તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ
મહાભારતના આદિપર્વમાં ધૌમ્ય ઋષિ અને તેમના ત્રણ શિષ્યોની કથા આવે છે. એમાંથી આરુણિની કથા આપણે ત્યાં અભ્યાસક્રમમાં પણ છે. આરુણિને એની નિશ્ર્ચળ ગુરુભક્તિ માટે યાદ કરાય છે.
અપોદ ઋષિના પુત્ર ધૌમ્ય ઋષિ હતા તેમને ત્રણ શિષ્યો નામે આરુણિ, ઉપમન્યુ અને વેદ. આરુણિ પાંચાલ દેશનો હતો જેને ગુરુએ મુશળધાર વર્ષા થઈ રહી હતી એવા એક દિવસે ખેતરમાં જઈ ક્યારાની પાળની રક્ષા કરવાનો આદેશ કર્યો હતો. એણે ખેતરમાં પાળાની તપાસ કરતાં જોયું કે એક જગ્યાએ નાનકડું ગાબડું પડ્યું હતું અને બધું પાણી વહી આવતું હતું. આસપાસથી માટી લઈ એણે ગાબડું ભરવા પ્રયત્ન કર્યો પણ પાણીનો વેગ ઘણો હતો એથી માટી ધોવાઈ જતી. રાત વધતી જતી હતી, ગાબડું મોટું થતું રહ્યું અને પાણીનો પ્રવાહ વધતો રહ્યો, મદદ માટેના પોકાર કોઈને સંભળાયા નહીં ત્યારે આરુણિ પોતે માટીની જગ્યાએ એ પાળાના ગાબડાંને પૂરતો ત્યાં ગોઠવાયો. પાણી રોકાઈ ગયું. આરુણિ પણ ચોતરફ માટીથી દબાઈ જવાને લીધે એ પાળાનો ભાગ બની ગયો પણ ત્યાંથી ઊઠ્યો નહીં.
બીજા દિવસે સવારે જ્યારે ગુરુએ આરુણિને આશ્રમમાં ન જોયો. શિષ્યો સાથે તેને શોધતાં ખેતરમાં પહોંચ્યા, તેમણે બૂમ પાડી, આરુણિ, પુત્ર તું ક્યાં છે? અહીં આવ! બીજા વિદ્યાર્થીઓએ બંધ પૂરો કર્યો પછી આરુણિ ઊભો થઈ ગુરુ પાસે આવ્યો. ધૌમ્યે તેને પાસે બોલાવી કહ્યું, તેં મારી આજ્ઞા પાળવા પોતાની જાત મૂકી દીધી; તારી ગુરુભક્તિ અજોડ છે. પાળો તોડીને તું ઊઠ્યો એટલે આજથી તારૂં નામ ઉદ્દાલક પાડું છું. વેદપુરાણોમાં પારંગત થઈ આરુણિ ઉદ્દાલક નામે સંસારી થયાં.
એ જ ઋષિ અયોધધૌમ્યના બીજા શિષ્ય હતા ઉપમન્યુ. ગુરુએ તેમને ગૌરક્ષા કરવાનું કામ સોંપ્યું. એ આખો દિવસ ગાયો ચરાવતો અને રાત્રે પાછો આવતો. તો પણ એને શરીરે પુષ્ટ જોઈ ગુરુએ પૂછ્યું, ‘તું કઈ રીતે જીવિકા ચલાવે છે?’ શિષ્યે કહ્યું, ‘હું ભિક્ષા માંગી અન્ન મેળવું છું.’ ગુરુએ કહ્યું, ‘તારે ભિક્ષાથી મેળવેલું બધું અન્ન મને આપવું.’ ઉપમન્યુએ એમ કર્યું તો પણ ઘણાં દિવસ પછી એને પુષ્ટ જોઈ ગુરુએ કારણ પૂછ્યું. ઉપમન્યુએ કહ્યું કે ‘એકવાર ભિક્ષા માંગી એ બધું અન્ન ગુરુને ધરે છે અને પોતાને માટે ફરી ભિક્ષા માંગે છે.’ ગુરુએ તેને કહ્યું કે ‘એમ કરવાથી અન્ય ભિક્ષા માગનારાઓને અન્ન નહીં મળે, અને તું લોભી થઈ જઈશ એટલે એમ ન કરતો!’ ગુરુની એ આજ્ઞા પાળવા છતાં એને પુષ્ટ જોઈ ગુરુએ ફરી કારણ પૂછ્યું તો એણે કહ્યું, ‘હું આ ગાયોનું દૂધ પીને પેટ ભરું છું.’ ગુરુએ કહ્યું એમ કરવું ઉચિત નથી. આજ્ઞા શિરોધાર્ય કરી એ પોતાના કામમાં પરોવાયો. ફરી ગુરુએ એને પુષ્ટ જોઈ પૂછ્યું કે ‘તું ભિક્ષા માગતો નથી, ગાયોનું દૂધ પણ પીતો નથી તો પુષ્ટ કઈ રીતે છે? એણે કહ્યું, હું વાછરડાં દૂધ પીતાં હોય ત્યારે જે ફીણ નીકળે છે એ પીને પ્રાણ બચાવું છું.’ ગુરુએ તેને કહ્યું કે ‘એ વાછરડા તારે માટે વધારે ફીણ પાડે છે, અને પોતે ભૂખ્યાં રહે એ એમને માટે યોગ્ય નથી.’ ફીણ ન પીવાની આજ્ઞા માથે ચડાવી પણ હવે તેની પાસે ખાવા માટે કોઈ વિકલ્પ રહ્યો નહીં. આખરે તીખાં, કડવાં અને અત્યંત ગરમ પ્રકૃતિના આકડાના પાંદડા એણે ખાધાં, પેટમાં અત્યંત દાહ થયો, એ આંધળો થઈ ગયો તો પણ ગાયો ચરાવતો રહ્યો. એમ કરતાં એકવાર એ કૂવામાં પડ્યો. ઘણો વખત ઉપમન્યુ આશ્રમ ન આવ્યો એટલે ગુરુ અન્ય શિષ્યો સાથે તેને શોધવા નીકળ્યા. બૂમો સાંભળી ઉપમન્યુએ તેમને કહ્યું કે એ કૂવામાં પડ્યો છે અને અંધ થઈ ગયો છે. ગુરુએ તેને અશ્ર્વિનિકુમારોની સ્તુતિ કરવા કહ્યું જેથી તેની આંખો પાછી મળે.
મહાભારતના આદિપર્વના ત્રીજા અધ્યાયમાં ઉપમન્યુએ કરેલી અશ્ર્વિનિકુમારોની સ્તુતિ આવે છે. એ અશ્ર્વિનિકુમારોની પ્રાર્થના કરતાં કહે છે, તમે સૃષ્ટિ પહેલા પણ હતાં, હિરણ્યગર્ભ રૂપે તમે જ સૌપ્રથમ ઉત્પન્ન થયાં, અનેકવિધ રીતે તમે જ પ્રકાશના વાહક છો. તમે બંને અનંત છો, અત્યંત તેજસ્વી છો; હું તમારી સ્તુતિ કરું છું. તમે કાયમ સત્ત્વગુણમાં જ રત રહો છો અને તમારા સ્વરૂપનું કોઈ માપ નથી. તમે અત્યંત સુંદર અને છતાં આસક્તિ રહિત હિરણ્યમય પક્ષી છો. અસત્ય અને નશ્ર્વરથી તમે પર છો. તમે સ્વયં સૂર્યરૂપ ધારણ કરીને દિવસ અને રાત રૂપ સફેદ અને કાળા દોરાથી સંવત્સર રૂપી વસ્ત્ર વણો છો. દિવસ અને રાત રૂપી ગાયો સંવત્સર રૂપી વાછરડાને જન્મ આપે છે અને પરમતત્ત્વને જાણવા માંગતા વિદ્વાન આ વાછરડાની સહાયતાથી તત્વ શોધન રૂપી દૂધ દોહે છે. તમે બંને એ ધર્મતત્ત્વના સારરૂપ દોહન
કરો છો.
રાશિઓ રૂપી બાર આરા, છ ઋતુઓ રૂપી ધરીઓ, વર્ષરૂપી એક અક્ષવાળું અને અમૃત ધારણ કરનાર એક ચક્ર છે. એ કાળચક્રમાંથી મને મુક્ત કરો. હું તમારી બંનેની અને તમારા દ્વારા આકાશરૂપ બ્રહ્મથી ઉત્પન્ન બ્રહ્માંડની જે માળા તમે ધારણ કરો છો એની હું પૂજા કરું છું. તમે અમર છો, અમૃત અને સત્યની વૃદ્ધિ કરનાર છો. તમે જીવનના, શરીરની દ્રઢતા અને સ્વસ્થતાના દાતા છો. હું મારા સ્વસ્થ ચક્ષુ માટે તમારી પ્રાર્થના કરું છું.
અશ્ર્વિનિકુમારો પ્રસન્ન થયાં અને ત્યાં પ્રગટ થઈ ઉપમન્યુને માલપુડા આપતાં તેમણે કહ્યું, ‘આ માલપુડા ખાઈ લે, એથી તારી આંખો પાછી આવશે અને પુન: સ્વસ્થ થઈ જશે.’ ઉપમન્યુએ કહ્યું, ‘ગુરુની આજ્ઞા વગર હું આ માલપુડા ખાઈ શકું નહીં.’ અશ્ર્વિનિકુમારોએ કહ્યું, તારા ગુરુએ તારી ભક્તિ તપાસવા અત્યંત આકરી પરીક્ષા કરી, હવે એ પૂર્ણ થઈ, આ ખાઈ જા.’ તો પણ ઉપમન્યુ માન્યો નહીં. ગુરુ પાસે જઈ તેણે આખી વાત કહી. ગુરુએ પ્રસન્ન થઈ તેને એ પ્રસાદ ગ્રહણ કરવાની આજ્ઞા આપી. અશ્ર્વિનિકુમારોએ ગુરુભક્તિથી પ્રસન્ન થઈ તેને કહ્યું, તારા શરીરની આંખો જ નહીં, જ્ઞાનની આંખો પણ ખૂલી જશે. તું વેદ અને શાસ્ત્રોમાં પ્રવીણ થઈશ, ધર્મ તારાથી વૃદ્ધિ પામશે.
ત્રીજા શિષ્ય વેદની પરીક્ષા કરતાં એને ગુરુકુળમાં જ અત્યંત કઠિન કાર્યો આપ્યાં, એ બળદને સ્થાને હળમાં જોતાયો; એણે ગુરુની આજ્ઞા પાળવા ટાઢ, તડકો, વર્ષા અને ભૂખ તરસ વગેરે સહન કરી ગુરુને અનુકૂળ થઈ રહ્યો એથી ગુરુના આશિષ મેળવી શક્યો અને કલ્યાણ તથા સર્વજ્ઞતા પ્રાપ્ત કરી.
મહાભારતના અનેક ઉપાખ્યાનોમાં અનેક નાનકડી, પરંતુ રસપ્રદ અને બોધ આપતી કથાઓ છે. ગુરુભક્તિનો મહિમા તો આમ પણ કાયમ રહ્યો જ છે અને આ કથાઓ એમાં શિરમોર છે.