સાધનાએ યાદવ પરિવારને વિભાજિત કરી દીધો

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

મુલાયમસિંહ યાદવનાં બીજાં પત્ની સાધના ગુપ્તાનું શનિવારે નિધન થયું. સાધના ગુપ્તા કોઈ સેલિબ્રિટી નહોતાં ને મુલાયમનાં બીજાં પત્ની સિવાય તેમની કોઈ ઓળખ નહોતી પણ યુપીના રાજકારણમાં એક સમયે જેમના નામના ડંકા વાગતા હતા એ મુલાયમસિંહ યાદવ પરિવારમાં તેમણે ફાટફૂટ પડાવી દીધી હતી એ જોતાં યુપીના રાજકારણના એક રસપ્રદ કેરેક્ટર તરીકે
તેમને કમ સે કમ યાદવ પરિવારને ઓળખનારા લોકો તો યાદ રાખશે જ.
મુલાયમ અને સાધનાની લવસ્ટોરી રસપ્રદ છે. મુલાયમનાં માતા મૂર્તિદેવીને ૧૯૮૦ના દાયકામાં હૉસ્પિટલમાં દાખલ કરાયેલાં ત્યારે એક નર્સ તેમને ખોટું ઈંજેક્શ આપવા જતી હતી. ટ્રેઈની નર્સ સાધના ગુપ્તાએ નર્સને રોકીને મુલાયમની માતાનો જીવ બચાવ્યો તેમાં બંને વચ્ચે પરિચય થયો ને પછી બંને પ્રેમમાં પડ્યાં. સાધના મુલાયમસિંહથી ૨૦ વર્ષ નાનાં હતાં ને પહેલાંથી પરણેલાં હતાં પણ પ્રેમ ઉંમર પણ જોતો નથી ને સામેની વ્યક્તિ પરણેલી છે કે અપરણિત છે એ પણ જોતો નથી તેથી બધું ભૂલીને બંને એકબીજામાં ડૂબી ગયાં.
મુલાયમે માલતી દેવી સાથે પહેલાં લગ્ન કરેલાં ને આ લગ્નથી અખિલેશ જન્મેલો પણ એ પણ બધું ભૂલીને સાધનાનાં પ્રેમમાં પાગલ થઈ ગયેલા. સાધના ગુપ્તાનાં પહેલાં લગ્ન ચંદ્રપ્રકાશ ગુપ્તા સાથે થયેલાં ને આ લગ્નથી પ્રતીક જન્મ્યો હતો. બંનેને એકબીજા વિના રહી નહીં શકાય એવું લાગ્યું એટલે સાધનાએ ૧૯૮૯માં ચંદ્રપ્રકાશને ડિવોર્સ આપી મુલાયમ સાથે લગ્ન કર્યાં. પ્રતીક સાધનાની સાથે આવ્યો ને પ્રતીકને સ્કૂલમાં મુકાયો ત્યારે તેના પિતા તરીકે મુલાયમનું નામ લખાયું હતું, પિતાના સરનામામાં મુલાયમની લખનઉની ઑફિસનું નામ લખાયું હતું.
મુલાયમે સાધના સાથે લગ્ન કર્યા પછી પ્રતીકને પોતાનું નામ આપ્યું પણ લગ્નની વાત જાહેર કરી નહોતી. મુલાયમ-સાધના સાથે જ રહેતાં તેની મુલાયમના પરિવારને પણ ખબર હતી ને સમાજવાદી પાર્ટીના કાર્યકરોને પણ ખબર હતી પણ પહેલવાન મુલાયમનો ખોફ એવો હતો કે કોઈ બોલતું નહોતું. ૨૦૦૩માં પહેલી પત્ની માલતી દેવીના નિધન પછી ચાર વર્ષ બાદ છેક ૨૦૦૭માં મુલાયમે સાધના સાથેના સંબંધો સ્વીકાર્યા અને પોતે બીજાં લગ્ન કર્યાંનું જાહેર કર્યું ત્યારે આખી દુનિયાને ખબર પડી કે, રફટફ લાગતા મુલાયમ પણ રંગીન મિજાજ માણસ છે. મુલાયમે ૨૦૦૭માં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને સાધના સાથેનાં લગ્ન સ્વીકાર્યાં પછી સાધના ખુલ્લેઆમ મુલાયમ સાથે જ રહેતાં ને પ્રતીક પણ સાથે જ આવી ગયેલો.
મુલાયમે બીજાં લગ્નની જાહેરાત કરી ત્યાં સુધીમાં અખિલેશ રાજકારણમાં આવી ગયેલો. અખિલેશ મુલાયમના સાચા રાજકીય વારસ તરીકે સ્થાપિત થવા માંડેલો ને ૨૦૧૨ની યુપી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ભવ્ય જીત પછી મુલાયમે અખિલેશને બાકાયદા વારસો સોંપીને મુખ્યમંત્રી બનાવી દીધો.
અખિલેશે જીદ કરીને મુખ્યમંત્રીપદ લીધેલું એવું પણ કહેવાય છે. જે હોય તે પણ અખિલેશ મુખ્યમંત્રી બન્યો એ સાથે જ સાધના ગુપ્તાને અસલામતી લાગવા માંડી એવું કહેવાય છે. અખિલેશ ગાદી પર બેસી ગયો તેથી પોતાના દીકરાનું શું થશે એ ચિંતા પણ થઈ હશે. અખિલેશ મુખ્યમંત્રી હતો ત્યાં સુધી તો બોલી શકાય તેમ નહોતું પણ ૨૦૧૭માં ભાજપે અખિલેશને હરાવીને સત્તા કબજે કરી એ સાથે જ સાધના મેદાનમાં આવી ગયેલાં ને પુત્ર પ્રતીકને રાજકારણમાં લાવવાના ઉધામા શરૂ કર્યા તેમાં યાદવ પરિવારમાં ડખા શરૂ થઈ ગયેલા. પ્રતીકને પોતાને રાજકારણમા જરાય રસ નથી પણ સાધના અને તેની પત્ની અપર્ણાના કારણે એ પણ ખેંચાયો ને અંતે તેનું પરિણામ યાદવ ખાનદાનના વિભાજનમાં આવ્યું.
અપર્ણાનું મૂળ નામ અપર્ણાસિંહ બિસ્ત છે અને ઠાકુર પરિવારમાંથી આવે છે. અપર્ણાના પિતા અરવિદસિંહ બિશ્ત વરસોથી લખનઉમાં એક ટોચના અંગ્રેજી અખબારના બ્યુરો ચીફ છે. પ્રતીક-અપર્ણા સ્કૂલમાં ભણતાં ત્યારે જ ઈલુ ઈલુ શરૂ થઈ ગયેલું. અપર્ણાએ પરિવારને પ્રતીક વિશે કશું નહોતું કહ્યું. મુલાયમે ૨૦૦૭માં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને સાધના સાથેનાં લગ્ન સ્વીકાર્યા પછી અપર્ણાએ પોતાના પરિવારને પ્રતીક વિશે જણાવેલું.
અરવિંદસિંહ દીકરીની લવ સ્ટોરી સાંભળીને ભડકી ગયેલા ને પ્રતીક-અપર્ણાના મિલન પર પ્રતિબંધ મૂકી દીધેલો. બંને મળી શકતાં નહોતાં પણ ફોન પર સતત સંપર્કમાં રહેતાં. બિશ્તે પછી અપર્ણાને ભણવા માટે યુ.કે. મોકલી દીધી. પ્રતીક પણ ભણવા યુ.કે. ઉપડી ગયો ને લવ સ્ટોરી આગળ ચાલી. અપર્ણાએ ઈન્ટરનેશનલ રિલેશન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે જ્યારે પ્રતીકે લીડ્સ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટમાં એમ.એસસી. કર્યું છે. વિદેશમાં બંને સાથે જ રહેતાં તેથી એટલાં આગળ વધી ગયેલાં કે તેમના સંબંધોને સ્વીકાર્યા વિના અપર્ણાના બાપનો છૂટકો જ નહોતો.
અપર્ણા અને પ્રતીકની લવસ્ટોરીમાં મુલાયમ પણ આડા ફાટેલા કેમ કે બિશ્ત મુલાયમની સતત બજાવનારા પત્રકાર તરીકેની નામના ધરાવતા હતા. સાધનાએ તેમને સમજાવ્યા પછી એ માન્યા ને ૨૦૧૦માં સગાઈ થઈ. પ્રતિક-અપર્ણાનાં લગ્ન ૨૦૧૧માં મુલાયમના વતન સેફઈમાં થયાં ત્યારે મુલાયમે પાણીની જેમ પૈસો વહાવેલો.
પ્રતીકને રાજકારણમાં રસ નહોતો. સાધના પ્રતીકને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી લડાવવા માગતાં હતાં પણ પ્રતીકે ના પાડતાં સાધનાએ અપર્ણાને આગળ કરી દીધાં. સાધનાએ બહુ ધમપછાડા કરેલા પણ અખિલેશે અપર્ણાનું પત્તું કાપી નાખ્યું હતું. એ પછી પણ સાધના-અપર્ણા બરાબર મચેલાં રહ્યાં તેથી અખિલેશે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં અપર્ણાને ટિકિટ આપવી પડેલી પણ અપર્ણાને ભાજપની સૌથી સેફ મનાતી લખનઉ કેન્ટ બેઠક પર ઊભાં રાખ્યાં. અપર્ણા કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલાં રીટા બહુગુણા સામે હારી ગયેલાં.
અપર્ણા ના ચાલતાં સાધનાએ મુલાયમના ભાઈ શિવપાલને ઊભા કર્યા. અખિલેશ કરતાં શિવપાલ વધારે સક્ષમ હોવાનું કહીને ચાવી ભરી તેમાં કાકો-ભત્રીજો ભિડાઈ ગયા. મુલાયમ માટે ભાઈ કરતાં દીકરો વધારે મહત્ત્વનો હોય જ તેથી અખિલેશનો પક્ષ લીધો તેમાં શિવપાલે નવો પક્ષ રચી નાખ્યો. બે યાદવોની લડાઈમાં ભાજપને ફાયદો થયો ને અખિલેશ લટકી ગયા. સાધનાના કહેવાથી અપર્ણા પણ ભાજપમાં જોડાઈ ગયાં તેથી એક સમયે એક મનાતો યાદવ પરિવાર અત્યારે ત્રણ અલગ અલગ છાવણીમાં છે.
સાધના આ બધા છતાં કશું મેળવી ના શક્યાં કેમ કે અપર્ણા ભાજપની સામાન્ય કાર્યકર છે ને પ્રતીક પોતાની રીતે જીવે છે. પ્રતીક મુલાયમનો વારસ બની શક્યો નથી ને બનવાનો
પણ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.