સાહબ બાથરૂમ મેં હૈ – આશ કરણ અટલ
સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
—
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ
અનેક નાના-મોટા મહત્ત્વના સ્તંભો પર ઊભી છે આ ફિલ્મી દુનિયા, અનેક નાના-મોટા લોકોએ મળીને તેને બનાવી છે. તેમાં કેટલાક સીધી રીતે સંકળાયેલા છે, જ્યારે અનેક લોકો અપ્રત્યક્ષ રીતે. કેટલાક લોકોનું મહત્ત્વ વધુ છે જ્યારે કેટલાકનું ઓછું, પરંતુ મહત્ત્વહીન કોઈ જ નથી.
લડાઈમાં જેટલા જરૂરી સિપાઈ હોય છે એટલા જ જરૂરી ઘોડા પણ હોય છે… અને એટલા જ જરૂરી હોય છે ઘોડાના પગમાં નાળ ઠોકનારો. તેના વગર તો સિપાઈ અને ઘોડો બંને બેકાર છે.
આ બધા એવા સ્તંભો હોય છે, જેનો કોઈ વિકલ્પ નથી હોતો. આમાંથી એકેય ન હોય તો ફિલ્મની કલ્પના થઈ શકતી નથી.
આવો તો હવે આપણે વાતો કરીએ ફિલ્મી દુનિયાના આવા જ કેટલાક સિપાઈઓની, કેટલાક ઘોડાઓની અને કેટલાક ઘોડાના પગમાં નાળ ઠોંકનારાની. એટલે કે ફિલ્મો સાથે સંકળાયેલા પ્રત્યક્ષ સ્તંભોની.
—
હેર ડ્રેસર અથવા ડ્રેસમેન
હેર ડ્રેસર અને ડ્રેસમેનનું કામ ઘોડાની નાળ ઠોકનારા કરતાં પણ વધુ મહત્ત્વનું હોય છે. નાળ વગર ઘોડો થોડે દૂર સુધી તો ચાલી જ શકે છે, પરંતુ હેર ડ્રેસર અને ડ્રેસમેન વગર તો જરા પણ શૂટિંગ થઈ શકતું નથી.
ડ્રેસમેન એટલે તમે સામાન્ય દરજી સમજી નહીં લેતા. તેને ડ્રેસ બાબતે ઘણું જ્ઞાન હોય છે. જો મોગલ સમયની ફિલ્મ બની રહી છે તો તે ફિલ્મના ડ્રેસમેનને ખબર છે કે સન ૧૫૫૪માં જ્યારે અકબર ગાદી પર બેઠો હતો ત્યારે તેણે કેવો ડ્રેસ પહેર્યો હતો.
નાયિકાના વાળ પર હજારો ગીત બન્યાં છે. માન્યું કે વાળ નાયિકાના જ છે અને ગીતના બોલ ગીતકારના છે, પરંતુ અસલી કામ કરે છે હેર ડ્રેસર. તે નાયિકાના કેશકલાપને જોવા લાયક અને પ્રશંસા કરવાલાયક બનાવે છે. સામાન્ય ‘વાળ’ને તે જ ‘જુલ્ફો’નો દરજ્જો આપે છે.
—
જુનિયર કલાકાર
એક હોય છે, જુનિયર કલાકાર! વાસ્તવમાં અહીં વાત થઈ રહી છે કલાકાર હોવાની. કલાકાર કહેવામાં એક ગૌરવ છે. એક ગ્રેસ છે. જુનિયર છે તો શું થઈ ગયું? તે પોતાની જાતને તે આશ્ર્વસ્ત કરી શકે છે. આ જુનિયર-સિનિયર, આ ગોરા-કાળા, આ અગ્રણી-પછાત આ બધું તો દુનિયાએ બનાવેલા ચોચલા છે. આ બધા ભેદભાવોને દૂર કરી દેવામાં આવે તો આજે અમિતાભ બચ્ચન અને ચંપાલાલમાં શું ફરક છે? કોઈ નહીં! તે પણ આર્ટિસ્ટ, આ પણ આર્ટિસ્ટ.
પહેલા જુનિયર કલાકારોને એક્સ્ટ્રા કરીને બોલાવતા હતા. તેમાં એક જાતનું અપમાન જણાઈ આવતું હતું. પછી તો યુનિયન બન્યું અને લાંબી લડાઈ ચાલી ત્યારે નામ બદલીને જુનિયર કલાકાર કરી નાખવામાં આવ્યું. ચક્ષુહીનને સુરદાસ કહી દેવામાં આવ્યો. નામ બદલાઈ ગયું, કામ તો એ જ રહ્યું. બોમ્બેને મુંબઈ કહેવાથી જેવી રીતે બોમ્બેની સમસ્યાનું નિવારણ થઈ ગયું તેવી જ રીતે એક્સ્ટ્રાને જુનિયર
કલાકાર કહેવાથી એક્સ્ટ્રામાં છુપાયેલું જે અપમાન હતું તે ધોવાઈ ગયું.
જુનિયર કલાકાર પચ્ચીસ-પચાસ અથવા સેંકડોની ભીડનો હિસ્સો હોય છે. કોઈ શેઠની પાર્ટીનો સીન હોય કે પછી કોઈ રાજાનો દરબાર. જુનિયર કલાકાર પોતાનો ગેટ અપ લઈને તૈયાર થઈ જાય છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ જ્યાં સુધી સીન ચાલે છે ત્યાં સુધી. જુનિયર કલાકારનું મીટર ચાલ્યા કરે છે. અવાજ આવ્યો કે, ‘ભાઈ લોગ રેડી’ એટલે સેટ પર પહોંચી ગયા, નહીં તો પત્તા રમતા રહે છે અથવા તો ઊંઘ કાઢ્યા કરે છે. ક્યારેક કોઈ જુનિયર કલાકારને કેમેરાની નજીક આવવાની તક પણ મળી જાય છે. ફિલ્મ રિલીઝ થયા બાદ તે આખા પરિવારને લઈને જોવા માટે આવે છે. સીનમાં બીજી પંક્તિમાં ભાલો પકડેલો જેવો તે દેખાય છે કે તેના બાળકો ‘વો દેખો, પાપા.’ કરીને તાળીઓ વગાડે છે. જીવન-સંગીની પ્રશંસાભરી નજરે તેમની સામે જોયા કરે છે. થોડી વાર માટે કેમ ન હોય, તેમની નજરોમાં તે વિશેષ વ્યક્તિ બની જાય છે.
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)ઉ