કિવ (યુક્રેન): યુક્રેન ફરી એકવાર રશિયન હુમલાથી ધણધણી ઉઠ્યું હતું, જયારે રશિયન દળોએ શુક્રવારે વહેલી સવારે યુક્રેનના દક્ષિણ અને પૂર્વ ભાગમાં હુમલા તીવ્ર કર્યા હતાં. મોસ્કોએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં મહત્ત્વની માળખાકીય સુવિધાઓ પર અને ઝાપોરિઝ્ઝિયામાં ઊર્જા માળખા પર અનેક હુમલા કર્યા હતાં.
ઝાપોરિઝ્ઝિયા સિટી કાઉન્સિલ સેક્રેટરી એનાટોલી કુર્તીવે જણાવ્યું હતું કે એક કલાકમાં શહેરને ૧૭ વખત નિશાન બનાવવામાં આવ્યું હતું, તેમના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી ૨૦૨૨માં યુદ્ધની શરૂઆત પછીના આ સૌથી તીવ્ર હુમલા છે.
ખાર્કિવમાં, સત્તાવાળાઓ હજી પણ પીડિતો અને નુક્શાનની માહિતી એકત્રિત રહી રહ્યા હતા, મેયર ઇહોર તેરેખોવે જણાવ્યું હતું કે વીજળી અને પાણી પુરવઠામાં વિક્ષેપ આવી શકે છે.
લશ્કરી વિશ્ર્લેષકો કહે છે કે રશિયા નવા આક્રમણની તૈયારી કરી રહ્યું હોવાની માન્યતા વચ્ચે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને આશા છે કે યુક્રેન માટે યુરોપનું સમર્થન ઘટશે.
યુક્રેનમાં ગુરુવારે લડાઈ વધુ તીવ્ર બની હતી. કિવની લશ્કરી ગુપ્તચર એજન્સીએ જણાવ્યું હતું કે રશિયન દળોએ આંશિકરીતે કબજે કરેલા ડોનેટ્સક અને લુહાન્સ્ક વિસ્તારોમાં આક્રમણ શરૂ કર્યું છે, જેનો હેતુ ડોનબાસ તરીકે ઓળખાતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનો છે. મોસ્કો સમર્થિત અલગતાવાદીઓ ૨૦૧૪થી ત્યાં યુક્રેનિયન દળો સામે લડી રહ્યા છે. (એપી)