(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આંતરપ્રવાહ ઉપરાંત બજારમાં જળવાઈ રહેલો સુધારો અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૯.૭૪ના બંધ સામે ૨૮ પૈસાના સુધારા સાથે ૭૯.૪૬ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૯.૭૪ના બંધ સામે મજબૂત અન્ડરટોને ૭૯.૩૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં ૭૯.૨૬ અને નીચામાં ૭૯.૪૮ની રેન્જમાં અથડાઈને અંતે ૨૮ પૈસાના સુધારા સાથે ૭૯.૪૬ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સ્થાનિક ફોરેક્સ માર્કેટ ગત સોમવારે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અને મંગળવારે પટેટીની જાહેર રજાને કારણે બંધ રહી હતી.
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઑગસ્ટના પહેલા પખવાડિયામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૨,૪૫૨ કરોડની લેવાલી રહી હતી, જ્યારે ગઈકાલે રૂ. ૧૩૭૬ કરોડની લેવાલી હતી. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૧૭.૯૨ પૉઈન્ટનો અને ૧૧૯ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૦૬ ટકા ઘટીને બેરલદીઠ ૯૨.૨૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાની તેજીને ટેકો મળ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ ઘટ્યા મથાળેથી ૦.૦૬ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Google search engine