વિધાનસભ્યએ રસ્તો ન આપ્યો તો સાધુએ કરી આત્મહત્યા! જાણો શું છે આખો મામલો

દેશ વિદેશ

રાજસ્થાનના જાલોર જિલ્લામાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવનારા સાધુ રવિનાથનો મૃતદેહને 35 કલાક બાદ ઝાડ પરથી ઉતારવામાં આવ્યો હતો. પોલીસ પ્રશાસન અને આશ્રમના સમર્થકો વચ્ચે લાંબી ચર્ચા બાદ મૃતદેહને નીચે ઉતારવા માટે સંમત થયા હતા. મળતી માહિતી અનુસાર મૃતદેહને જસવંતપુરાના એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સાધુ રવિનાથે પોતાની સુસાઈડ નોટમાં ભાજપના વિધાનસભ્ય પૂરારામ ચૌધરી સહિત અન્ય કેટલાક લોકોના નામ લખ્યા હતાં. હાલમાં પોલીસે વિધાનસભ્ય સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે રાજપુરા રોડ પર આવેલા આશ્રમ આગળ જાલોરના ભીનમાલ મતદારસંઘના વિધાનસભ્ય પૂરારામ ચૌધરીની જમીન છે. ગુરુવારે એ જમીનને પોતાના કબ્જામાં લેવા માટે ચૌધરી ગયા હતાં અને બુલ્ડોઝરની મદદથી ખોદકામ કરી રહ્યા હતાં. સંતે આશ્રમ જવા માટે રસ્તો માંગ્યો ત્યારે વિધાનસભ્યે નહીં આપ્યો અને ખોદકામની જગ્યાએ સંતે ઝાડ પર ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
આ મામલે પોલીસે વધુ માહિતી જાહેર કરવાની મનાઈ કરી હતી. પૂરારામ ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ થવી જોઈએ. સાધુ સાથે ન્યાય થવો જોઈએ. મને આ હત્યાનો મામલો લાગી રહ્યો છે. અમારો સાધુ સાથે કોઈ વિવાદ નહોતો. આશ્રમ જવા માટે સાધુ માટે રસ્તો પણ રાખ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.