Russia-Ukrain War: ભારતે પ્રથમ વખત UNSCમાં રશિયા વિરુદ્ધ મતદાન કર્યું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બુધવારે યોજાયેલી યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(UNSC)ની બેઠકમાં રસિયા-યુક્રેન યુદ્ધ પર “પ્રોસીજરલ વોટ”માં ભારતે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું હતું. 15 સભ્યોની યુએન સિક્યુરિટી કાઉન્સિલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને વીડિયો-ટેલિકોન્ફરન્સ દ્વારા મીટિંગને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું હતું. રશિયન સેનાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કર્યું હતું. ત્યાર બાદ UNSCની દરેક બેઠકમાં ભારતે આ બાબતે મતદાન કરવાનું ટાળ્યું હતું, જેનાથી અમેરિકા સહિત પશ્ચિમી દેશો નારાજ હતા. હવે ભારતે યુક્રેનના મુદ્દે પહેલીવાર રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા આર્થિક અને અન્ય પ્રતિબંધો લગાવ્યા છે.
યુક્રેનની આઝાદીની 31મી વર્ષગાંઠ પર છ મહિનાથી ચાલુ યુદ્ધની સમીક્ષા કરવા સુરક્ષા પરિષદે બુધવારે એક બેઠક યોજી હતી. મીટિંગ શરૂ થતાં સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત વેસિલી એ. નેબેન્ઝિયાએ ઝેલેન્સકીના વિડિયો ટેલિ-કોન્ફરન્સ દ્વારા મીટિંગમાં જોડાવા અંગે પ્રક્રિયાગત મતની લેવાની માંગણી કરી હતી. મતદાન દરમિયાન ભારત સહીત 13 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે રશિયાએ આ આમંત્રણની વિરુદ્ધમાં મતદાન કર્યું અને ચીને મતદાન કરવાનું ટાળ્યું હતું.
નોંધનીય છે કે યુક્રેન પર રશિયાના હુમલાની ભારતે નિંદા કરી નથી. ભારતે રશિયા અને યુક્રેનને વાતચીતના માર્ગ પર પાછા ફરવાની વારંવાર અપીલ કરી છે અને બંને દેશો વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાના તમામ રાજદ્વારી પ્રયાસોમાં સહકાર વ્યક્ત કર્યો છે.
નોંધનીય છે કે ભારત UNSCનું સ્થાયી સદસ્ય નથી, બે વર્ષ માટે UNSCનું અસ્થાયી સભ્ય છે. જેનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.