Homeટોપ ન્યૂઝ'રશિયા યુક્રેનમાંથી બહાર નીકળે', સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધ વિરુદ્ધનો ઠરાવ પસાર, ભારત મતદાનથી...

‘રશિયા યુક્રેનમાંથી બહાર નીકળે’, સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધ વિરુદ્ધનો ઠરાવ પસાર, ભારત મતદાનથી દૂર

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ યુક્રેન પર રશિયાના હુમલા વિરુદ્ધના ઠરાવને મંજૂરી આપી છે. જેમાં રશિયાને યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવા અને પોતાની સેનાને હટાવવાનું કહેવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે આજે શુક્રવારે યુક્રેન પર રશિયન આક્રમણની શરૂઆતને એક વર્ષ પૂર્ણ થયું છે.
યુક્રેનના આ પ્રસ્તાવને તેના સહયોગી દેશોની મદદથી રજુ કરવામાં આવ્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 141-7થી પસાર કરવામાં આવ્યો હતો. ભારત અને ચીન આ પ્રસ્તાવ દરમિયાન વોટિંગથી દૂર રહ્યા હતા.
યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ જણાવ્યું હતું કે આ ઠરાવ એ વાતનો પુરાવો છે કે માત્ર પશ્ચિમ જ નહીં વિશ્વભરના દેશ યુક્રેનને સમર્થન આપે છે. કુલેબાએ કહ્યું, “સમર્થન ખૂબ વ્યાપક છે અને તે મજબૂત રહેશે. આ વોટ એ દલીલને નકારી કાઢે છે કે વૈશ્વિક દક્ષિણ યુક્રેનની બાજુમાં નથી કારણ કે લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયાનું પ્રતિનિધિત્વ કરતા ઘણા દેશોએ આજે યુક્રેનનો પક્ષ લીધો છે. ”
ઠરાવ વિરૂદ્ધ મતદાન કરનારા સાત દેશોમાં બેલારુસ, માલી, નિકારાગુઆ, રશિયા, સીરિયા, ઉત્તર કોરિયા અને એરિટ્રિયા નો સમાવેશ થાય છે. રશિયાના સાથી બેલારુસે તેમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ફગાવી દેવામાં આવ્યો હતો.
સામાન્ય સભામાં બે દિવસ સુધી આ ઠરાવ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 75 થી વધુ દેશોના વિદેશ મંત્રીઓ અને રાજદ્વારીઓએ સંબોધન કર્યું હતું. જેમાં યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા જાળવવાના સમર્થનમાં જોરદાર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
રશિયાએ 24 ફેબ્રુઆરી, 2022ના રોજ યુક્રેનમાં પોતાની સેના મોકલીને અભિયાનની શરૂઆત કરી હતી, જે હજુ પણ ચાલુ છે. અત્યાર સુધી યુદ્ધમાં બંને તરફથી હજારો લોકો માર્યા ગયા છે. યુક્રેનના ઘણા શહેરો ખંડેર બની ગયા છે. યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ખાદ્યપદાર્થો અને ઈંધણના ભાવમાં વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular