શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. એકનું નામ હતું જૂઠાજી અને બીજીનું નામ હતું અકલફૂટાજી. એમની મા એમને રોજ કહેતી , ‘બેટાઓ, કંઇ કામ ધંધો કરશો તો જ આ ઘર ચાલશે!’ પણ એ બન્ને સાંભળે જ નહીં ને. એક દિવસ માએ બન્નેને ઘરમાંથી કાઢી મૂક્યા અને કહ્યું, જ્યાં સુધી પૈસા કમાઈને ઘરમાં લાવશો નહીં, ત્યાં સુધી પાછા ઘેર આવશો નહીં.
જૂઠાજી અને અકલફૂટાજી ચાલવા માંડ્યા. બન્ને ચાલતા-ચાલતા જતા હતા ત્યારે એમને રસ્તામાં એક પરદેશી મળી જાય છે.
“કેમ ભાઈ, ક્યાં જઈ રહ્યા છો?, પરદેશીએ પૂછ્યું.
“પૈસા કમાવા જઈ રહ્યા છીએ!, બન્ને ભાઈઓએ જવાબ આપ્યો.
“તમને શું કામ આવડે છે?, પરદેશીએ પૂછ્યું.
જૂઠાજીએ કહ્યું, “મારું નામ જૂઠાજી છે અને હું જૂઠું એટલું સારી રીતે બોલી લઉં છું કે એ સાચું જ લાગે!
“તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો?, જૂઠાજીએ પૂછ્યું.
પરદેશીએ કહ્યું, “હું નેતા છું અને ચૂંટણી લડવા જઈ રહ્યો છું! તમે પણ મારી સાથે ચાલો. ચૂંટણીમાં મારો પ્રચાર કરજો. તમારા જેવા માણસોની મને જરૂર છે.
જૂઠાજી અને અકલફૂટાજી બન્ને એમની સાથે જોડાઈ ગયા. એ નેતા એમને એક ગામમાં લઈ ગયા. એમને એક મોટી હવેલીમાં રાખ્યા. નવડાવ્યા-ધોવડાવ્યા અને ખાદીના કપડા પહેરાવ્યા. માથે સફેદ ટોપી પણ પહેરાવી! હવે એ બન્ને પણ, નેતા બની ગયા.
જૂઠાજી પ્રચાર કરવા જાય, ત્યારે બધાને કહે કે, “અમને વોટ આપો, અમને ગાંધીજીએ મોકલ્યા છે અને અમે તમારા બધાં દુ:ખ દૂર કરીશું!
(જૂઠાજી જૂઠું પણ એવું બોલ્યા કે બધાએ એને સાચું માની લીધું.) બધાએ વિચાર્યું કે, “ભાઈ, (આ કંઈ આપણું સારું કરે એવું લાગે છે), તો આને જ વોટ આપી દો.
નેતાને ધડા-ધડ વોટ મળી ગયા અને એ ચૂંટણી જીતી ગયો. જૂઠાજીએ નેતાને કહ્યું, “ભાઈ, હવે અમે જઈએ? અમારું કામ પૂરું થઈ ગયું.
નેતાજી બોલ્યા, “ના ભઈ ના, તમારે જવાનું નથી. મને હંમેશાં તમારું કામ પડશે!
નેતા હવે મંત્રી બની ગયા અને જૂઠાજી એમના માટે પ્રચાર કર્યે રાખતો. બન્ને ભાઈ આરામથી રહેતા હતા. એક દિવસ અકલફૂટાજીએ જૂઠાજીને કહ્યું, “ભાઈ, હું તો બેકાર બેઠો છું. મને પણ કોઈ કામ અપાવ!
જૂઠાજીએ કહ્યું, “તું તો અકલફૂટો છે. તને કોણ નોકરી આપશે?
અકલફૂટાએ કહ્યું, “કંઈ પણ કર ભાઈ! મને કશીક તો નોકરી અપાવ. કમાણી તો હું પણ કરુંને? ભલે મને કંઇ આવડતું ના હોય!
જૂઠાજીએ કહ્યું, “ઓકે!!.. હવે સમજાયું , કંઇ નથી આવડતું ? તો તું મંત્રી ચોકકસ બની શકે!
બસ આ ’કંઇ ના આવડવાની’ એક આ જ લાયકાત પર અકલફૂટાજીએ પેટાચૂંટણી લડી. જૂઠાજીએ એનો પ્રચાર કર્યો અને અકલફૂટાજી મંત્રી બની ગયો.
બન્ને ભાઈઓ લાખો રૂપિયા કમાયા. પછી એક વાર બંન્નેએ વિચાર્યું કે હવે આપણે ગામ પાછા જવું જોઈએ. બન્ને પોત-પોતાના પૈસા પીઠ પર લાદી ગામ ગયા. ગામની બહાર એક કૂવો હતો. બન્ને ત્યાં પાણી પીવા બેઠા. ત્યારે અકલફૂટાએ કહ્યું, “ભાઈ, આપણે પૈસા ગણીને તો જોઈએ, કેટલા છે? બન્નેએ ત્યાં જ કૂવાની પાળી પર પૈસા ગણવાના શરૂ કર્યા. એટલામાં ગામના શેઠિયાની બે છોકરીઓ છમ-છમ કરતી પાણી ભરવા આવી અને જોયું કે જૂઠાજી અને અકલફૂટાજી તો લખપતિ બની ગયા છે. એમણે ઘરે જઈને એમના બાપને કહ્યું કે, “જૂઠાજી અને અકલફૂટાજીની પાસે લાખો રૂપિયા છે!
આ બાજુ જૂઠાજી અને અકલફૂટાજી ઘરે પહોંચ્યા.
“મા, મા, દરવાજો ખોલ.
“કંઈક કમાઈને લાવ્યા હોય તો ખોલું! અંદરથી બુઢિયા બોલી.
“હા, હા, કમાઈને લાવ્યા છીએ.
માએ દરવાજો ખોલ્યો. એની ખુશીનો પાર ન રહ્યો! આ બાજુ ગામનો શેઠ દોડતો-દોડતો આવ્યો અને કહ્યું, “તમારા બન્ને વિના મારી દીકરીઓ કુંવારી બેઠી છે.
જૂઠાજી અને અકલફૂટાજી બન્નેના લગ્ન શેઠની દીકરીઓ સાથે થઈ ગયા અને બધા મજાથી રહેવા લાગ્યા.
ગામવાળા કહેતા:
નેતા છે તો જૂઠો.
મંત્રી છે તો અકલફૂટો.
પણ સરકારનું રાજ ચાલે છે.
બન્નેની મોજ ચાલે છે.