આજે પણ તે સશરીર છે. આ બ્રહ્માંડમાં ઈશ્ર્વર પછી કોઈ પણ પ્રકારની માયાવી શક્તિ ટકી શકી નથી. આજે સાળંગપુરમાં બિરાજમાન હનુમાનજી મંદિરની વાત કરવી છે જ્યાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડે છે. તેમની શક્તિ ને ભક્તિનો મહિમા અનેરો છે.
ગુજરાતમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર હનુમાનજી મંદિર બરવાળાથી ૧૪ કિ. મી. અને બોટાદથી ૧૧ કિ. મી. દૂર છે.
સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિ બોટાદના કુંભાર કાના કડિયાએ બનાવી હતી. ઐતિહાસિક રીતે તે પાળિયા (ખાંભી) માંથી મૂર્તિ બનાવવામાં આવી હતી. તે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ગોપાળાનંદ સ્વામીએ કરેલ અને પ્રતિષ્ઠા સમયે આ મૂર્તિ ડોલવા લાગી હતી. હનુમાનજીની મૂર્તિની આસપાસ વાનરો અને નીચે શનિદેવ છે (કહેવાય છે કે રંજાડતા શનિદેવને મારવા માટે હનુમાનજીએ નક્કી કર્યું, હનુમાનજી બ્રહ્મચારી હતા એટલે સ્ત્રી પર હાથ ન ઉપાડી શકે તેથી શનિદેવે સ્ત્રીરૂપ ધારણ કરેલું ) મૂછો અને ધારદાર આંખોવાળી હનુમાનજી મૂર્તિના દર્શન કરતા જ કંઈ અલગ જ અનુભૂતિ થાય છે.
સાળંગપુર હનુમાનજી મંદિરના શ્રી વિવેક સાગર સ્વામીએ જણાવેલ તેમજ વેબસાઈટ પરની માહિતી અનુસાર, પરમ કૃપાળુ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતર્ધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએ સંવત ૧૯૦૫ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં સંતો-વિદ્વાનો- વિદ્વાન બ્રાહ્મણો અને હરિભકતોને આમંત્રિત કર્યા. ભવ્ય મહોત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી. નૈષ્ઠિક વ્રતધારી શુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામી પાસે પ્રતિષ્ઠાની આરતી ઊતરાવી.
આરતી સમયે સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મૂર્તિ સામે ત્રાટક વિધિ કરતા ઊભા છે. પોતે સંકલ્પ કરે છે કે, આ મૂર્તિમાં હનુમાનજી મહારાજ આવિર્ભાવ થાઓ ! ત્યારે શાસ્ત્રો- પુરાણોમાં વર્ણવેલ હનુમાનજી નામે બાવન વીરો આ મૂર્તિમાં પ્રવેશ કરવા તૈયાર થયા. સ્વામીએ આ પ્રમાણે ઉચ્ચારી કે, હે વીરો ! દિવ્ય શકિતવાળા આપ સૌમાંથી જેમણે ત્રેતાયુગમાં શ્રીરામચંદ્ર ભગવાનની સેવા જે નિષ્કામ ભાવનાથી કરી છે એવા હે હનુમંત મહાવીર ! આપ પધારો અને આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજો. ગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામૃતપિપાસુ શ્રી રામદૂત હનુમાનજી મહારાજે તત્કાળ મૂર્તિમાં આવિર્ભાવ પામતાની સાથે જ આ મૂર્તિ થર થર થર ધ્રૂજવા લાગી. સર્વસુખદાતા ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે, આપના ચરણે આવેલ હરકોઈ મનુષ્યોનાં દુ:ખ દૂર કરજો, મૂઠ-ચોટ-ડાકણ-શાકણ-મલીન મંત્ર-તંત્ર-ભૂત-પ્રેત-ભૈરવ-બ્રહ્મરાક્ષસ-ચૂડેલ-પિશાચ વગેરેના પાશથી પિડીતોને સર્વ પ્રકારે મુકત કરી એ સર્વનો ઉદ્ધાર કરજો. મૂર્તિ તો હજુ સુધી ધ્રૂજે છે. ભકતોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી ! બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રી મદનમોહનજી મહારાજનું માહાત્મ્ય ઘટી જશે, માટે પ્રગટ સામર્થ્યથી ધ્રૂજતી બંધ કરો. સર્વના કષ્ટને હરનાર દેવ પધરાવ્યા છે, તેથી જ સ્વામીએ કષ્ટભંજન દેવ એવું શુભ નામ આપ્યું.
સ્વામી કહે, વાઘા ખાચર ! હવે તમારે ધનનો દુષ્કાળ મટી ગયો. નિત્ય સંતસમાગમનો લાભ મળશે. આમ, સાળંગપુરમાં રાજાધિરાજ પણે પ્રગટ બિરાજતા શ્રી કષ્ટભંજન દેવના દર્શન-સેવા-માનતા રાખનારનાં કષ્ટો દૂર કરે છે. કોઈ હઠીલા ભૂત-બ્રહ્મરાક્ષસ ન માને તો સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીની લાકડીનો છેડો જળમાં બોળીને કરેલ પ્રસાદી ભૂત જળ છાંટવાથી ગમે તેવા બલિષ્ઠ પ્રેતાદિક બળવા લાગે છે અને સદાને માટે ભાગી જાય છે એટલું જ નહીં, તે ભૂતપ્રેતનો પણ ઉદ્ધાર કરે છે.
અહીં નાતજાત જોયા વગર, ભેદભાવ ટાળીને દાદા સૌ પ્રત્યે એક સમાન પ્રેમ વરસાવી સુખી કરે છે. મેલી વિદ્યા વગેરેના ત્રાસથી લાખો રૂપિયાના ખોટા ખર્ચા કરતાં જીવોને જયારે સાળંગપુરના દાદાનો આશ્રય મળે ત્યારે નિષ્કામ સેવાધર્મ બજાવતા દાદાનો પ્રગટ અમાપ પ્રતાપ પામીને જીવ પોતાને ધન્યભાગી માની સદા દાદાના ઉપાસક બની સાચા ભક્તો બને છે અને આર્થિક-દૈહિક સર્વ દુ:ખોથી મુકત બને છે.
જમવા માટે દાદાનો દરબાર નાતજાત જોયા વગર સદાને માટે ખુલ્લો રહે છે. એ જ પ્રમાણે સૌને ઉતારા-પાણીની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે છે. હાલ હજારો લોકોના ભોજન માટે વિશાળ નવું ભોજનાલય બની રહ્યું છે. અરે, વિશિષ્ટતા તો એ છે કે પશુ-પંખી પણ પ્રેતયોનિને પામેલાં હોય છે, જે માનવોને વળગે છે. દાદા કષ્ટભંજન દેવ એને મનુષ્યની વાચા આપે છે. તેની વાત સમજીને યથાયોગ્ય મુક્તિ આપે છે.
દાદા આગળ બેસીને મનની જે કાંઈ મૂંઝવણ હોય તે રજૂ કરે અને દાદાની શરણાગતિ સ્વીકારે તો દાદા ખુદ દૂત દ્વારા બોલે છે કે મારે શરણે આવેલ હરકોઈ જીવને હું સદ્ગતિ આપું છું આમ, આધિ- વ્યાધિ -ઉપાધિથી જીવ આ લોક-પરલોકમાં પરમ સુખના ભોકતા બને છે.
સાળંગપુર હનુમાન મંદિર નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે સૌથી વધારે પ્રખ્યાત છે. અહીં ભૂત-પ્રેત જેવી બાધાઓથી પીડિત વ્યક્તિને તેના પરિજનો લાવે છે, શ્રદ્ધાળુઓના જણાવ્યાનુસાર આવા લોકો જ્યારે હનુમાનજીની મૂર્તિ સામે આવે છે અને તેમની આંખમાં જુએ છે તે ક્ષણથી જ તેઓ ખરાબ શક્તિઓથી મુક્ત થઈ જાય છે. આ મંદિરમાં શનિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે. જો કે અહીં માનસિક રીતે વિચલિત લોકોની સમસ્યા પણ દૂર કરવામાં આવે છે. આ લોકોને મૂર્તિ સામે ઊભા રાખી અને તેમને એક દંડનો સ્પર્શ કરાવવામાં આવે છે. આ દંડનો ઉપયોગ સ્વામી ગોપાલાનંદે મૂર્તિ સ્થાપના વખતે કર્યો હતો. જાણકારોના મતાનુસાર દંડના સ્પર્શથી મૂર્તિમાં પ્રાણ પુરાયા હતા. આ દંડને ચમત્કારી માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં આવતાં ભક્તો માટે રહેવા તેમજ પ્રસાદની વ્યવસ્થા પણ મંદિરમાં કરવામાં આવે છે. હાલ મંદિરના કોઠારીશ્રી વિવેક સાગર સ્વામીશ્રીની દીર્ઘ દ્રષ્ટિના કારણે મંદિરનો વિકાસ થતો જોવા મળે છે. હાલમાં જે વાઇટ હાઉસ અને અન્ય કામ તેના ઉત્તમ ઉદાહરણ છે.
॥ ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખમ્ કુરુ ફટ સ્વાહા. ॥
મંદિરનું શિલ્પ -સ્થાપત્ય : કષ્ટભંજન હનુમાનજી દાદાના મુખ્ય મંદિરમાં પ્રવેશ માટે ત્રણ દ્વાર છે. ડાબી બાજુનો દ્વાર બહેનો, મધ્ય દ્વાર બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ, ત્રીજો દ્વાર દર્શન કરી બહાર નીકળવા માટે છે. જેમાં મધ્ય દ્વારની છત પર સ્વામિનારાયણ ભગવાન તેમની બંને બાજું ગણપતિ દાદાને બિરાજમાન દર્શાવ્યા છે. જ્યારે બીજા અને ત્રીજા દ્વાર પર ગણપતિ સાથે મોરનું ચિત્રાંકન છે. તદ્દઉપરાંત બે દ્વાર વચ્ચે ઉપરની છત પર એક નાની છત્રી છે જેમાં કોઈ સંત પઠન કરતા હોય તેવું ચિત્રાંકન છે. જ્યારે બીજા દ્વાર વચ્ચે સંત ઢોલક વગાડતા દર્શાવ્યા છે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત ૫૪ ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિ સાળંગપુરમાં સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ મૂર્તિનું મુખ સાળંગપુર ખાતે લઇ જવામાં આવતા વચ્ચે સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે દાદાના મુખનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂ. દેવપ્રકાશ સ્વામી, તથા ટ્રસ્ટી સભ્યો તેમજ કોઠારી સંતવલ્લભ સ્વામી, બાપુસ્વામી હાજર રહ્યા હતા. મૂર્તિનું મુખ આવતાં વાજતેગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો અને મહંતો દ્વારા મુખારવિંદની પૂજા કરવામાં આવી હતી.
હવેથી દાદાના ૭ કિલોમીટર દૂરથી દર્શન થશે. ૩૦ હજાર કિલો વજન અને પંચધાતુની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામમાં બની રહી છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત આ મૂર્તિ સાળંગપુરની શોભામાં વધારો કરશે.
મૂર્તિની વિશેષતા : મૂર્તિનું વજન ૩૦ હજાર કિલો હશે. પંચધાતુની આ મૂર્તિ ૫૪ ફૂટ ઊંચી હશે. પંચધાતુની થીક્નેશ ૭.૫. ળળ છે. એક અંદાજ પ્રમાણે ૫૦૦૦ હજાર વર્ષ સુધી આ મૂર્તિ અડીખમ રહેશે. ૩ઉ પ્રિન્ટર, ૩ઉ રાઉટર, ઈગઈ મશીનનો ઉપયોગ પણ થશે. તેની અંદરનું સ્ટ્રક્ચર સ્ટીલનું હશે. ભૂકંપના મોટા ઝટકાની પણ અસર નહીં થાય.
દાદાની પરિક્રમા ૭૫૪ ફૂટ લાંબી હશે. આ પ્રોજેક્ટમાં આર્ટ અને આર્કિટેક્ટનો સુભગ સમન્વય હશે. હિંદ સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે.
૧૩૫ સ્કેવર ફૂટ જગ્યામાં આ પ્રોજેક્ટ આકાર લેશે. ૬૨,૦૦૦ સ્કેવર ફૂટમાં ૨ મોટા ગાર્ડન આકાર લેશે.
મૂર્તિના હાથ ૬.૫. ફૂટ લાંબા અને ૪ ફૂટ પહોળા હશે.
મૂર્તિના પગ : ૮.૫. ફૂટ લાંબા અને ૪ ફૂટ પહોળા હશે.
મૂર્તિના પગના કડા : ૧.૫. ફૂટ ઊંચા અને ૩.૫. ફૂટ પહોળા હશે.
મૂર્તિના હાથના કડા : ૧.૫. ફૂટ ઊંચા અને ૨.૫. ફૂટ પહોળા હશે.
મૂર્તિના આભૂષણ : ૨૪ ફૂટ લાંબા અને ૧૦ ફૂટ પહોળા
સેન્ટરમાં ૧૭ ફૂટ ઊંડો બેઝ તેમજ બેઝ પર શ્રીયંત્રની આકૃતિ તૈયાર થશે. બેઝ પરની દીવાલો પર દાદાના જીવન ચરિત્ર દર્શાવતી મ્યુરલ કંડારશે. બેઝ પર સારંગપુર મંદિરનો ઈતિહાસ પણ જોઈ શકાશે.
મૂર્તિકાર : મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવત આ મૂર્તિ બનાવી રહ્યા છે. હરિયાણાના માનેસરમાં આ મૂર્તિ તૈયાર થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular