રૂપિયા ઝાડ પર પણ ઊગી શકે છે! પૂછો આ યુવાનને

પુરુષ

સ્પેશિયલ – અનંત મામતોરા

એક નાનકું બાળક ઘણી વાર અશક્ય વાતને શક્ય માની લે છે, જેમ કે ભૂત જેવું કશું નથી હોતું, પણ બાળક કોઈની આ વાત સાચી માની લે છે. તેવી જ રીતે ભારતમાં એક મશહૂર કહેવત છે કે ‘રૂપિયા ઝાડ પર નથી ઊગતા’, પણ જો તમે બાળકને કહો તો શક્ય છે એ તેને સાચું માની પણ લે! તેલંગણાના નિર્મલમાં રહેતા રાહુલ કોપ્પુલા બાબત કંઈક ઊંધું થયું. તેણે ‘રૂપિયા ઝાડ પર નથી ઊગતા’ કહેવત એટલી વાર સાંભળી કે તેને થયું કે હું ઉગાડીને જ બતાવીશ! આજે એ જ રાહુલ કોપ્પુલા ટ્રી હાઉસ હોટેલ બનાવીને વર્ષનું એક કરોડનું ટર્નઓવર કરી રહ્યો છે!
રાહુલ કોપ્પુલાએ એન્જિનિયરિંગના અભ્યાસ દરમ્યાન જ નક્કી કરી લીધેલું કે પોતે નોકરી નહિ, પણ ધંધો કરશે. રાહુલના પિતા ડોક્ટર છે અને માતા ગૃહિણી છે. હરવાફરવાનો શોખીન ૨૭ વર્ષીય રાહુલ અત્યારે હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામમાં હોટેલ ચલાવે છે અને તેના દ્વારા ગામના અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. તેણે હિમાચલના જીભી ગામમાં દેવદારનું લાકડું વાપરીને ઑકના વૃક્ષ પર એક ટ્રી હાઉસ બનાવ્યું. લોકોને તે ખૂબ પસંદ આવ્યું. આ હોટેલ બનાવ્યા પહેલાં તે પોતે તો કદી કોઈ ટ્રી હાઉસમાં રોકાયો પણ નહોતો! ફક્ત ફિલ્મો અને યુટ્યુબમાં ટ્રી હાઉસ જોયાં હતાં.
આજે તો જીભી પર્યટકોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે, પણ રાહુલ કહે છે, ‘જ્યારે ૨૦૧૮માં હું જીભી ફરવા આવ્યો હતો ત્યારે ત્યાં બહુ ઓછા પર્યટકો આવતા હતા. ત્યાં સો વર્ષ જૂનાં વૃક્ષો જોઈને મને ટ્રી હાઉસ બનાવવાનો વિચાર આવ્યો. ટ્રી હાઉસ બનાવવાનું બીજું કારણ લોકોને સમજાવવાનું હતું કે વૃક્ષોમાંથી પણ રૂપિયા કમાઈ શકાય છે.’
પોતાના ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનના અભ્યાસ દરમ્યાન રાહુલ ઘણા બિઝનેસ સેમિનારમાં ભાગ લેતો હતો. વર્ષ ૨૦૧૬માં પ્રથમ કપડાંનો વ્યવસાય શરૂ કર્યો હતો. અમુક કારણોથી એ વ્યવસાય લાંબો ન ચાલ્યો, ત્યાર બાદ તે અન્ય વિકલ્પોનો વિચાર કરી રહ્યો હતો. રાહુલ ક્યારેય ડિગ્રી કોલેજમાં ગયો જ નથી, કારણ કે તે વ્યવસાય શરૂ કરવા માગતો હતો. તેનાં માતા-પિતાએ પણ તેના પર નોકરી કરવાનું કોઈ દબાણ નહોતું મૂક્યું. ૨૦૧૮ના માર્ચ મહિનામાં હિમાચલની ટ્રિપ દરમ્યાન ટ્રી હાઉસ બનાવવાનો નિર્ણય કર્યો.
તેની પાસે ટ્રી હાઉસ બનાવવાની કોઈ જાણકારી નહોતી, પણ તેણે ઈન્ટરનેટ પર તેના વિષે સંશોધન કરવાનું ચાલુ કર્યું. દુનિયાનાં અલગ અલગ ટ્રી હાઉસની જાણકારી મેળવ્યા બાદ, જુલાઈ ૨૦૧૮માં સ્થાનિક કારીગરોની મદદથી કામ શરૂ કર્યું. તેમણે ગ્રામીણોની જમીન લીઝ પર લઈને ટ્રી હાઉસ બનાવ્યાં છે. પોતાના પ્રોજેક્ટને ટકાઉ બનાવવા માટે તેણે વધુમાં વધુ સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. લાકડાં પણ ત્યાંના સ્થાનિક જંગલનાં વૃક્ષોનાં વાપર્યાં છે જે જલદી ઊગી જાય છે. થોડા મહિનાની મહેનત પછી પહેલું ટ્રી હાઉસ તૈયાર હતું.
રાહુલ કહે છે કે ‘મેં સોશિયલ મીડિયા દ્વારા લોકોને ટ્રી હાઉસની માહિતી આપવાનું શરૂ કર્યું હતું, પણ તમને વિશ્ર્વાસ નહિ થાય કે હજી તો ટ્રી હાઉસ બન્યું પણ નહોતું તેના પહેલાં લોકો બુકિંગ માટે મારો સંપર્ક કરતા હતા. ત્યારે જ મને સમજાઈ ગયું કે આ એક સારો બિઝનેસ સાબિત થશે.’
દસ લાખના રોકાણથી બનાવેલા પહેલા ટ્રી હાઉસમાં પહેલા વર્ષે થયેલા નફામાંથી બીજે વર્ષે
બીજું ટ્રી હાઉસ બનાવ્યું અને અત્યારે તેની પાસે ત્રણ ટ્રી હાઉસ છે.
રાહુલે જ્યારે ટ્રી હાઉસ બનાવ્યું ત્યારે જીભીમાં પર્યટકો માટે સાત-આઠથી વધુ વિકલ્પો નહોતા. મોટા ભાગની હોટેલો સિમેન્ટ કોન્ક્રીટની બની હતી. તે સમયે ટ્રી હાઉસ શિમલા અથવા કુલુમાં જ હતાં. જીભીમાં પહેલું ટ્રી હાઉસ બનાવીને રાહુલે ગામના લોકોની રોજગારી વધારવાની સાથે સાથે પર્યટનનો પણ વિકાસ કરવામાં મદદ કરી છે. તે કહે છે કે ‘પહેલાં અહીંયાં દસ હોટેલ્સ પણ નહોતી, માત્ર ત્રણ વર્ષમાં નાની-મોટી મળીને ત્રણસો હોટેલ બની ગઈ છે.’ ટ્રી હાઉસની સફળતા બાદ લીઝ પર જમીન લઈને રાહુલે પથ્થરના કોટેજ અને કેફે પણ બનાવ્યાં છે. સમગ્ર પ્રોજેક્ટને પર્યાવરણને અનુકૂળ બનાવવા ઓછામાં ઓછી સિમેન્ટનો વપરાશ કર્યો છે, જેથી લોકોને પ્રકૃતિ સાથે રહેવાનો સાચો આનંદ મળી શકે. આજે એક કરોડના ટર્નઓવર સાથે રાહુલે સાબિત કરી દીધું કે રૂપિયા ઝાડ પર પણ ઊગી શકે છે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.