સાહબ બાથરૂમ મેં હૈ-
આશ કરણ અટલ (ભાગ-૨)
પરિસ્થિતિમાં રહેલું અંતર
ગીતો વગર ભારતીય ફિલ્મોની કલ્પના પણ કરી શકાતી નથી. ફિલ્મમાં વાર્તા હોય કે ન હોય તો પણ એક વખત કામ ચાલી જશે, પરંતુ ગીતો વગરની ફિલ્મ એક ડગલું પણ ભરી શકતી નથી. અત્યાર સુધીમાં અજમાવવામાં આવેલી ગીતો માટેની અલગ અલગ પરિસ્થિતિઓ નીચે મુજબ છે.
——————–
મુજરો
આજની ફિલ્મોમાંથી હવે ડાઈનોસોરની જેમ મુજરાંના ગીતો પણ લુપ્ત જેવાં જ થઈ ગયાં છે. મુજરાની જગ્યા પર હવે ડિસ્કો અને રેપ આવી ગયા છે, નહીં તો પહેલાંની ફિલ્મોમાં નિર્માતા, ડિસ્ટ્રિબ્યુટરને ફિલ્મ વેચતી વખતે અભિમાનથી કહેતો હતો કે ‘હજુર, આ ફિલ્મમાં ચાર મુજરા રાખ્યા છે.’ મુજરા ફિલ્મની સફળતાની ગેરેન્ટી માનવામાં આવતી હતી. આજે તો ડિસ્ટ્રિબ્યુટર સામેથી નિર્માતાને ફિલ્મ ખરીદવા પહેલાં એવો સવાલ કરી નાખે છે કે ‘હજુર, આ ફિલ્મમાં કોઈ મુજરો-વુજરો તો નથી નાખ્યો ને?’
અહીં પણ દર્શકનું પતન થયું છે.
પહેલાનો દર્શક થોડો ‘ઠરકી’ (લંપટ?) પ્રકારનો હતો. તેની પસંદ નવાબો જેવી હતી, ભલે તે કોઈ મજૂર કેમ ન હોય. આખો દિવસ મજૂરી કરીને સાંજે ટિકિટ લઈને પહોંચી જાય ‘પાકિઝા’ જોવા માટે. મીના કુમારી મુજરો કરી રહી છે પરદા પર, સામે નવાબ સાહેબ અકડાઈને બેઠા છે સિનેમા હોલમાં. તે મજૂર નવાબ સાહેબથી પણ વધારે અકડ ધરાવતો મીના કુમારીના મુજરાનો આનંદ માણતો હતો. હાય ક્યાં ગયો એ મુજરો? ક્યાં ગયા એ લોકો?
————–
હોળીનું ગીત
એક ગરીબ ગામનો સેટ લાગેલો છે. આખું ગામ કોઈ ઠાકુર કે પછી ડાકુના આતંકમાં જીવી રહ્યું છે. હજી હમણાં થોડા સમય પહેલાં કોઈ ગરીબે આ ગામની ગરીબીના રોંદણા રડતા કહ્યું હતું કે લોકો ભૂખે મરી રહ્યા છે, ખાવા માટે અનાજનો એક દાણો પણ નથી. બરાબર આ જ સમયે હોળીનું દૃશ્ય આવે છે. એ જ ગરીબ લોકો નાયકની સાથે હોળીનું ગીત ગાય છે અને એટલો રંગ બરબાદ કરે છે, એટલો રંગ ઉડાવે છે કે નવાઈ લાગે કે આટલો બધો રંગ આવ્યો ક્યાંથી. હજી હમણાં તો તમારી પાસે ખાવા માટે અનાજનો એક દાણો પણ નહોતો અને હવે બધી છોકરીઓ એક કતારમાં આવીને રંગીન અને મેચિંગ ડ્રેસ પહેરીને એવી રીતે નાચી રહી છે, જાણે ગામમાં તો બધે જ સમૃદ્ધિ હોય. એક હોળીનું ગીત બધી જ પરિસ્થિતિ બદલી નાખે છે, ગરીબને અમીર બનાવી નાખે છે.
હોળીના ગીતમાં એક ખાસિયત હોય છે કે રંગ ઊડી રહ્યા છે, પીચકારીઓ મારવામાં આવી રહી છે, ગાલ રંગાઈ રહ્યા છે, જે ફક્ત હોળીમાં જ થતું હોય છે. આમ છતાં ગીતમાં એક પંક્તિ જરૂર હોય છે ‘હોલી હૈ’ જેથી દર્શકો સમજી શકે કે હોળી છે.
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)ઉ