છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાને બદલે વધુ વકરવાનો ભય છે. યુક્રેનના આર્મી ચીફે દાવો કર્યો છે કે રશિયા રાજધાની કિવ પર હુમલો કરવા માટે બે લાખ નવા સૈનિકો તૈયાર કરી રહ્યું છે. બીજી તરફ યુરોપિયન યુનિયન (EU)એ ગુરુવારે રશિયા પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. તેમણે યુક્રેનને આર્થિક મદદ કરવાની પણ જાહેરાત કરી છે.
રશિયા અને યુક્રેનની લડાઈ અત્યાર સુધી યુક્રેનના પૂર્વ અને દક્ષિણમાં કેન્દ્રિત છે, પરંતુ જનરલ વેલેરી ઝાલુજ્નીએ આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા ફરીથી કિવને નિશાન બનાવશે. આ માટે તેઓ બે લાખ સૈનિકોની વિશેષ ટુકડી તૈયાર કરી રહ્યા છે. રશિયા 2023ના શરૂઆતના મહિનાઓમાં કિવ પર નવો હુમલો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયા ઝડપથી કિવને કબજે કરવા માંગતું હતુ, પરંતુ યુક્રેનિયન સૈન્ય દ્વારા તેમને ભારે પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે રશિયાએ માર્ચ અને એપ્રિલમાં આ વિસ્તારમાંથી સેનાને પાછી બોલાવી હતી.
દરમિયાન, EUએ યુક્રેનમાં યુદ્ધને લઈને રશિયા પર દબાણ વધારવા માટે ગુરુવારે નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ સાથે EUએ યુક્રેનને મદદ આપવાની પણ જાહેરાત કરી છે. EU એ 27 દેશોના રાજદૂતો સાથે ઘણા દિવસોના પરામર્શ પછી રશિયા પર નવા પ્રતિબંધોને મંજૂરી આપી છે. નવા પ્રતિબંધોમાં લગભગ 200 વધુ રશિયનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. રશિયાના ખાણકામ પર પ્રતિબંધોની સાથે તેલની નિકાસ પર પણ પ્રાઇસ કેપ લાદવામાં આવી છે.
EUએ પણ યુક્રેનને 18 બિલિયન યુરોની મદદની જાહેરાત કરી છે.