મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
અહંકાર એ માનવજાતનો કટ્ટર શત્રુ છે. ઝેરથી માનવ મૃત્યુને આમંત્રે છે પણ અહંકાર તો હજારો – લાખો માનવસમૂહોને એક યા બીજા સ્વરૂપે મૃત્યુને ઘાટ ઉતારે છે.
* આ અહંકાર સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રોમાં,
* સત્તા અને સંપત્તિ ધરાવતી વ્યક્તિઓમાં, મુફતી (ધર્મનું ઊંડુ જ્ઞાન ધરાવતા)ઓમાં કે
* સૌન્દર્ય અને શારીરિક બળ જેવા કુદરતે બક્ષેલ નેઅમત (ઈશ્ર્વરની દેણગી)માં હોય છે.
* પણ જ્યારે કુદરતે બક્ષેલ આ બક્ષિસ તેના વિરુદ્ધનાં કાર્યો કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે આવી નેઅમતો ધરાવતી વ્યક્તિઓની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે.
* દિલોદિમાગમાં મગરૂરી પ્રવેશે છે અને તે પ્રગતિની ટોચ પરથી પતનની ખાઈમાં લઈ જઈ પડે છે.
* જોકે આ પરિવર્તન કે ઈન્કીલાબ (સ્વતંત્રતા) કુદરતનો એક અટલ નિયમ છે.
મઝહબે ઈસ્લામમાં આ મગરૂરીને – અહંકારને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે.
* એક હદીસ (નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું કથન) છે કે, ગમે તેટલો મોટો આલીમ (જ્ઞાની, વિદ્વાન) અને આબિદ (શ્રેષ્ઠ, બુદ્ધિશાળી) શખસના દિલમાં સહેજ પણ ગર્વ – અહંકાર હશે તો તેની બક્ષિસ (માફી) થશે નહીં. ક્ષમાયાચના સ્વીકારાશે નહીં.
* વીસ લિટર દૂધના કેનમાં મામૂલી નમકના થોડા કણો જેમ સમસ્ત દૂધને બગાડે છે.
એક વેળા નબી સાહેબે ફરમાવ્યું કે-
* શ્રેષ્ઠ મનુષ્ય એ છે કે જે યુદ્ધ જીતીને આવે તે નહીં પણ જે પોતાના નફસ (સત્ત્વ) અને ઈચ્છાઓને અંકુશમાં રાખી હૃદયમાંથી અહંકારને કાઢી પછાડે તે છે.
– વ્હાલા વાચક મિત્રો! આપણે સૌએ રોજિંદા જીવનમાં અને અન્ય પ્રવૃત્તિઓમાં વિવેક અને પ્રેમભાવના કેળવવી જોઈએ. સફળતા પ્રાપ્ત કરવાની આ એક ઉમદા ચાવી છે.
* અહંકાર ધરાવતો મનુષ્ય સેતાનનો દોસ્ત છે અને સેતાન અલ્લાહનો શત્રુ છે.
* ભલા જે વ્યક્તિનો મિત્ર સેતાન હોય તે કદી કોઈપણ ક્ષેત્રમાં હંમેશ માટે કામિયાબ નીવડી શકે ખરો? બલકે તેની દીન અને દુનિયા બંને ખસારામાં આવી જાય.
પવિત્ર કુરાનમાં અલ્લાહતઆલાનો પોતાનો કલામ (વાણી) છે તેમાં અનેક સ્થળે અહંકારને વખોડી કાઢતાં ઉલ્લેખો જોવા મળે છે, અગાઉના યુગનાં દૃષ્ટાંતો ટાંકવામાં આવ્યાં છે.
* પયગંબર હઝરત મુસા અને ફીરઓનનો કિસ્સો,
* ગર્વમાં ડુબેલા પયગંબર હઝરતનુહના પુત્રનો તથા પારાહ ૩૦માં ‘સુરતુલ – ફીલ’ જેમાં યમનના ગર્વિષ્ઠ ઈસાહ બાદશાહના સેંકડો હાથીઓ સાથેના લશ્કરને નાનકડા અબાબિલ પક્ષીઓએ નેસ્તોનાબૂદ કરીને બાદશાહના અહંકારને ધૂળ ચાટતું કરી દીધું એ દૃષ્ટાંતો શું સૂચવે છે? જરા વિચારો, અભિમાનને ત્યજો.
ધર્મ સંદેશ:
ઈસ્લામની મઝહબની બંદગી – ઈબાદત – પ્રાર્થના – ઈશ્ર્વર, અલ્લાહની સ્તૂતિની અનેક વિધિઓમાં પણ મગરૂરી, અભિમાનથી બચવાને સખત તાકીદ કરવામાં આવેલ છે:
૧. નમાઝ એ શ્રેષ્ઠ ઈબાદત છે, જે થકી માનવ જાતના જન્મથી મૃત્યુ સુધીની દરેક પ્રવૃત્તિઓને રહસ્યમયપણે આવરી લઈને ખરું માર્ગદર્શન દેખાડવામાં આવ્યું છે.
૨. મસ્જિદમાં ખતીબ અર્થાત નમાઝ અદા કરવાની આગેવાની લેનાર ઈમામ સાહેબ નમાઝ સાથે પઢાવવાને પોતાની જગ્યા પર બે પાંચ મિનિટ વહેલા આવીને બેસી જાય એ સુન્નતે રસૂલ (નબી મુહમ્મદ સાહેબનું આચરણ) છે.
૩. એક હદીસ (કથન, વાક્ય)માં છે કે, જે ઈમામ સાહેબ એ પ્રમાણે કરતા નથી તેની પાછળ નમાઝ પઢવી જાએઝ (માન્ય) નથી.
૪. આવી વર્તણૂક પાછળનો ભેદ – રહસ્ય એ છે કે ઈમામ સાહેબના દિલોદિમાગમાં ઘમંડ છે. મગરૂરી છે.
૫. જો ઈમામ સાહેબ પોતાના હૃદયમાંથી અહંકાર નષ્ટ કરીને દિલને સાફ – સ્વચ્છ આરસીની પેઠે રાખે તો અલ્લાહનું નૂર (આભા) હૃદયમાં સ્થાન લે છે અને નમાઝ મકબુલ (લોકપ્રિય, સ્વીકૃત) થાય છે.
બોધ:
એક મુસ્લિમજન બીજા સામાન્યજનને સાચા માર્ગ પર દોરવા માટે પેદા થયો છે, ત્યારે તેનું વ્યક્તિત્વ અનુકરણીય હોવું ઘટે. જેમ કે-
* લિબાસ (પહેરવેશ) સ્વચ્છ અને સાદો,
* વાણી મૃદુ અને પ્રભાવશાળી,
* રીતભાત સજજનને શોભે એવી વિવેકશીલ,
* હલનચલન મક્કમ અને ધીરગંભીર,
* વર્તાવ પરગજુ, પરોપકારી,
* લક્ષ ઈન્સાફ પસંદી (ન્યાયપૂર્વક)
* દુન્યવી બાબતોમાં નીડર પણ ખુદાનો ખૌર (ડર).
– જે વ્યક્તિમાં આ તમામ ગુણ સમાયેલા હોય તેજ એક સાચા મોમીન (ઈમાનદાર મુસલમાન)ની ઓળખ પૂરી પાડે છે.
– જાફરઅલી ઈ. વિરાણી
* * *
આજનો સંદેશ
એક મુસ્લિમ – સાચા અનુયાયી તરીકેની કસોટી પર ત્યારે સંપૂર્ણ ઊતરતો હોય છે જ્યારે તેની નાની-મોટી અર્થાત્ સામાન્ય રીતભાતમાં બીજાઓ સાથેનો હુસ્ને સુલુક (સ્નેહભર્યો વ્યવહાર) અને ઈમાનદારી સામેલ થતા હોય છે.
– હુઝુરે અનવર (સલ.)