ડૉલર સામે રૂપિયો ૩૦ પૈસા તૂટીને ૮૧.૦૯ની ઐતિહાસિક નીચી સપાટીએ: ત્રણ સત્રમાં રૂપિયામાં ૧૩૫ પૈસાનું ધોવાણ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં આક્રમક વધારો કરવાના સંકેતો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલરમાં સલામતી માટેની આક્રમક લેવાલી રહેવા ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતી રહેતાં આજે ડૉલર સામે રૂપિયો વધુ ૩૦ પૈસા તૂટીને ૮૧.૦૯ ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે છેલ્લાં ત્રણ સત્રમાં ડૉલર સામે રૂપિયામાં ૧૩૫ પૈસાનું ધોવાણ થઈ ગયું છે.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૦.૭૯ના બંધ સામે ૨૯ પૈસાના કડાકા સાથે ૮૧ની સપાટી કુદાવીને ૮૧.૦૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૧.૨૩ સુધી ગબડ્યા બાદ ઉપરમાં ૮૦.૭૭ સુધી પહોંચ્યા બાદ અંતે ગઈકાલના બંધથી ૩૦ પૈસાના ઘટાડા સાથે ૮૧.૦૯ના મથાળે બંધ રહ્યો હતો.
ફોરેક્સ ટ્રેડરોનાં જણાવ્યાનુસાર અમેરિકી ફેડરલ રિઝર્વ અને બૅન્ક ઑફ ઈંગ્લેન્ડ દ્વારા કરવામાં આવેલા વ્યાજદરમાં વધારા ઉપરાંત રશિયા-યુક્રેન વચ્ચેનો રાજકીય-ભૌગોલિક તણાવ સપાટી પર આવતાં રોકાણકારોની ડૉલરમાં સલામતી માટેની માગ ખૂલતાં રૂપિયામાં ધોવાણ જોવા મળી રહ્યું છે. મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં ફોરેક્સ અને બુલિયન વિભાગનાં એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવ્યું હતું કે વ્યાજદરમાં વધારા ઉપરાંત યુક્રેનનો તણાવ વધતાં ડૉલરમાં સલામતી માટેની માગને ટેકે ડૉલર મજબૂત થતાં રૂપિયામાં ધોવાણ થઈ રહ્યું છે. વધુમાં ગબડતા યેનને અટકાવવા બૅન્ક ઑફ જાપાને હસ્તક્ષેપ કરતાં યેનમાં પણ ભારે ચંચળતા જોવા મળી હતી. અમારા મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૦.૪૦થી ૮૧.૨૦ની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા છે.
દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૭૨ ટકા વધીને ૧૧૨.૧૫ આસપાસ કવૉટ થઈ રહ્યો હતો તેમ જ વિશ્ર્વ બજારમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધીને ૧૧ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. વધુમાં સ્થાનિક સ્તરે આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ૧૦૨૦.૮૦ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૩૦૨.૪૫ પૉઈન્ટ તૂટ્યો હતો.
જ્યારે ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૫૦૯.૫૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૯૮ ટકા ઘટીને બેરલદીઠ ૮૮.૬૭ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ધોવાણ થોડાઘણાં અંશે મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.