સાત દિવસમાં યુક્રેનને ભોંય ભેગું કરનાર રશિયા હાંફ્યું પણ યુક્રેન આઝાદી કાળમાં પહોંચી ગયું

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

તમને એક આલીશાન ઓરડામાં બેસાડવામાં આવે, જ્યાં શરીર વર્ષો સુધી જીવી શકે તેટલી સુવિધાઓ પર્યાપ્ત માત્રામાં છે. બહાર તો પગ મુકવા જેવું નથી. ચારે કોર લાશના ઢગલા, લોહીથી ખરડાયેલી ભૂમિ અને યુદ્ધના કાળા વાદળો ફેલાયેલા છે. આ આલીશાન ઓરડામાં રહેવાની ઓફર તમને દુશ્મન દેશે આપી છે અને એવી સાંત્વના પણ આપી છે કે, “તમને કંઈ નહીં થાય બસ આ ઓરડાની બહાર નહીં નીકળતા. જો નીકળ્યાં તો મર્યા. અમે તમને અક્ષયપાત્રની જેમ અપાર શક્તિઓ આપીશું, જો જીવ અને સત્તા બન્ને વ્હાલા હોય તો માતૃભૂમિની રક્ષા કરવાનું ભૂલી જજો આવા પ્રસ્તાવ બે દેશના રાષ્ટ્રપતિને મળ્યા. પ્રથમ તો મુઠી વાળીને ભાગ્યા તેમના મતે આવા ઠાલાં વચનોમાં પડવાનું જ નહીં, જીવતા હશું તો આવી અન્ય દેશમાં મોજ કરશું’ જયારે બીજા રાષ્ટ્રપતિએ આ ઓફરને ફગાવીને સામી છાતીએ યુદ્ધ કરવાનું સ્વીકારી લીધું અને એવું પણ જાહેર કરી દીધું કે, “ભલે મારે શહીદી વ્હોરી લેવી પડે પણ માતૃભૂમિ કાજે હું ક્યારેય પીછેહઠ નહીં કરું.
પ્રથમ કિસ્સો અફઘાનિસ્તાનનો હતો. જ્યાં તાલિબાનો આવતા જ રાષ્ટ્રપતિ અબ્દુલ કબીર સરકારી પ્લેનમાં ડૉલરથી ભરેલા થેલા લઈને નાસી ગયા જયારે બીજો કિસ્સો યુક્રેનનો છે. વોલોદીમીર ઝેલેન્સ્કીનો છે. જે સતત ૬ મહિનાથી રશિયા સાથે સામે છાતીએ લડી રહ્યા છે. ૨૦૧૪થી રશિયન સરહદ લંબાવવાની લ્હાયમાં રશિયાના સુપ્રીમો વ્લાદિમીર પુતિન પ્રયત્નશીલ થયા છે. તેથી જ તો એક જ બેઠકમાં તેમણે જ્યોર્જીયાને ચૂપ કરી દીધું અને બેલુરસમાં પોતાનો કહ્યાગરો પ્રમુખ ગોઠવી દીધો હતો. આ બંને દેશમાં પુતિન ધાર્યું કરી શકતા હતા. જયારે યુક્રેન બાબતે તેના પ્રયત્નો મરણિયા સાબિત થયા. સત્તા પર રહ્યાના ૨૨ વર્ષ થયા છતાં પુતિન રશિયન લોકોને સુખાકારીના દિવસો બતાવી શક્યા નહોતા. જયારે યુક્રેનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા ઝેલેન્સકી સતત દેશનો વિકાસ કરતા હતા અને હવે યુક્રેન નાટો પ્રેમી બનવા લાગ્યું હતું. જેથી પુતિને યુક્રેનમાં તખ્તા પલટ માટે અનેક ષડયંત્રો રચ્યા પણ પરંતુ યુક્રેનના સાર્વભૌમત્વની સામે નિષ્ફ્ળતા જ સાંપડી. આખરે પુતિને ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ યુક્રેન પર મિસાઇલો ફેંકીને યુદ્ધ શરૂ કરી દીધું.
સત્તાભુખ્યા પુતિને તો એ દિવસે પ્રેસ કોન્ફરસ કરીને એવી જાહેરાત પણ કરી દીધી કે, ‘૭ દિવસમાં યુદ્ધ ખતમ થઈ જશે અને આગામી ૨૪ ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ યુક્રેનના ૩૧માં સ્વાતંત્ર્ય પર્વ પર રશિયન રાષ્ટ્રધ્વજ ફરકાવશે’ પણ પુતિનના આ શબ્દો ખોટા સાબિત થયા. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ધારણા કરતાં લંબાયું છે. યુક્રેનની સેના અને સામાન્ય નાગરિકોએ અસામાન્ય બહાદુરી સાથે રશિયાનો સામનો કર્યો છે. આ નિહાળીને પુતિન અકળાયા અને ગત ૨૪ ઑગસ્ટના રોજ રોકેટ-સ્ટ્રાઇક શરૂ કરી દીધી. જેમાં પૂર્વ યુક્રેનમાં રશિયાના કબજાવાળા ડોનેત્સ્કથી ૧૪૫ કિમી દૂર ચાલુ ટ્રેન પર રોકેટ ખાબકતા ૪ બોગીમાં આગ લાગી ગઈ, જેમાં ૨૨ લોકો જીવતા ભડથું થઈ ગયા અને ૫૦થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પુતિને ખરેખર પોતાની કુંઠિત માનસિકતાને સંતોષવા યુક્રેનની આઝાદીના દિવસને પણ બિહામણા દિવસમાં પરિવર્તિત કરી દીધો છે. આ તો કેવી આઝાદી જ્યાં યુક્રેન તબાહ થવાની કગાર ઉપર છે. યુક્રેનનાં લશ્કરી થાણાંઓ, પાવર પ્લાન્ટ્સ, મહત્ત્વની સરકારી ઇમારતો તો સમજ્યા પણ રહેણાંક વસાહતો ઉપર પણ રશિયન મિસાઈલો ત્રાટકે છે. લાખો લોકો બેઘર બની ગયા છે. અનેક નગરોમાં પાંચ-પાંચ દિવસથી વીજ પુરવઠો ઠપ્પ છે. માઇનસ ઝીરો ડિગ્રી તાપમાનમાં બંકરોમાં નિર્દોષ લોકો ભૂખ્યા-તરસ્યા મદદ માટે પોકારો કરતા રહે છે અનેક નિર્દોષ નાગરિકોનાં મૃત્યુ થયાં છે.
આ યુદ્ધ એક માત્ર યુક્રેનને જ નહીં, સમગ્ર વિશ્ર્વને પ્રભાવિત કરી રહ્યું છે, આખી દુનિયા ઇચ્છે છે કે યુદ્ધ પૂરું થાય અને આ યાતનામાંથી લોકોને મુક્તિ મળે. પણ સવાલ એ છે કે યુદ્ધવિરામનો નિર્ણય કોણ કરે? અને તેના માટે કોણ રશિયા અને યુક્રેનને સમજાવી શકે? કોની મધ્યસ્થીને એ બંને દેશો સ્વીકારે?હાલ યુદ્ધ એટલું આગળ વધી ગયું છે કે હવે તેને અટકાવવાનું લગભગ અસંભવ જણાઈ રહ્યું છે. યુદ્ધ ન જ થાય એ માટે આ અગાઉ રાજદ્વારી રાહે અનેક પ્રયત્નો થયા હતા. પણ પુતિનની વર્ષો જૂની રશિયન માનસિકતાને કોઈ પરિવર્તિત ન કરી શક્યું. સામે પક્ષે યુક્રેન પણ સતત રશિયાને હરાવવા અને હંફાવવા માગતુ હતું. જેનો ઇતિહાસ સાક્ષી છે.
વાત એ દિવસોની છે, જ્યારે આજના ફિનલેન્ડ, લાતવિયા, પોલેન્ડ, યુક્રેન અને બેલારુસ જેવા દેશ રશિયન સામ્રાજ્યને આધીન હતા. ઇ.સ. ૧૯૧૪માં નિકોલસ દ્વિતીય રશિયન સામ્રાજ્યની સત્તા પર આવ્યા અને માત્ર ત્રણ વર્ષમાં તેમની વિરુદ્ધ વિદ્રોહ ફાટી નીકળ્યો. આ ઐતિહાસિક ઘટના હતી, કેમ કે એ બાદ પહેલી વખત કોઈ દેશમાં કોમ્યુનિસ્ટ શાસનની સ્થાપના થઈ હતી. ઇ.સ. ૧૯૧૭માં વ્લાદિમીર લેનિનની લીડરશિપમાં બોલ્શેવિકોએ ૩૦૦ વર્ષ જૂના રશિયન સામ્રાજ્યને ઉખેડી ફેંકયું અને ઇ.સ. ૧૯૧૮માં યુક્રેને પહેલી વખત આઝાદીની જાહેરાત કરી, પરંતુ સત્તાની ખેંચતાણને કારણે ત્યાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું. ગૃહયુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનનો બે તૃતીયાંશ ભાગ લેનિનની રેડ આર્મીએ જીતી લીધો. ઇ.સ. ૧૯૨૧માં યુક્રેનિયન સોવિયત સ્પેશિયાલિસ્ટ રિપબ્લિકનની સ્થાપના કરવામાં આવી. સોવિયત સરકારે શરૂઆતનાં ૮ વર્ષમાં યુક્રેનની ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું. ઇ.સ. ૧૯૨૨ ડિસેમ્બરમાં યુક્રેન સોવિયત યુનિયનનું એક સંસ્થાપક સભ્ય બની ગયું. ઇ.સ. ૧૯૩૨માં સ્ટાલિનની નીતિઓને કારણે યુક્રેનમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ.
સોવિયત સંઘના અત્યાચારને કારણે યુક્રેનમાં અનેક હથિયારધારી ગ્રુપે વિદ્રોહ કરવાનો પ્રયાસ કર્યો. ઇ.સ. ૧૯૫૪માં આ વિદ્રોહને દબાવવા માટે સોવિયત નેતા નિકિતા ખુશ્ચેવ દ્વારા ક્રીમિયા નામના દ્વીપમાં યુક્રેનમાં સામેલ કરી દીધું અને ઘણાં વર્ષો સુધી યુક્રેનની પ્રજા રશિયામાં જ સબડતી રહી. જેમ અમેરિકામાં અશ્ર્વેતોની ઉપેક્ષા થાય છે એ જ રીતે રશિયન નાગરિકો પર યુક્રેનની પ્રજા સાથે ભેદભાવ યુક્ત વલણ અપનાવતી હતી. સમય જતા રશિયામાં સોવિયેત યુનિયનના વિભાજનથી પ્રક્રિયા શરૂ થઈ અને ઈ.સ. ૧૯૯૦માં એ સમયના રાષ્ટ્ર્પતિ મિખાઈલ ગોર્બાચેવની ઉદારવાદી નીતિ અમલમાં આવી. જેને પગલે ઇ.સ. ૧૯૯૧માં દેશનાં કુલ ૧૫ રાજ્યોમાંથી ૧૪ રાજ્યોને સ્વતંત્ર દેશ તરીકે જાહેર થયા અને સોવિયેત યુનિયનની વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ.
ઇ.સ. ૧૯૯૧માં સોવિયત સંઘ વિખેરાય જતાં યુક્રેને ૨૪ ઑગસ્ટના રોજ પોતાની આઝાદીની જાહેરાત કરી હતી. એ વખતે એક જ વ્યક્તિને સરકાર સામે વાંધો હતો. એ હતાં લિબરેલ પાર્ટીના નેતા વ્લાદિમીર પુતિન, તેમના મતે રશિયામાંથી સોઈના દોરા જેટલી જગ્યા પણ મુક્ત થવી ન જોઈએ.. ત્યારથી લઈને આજ સુધી પુતિને સતત આ ૧૪ રાષ્ટ્રોને રંજાડવાનું જ કામ કર્યું છે. તેમને ૭ દિવસમાં યુક્રેન સાથેનું યુદ્ધ પુરું કરવું હતું પણ ૬ મહિના વીત્યા છતાં હજુ પણ યુદ્ધ ચાલુ છે. પુતિન ભલે યુક્રેન જીતવા નીકળ્યાં છે, પરંતુ લોકોનાં દિલ જીતવામાં નિષ્ફળ ગયા છે. રશિયન પ્રજા પણ તેમને ધિક્કારે છે. પુતિન આજે કદાચ વિશ્ર્વનું સૌથી વધારે તિરસ્કૃત પાત્ર બની ગયા છે. તાજેતરમાં વિશ્ર્વવિખ્યાત લેખક યુવલ નોઆ હરારીએ યુક્રેનની આઝાદીના દિવસે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે ‘રશિયા યુદ્ધ જીતી જશે પણ લડાઈ નહીં. લડાઈ તો ચાલુ રહેશે. યુક્રેનનો એક એક સ્વમાની બચ્ચો લડતો રહેશે.’ જે પ્રતીત આ યુદ્ધમાં થયા કરે છે.
ભારતમાં કોઈ ઉદ્યોગપતિ સરકારનો વિરોધ કરવાની હિંમત કરે એ કલ્પના પણ સ્વપ્ન જેવી લાગે છે, ત્યારે રશિયાના ટોચના બે ઉદ્યોગપતિએ પુતિનનો વિરોધ કર્યો છે. આ બંને અબજોપતિ છે. રશિયાની સૌથી મોટી ખાનગી બેન્ક તેમજ લેટર વન નામની ઈક્વિટી ફર્મના સ્થાપક મિખાઇલ ફ્રાયડમેનની રશિયાના પ્રથમ પાંચ ધનાઢયમાં ગણના થાય છે. તેમણે કહ્યું કે ‘એક પણ સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથી. આ યુદ્ધ રશિયા અને યુક્રેન બંને માટે ટ્રેજેડી બની રહેશે.’ તેમણે આ ખૂની ખેલ બંધ કરવા જાહેર અપીલ કરી.
રશિયાના એલ્યુમિનિયમ જાયન્ટ ગણાતા ઓલેગ ડેરીવાસ્ક વિશ્ર્વના ૧૨૮માં ક્રમના શ્રીમંત છે. રશિયન સરકાર સાથેની તેમની નજદીકી જાણીતી છે. અમેરિકાએ તો તેમના પર પ્રતિબંધ પણ મૂક્યા છે. તેમણે પણ યુક્રેનના સ્વાતંત્ર્ય પર્વ પર ટ્વિટરમાં એક સંદેશ મૂક્યો હતો. જેમાં બંને દેશ વચ્ચે શાંતિની પુન:સ્થાપના કરવા માટે અપીલ કરી અને કહ્યું કે, ‘યુક્રેન અને રશિયા વચ્ચે સદીઓનો ભાઈચારો છે. આ યુદ્ધથી અપાર માનવીય પીડાઓ સર્જાઇ છે, હવે તે અટકે તો સારું’ રશિયાના એવા જ બીજા એક ટોચના અબજપતિ ઉદ્યોગપતિ રોમન અબ્રામોવિચની પુત્રીએ ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં પુતિનને સીધા જ નિશાન બનાવતા લખ્યું હતું કે ‘રશિયન પ્રજા પુતિનની પડખે છે, એ સૌથી મોટું જૂઠાણું છે.’ એક કિસ્સો તો અદ્ભુત છે. દમિત્રી પેસ્કોવ પુતિનની પાર્ટીના પ્રવક્તા છે. યુક્રેન પરના હુમલાને ઉચિત ઠેરવવા તેઓ સતત ટીવી ઉપર નિવેદનો આપતા રહે છે, પરંતુ તેમની જ પુત્રી લિઝા પેસ્કોવએ બ્લેક બેકગ્રાઉન્ડ વચ્ચે ‘નો વોર’ની પોસ્ટ મૂકી હતી અને ઝેલેન્સ્કીને સ્પોર્ટ કરવાની વાત કરી હતી.
વેબ સિરીઝના વાયરા વચ્ચે પાંચ વર્ષ પહેલા જ એક કોમેડી શોના કારણ કે સ્ટાર બનેલા ઝેલેન્સ્કી ૧૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા. ગ્લેમરસ ફિલ્ડમાંથી સીધા રાજકારણમાં ખાબક્યા અને યુદ્ધની સ્થિતિ શરૂ થઈ છતાં આજ સુધી તેમણે હાર નથી માની. પણ આજે યુક્રેનની અશ્રુભરી યાતનાને સાંભળવાવાળું કોઈ નથી. આજે યુક્રેનમાં ચારે તરફ તબાહીનો માહોલ છવાયેલો છે. એર સ્ટ્રાઈકની ચેતવણી આપતી કર્કશ સાઇરનો રાતભર ગાજતી રહે છે. માસૂમ ભૂલકાં ઝબકીને જાગી જાય છે અને લોકો ભયથી ફફડતા રહે છે. યુક્રેન હાલ પોતાની આઝાદીના ૩૧માં વર્ષમાં પણ સતત સ્વતંત્ર થવા માટે ઝંખે છે. હવે સમય જ બતાવશે કે યુક્રેન આ વિડંબણામાંથી ક્યારે મુક્ત થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.